અમેરિકામાં પણ ઉઠ્યો 'વોટ ચોરી'નો મુદ્દો! ટ્રમ્પની જાહેરાત- પુરાવા આપો અને કરોડોનું ઈનામ જીતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Voter Fraud Reward : અમેરિકામાં 3 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોટર ફ્રોડ એટલે કે મતદાનમાં ગેરરીતિના મુદ્દે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પરની પોસ્ટમાં ચૂંટણીમાં વોટ ચોરીના ગુનાને સાબિત કરી શકે તેવા પુરાવા આપનારને 10 લાખ ડોલર એટલે કે આશરે 9 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની વાત કરી છે. જોકે, આ ઇનામ કોણ આપશે અને તેની રકમ ક્યાંથી આવશે તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નથી. ટ્રમ્પે અમેરિકામાં અગાઉ યોજાયેલી ચૂંટણીઓ અને આગામી મિડટર્મ ચૂંટણીમાં મતદાનની ગેરરીતિઓ અંગે પુરાવા આપવા લોકોને અપીલ કરી છે. તેમના દાવા મુજબ, ચૂંટણીમાં ગેરરીતિઓ થતી રહી છે અને મૃત વ્યક્તિઓના નામે પણ મતદાન કરવામાં આવે છે. જોકે, આ દાવાઓને સમર્થન આપતા ચોક્કસ પુરાવા અંગેની વિગતો પોસ્ટમાં આપવામાં આવી નથી.
મિડટર્મ ચૂંટણી પહેલાં વોટર ફ્રોડનો મુદ્દો ગરમાયો
અમેરિકામાં ચૂંટણીની પારદર્શિતા અને મતદાનની વિશ્વસનીયતાને લઈને રાજકીય ચર્ચા વચ્ચે ટ્રમ્પે વોટર ફ્રોડ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે ચૂંટણીમાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને સજા અપાવવાનો પણ દાવો કર્યો છે. ટ્રમ્પ લાંબા સમયથી અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. મિડટર્મ ચૂંટણી પહેલાં આ મુદ્દાને ફરી આગળ ધરીને તેમણે પોતાના સમર્થકોને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા અને પુરાવા રજૂ કરવા અપીલ કરી છે.
અમેરિકામાં મિડટર્મ ચૂંટણી શા માટે મહત્ત્વની?
અમેરિકામાં 3 નવેમ્બર, 2026ના રોજ મિડટર્મ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની આશરે એક તૃતીયાંશ બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં ગવર્નર સહિતના પદો માટે પણ ચૂંટણી યોજાશે. પ્રમુખની ચાર વર્ષની મુદતના મધ્યમાં યોજાતી આ ચૂંટણીને સરકારના કામકાજ અંગે જનતાના મૂડના સંકેત તરીકે જોવામાં આવે છે. જો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસમાં બહુમતી ગુમાવે, તો તેમના માટે કાયદા પસાર કરાવવા અને સરકારના એજન્ડાને આગળ વધારવાનું મુશ્કેલ બની શકે છે.
ટ્રમ્પે મતદારોને આપ્યાં અનેક વચનો
મિડટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પે અન્ય આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર પણ વચનો આપ્યાં છે. તેમના દાવા મુજબ, જો રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસમાં બહુમતી જાળવી રાખશે તો દરેક પુખ્ત અમેરિકન નાગરિકને 5,000 ડોલર આપવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત નોર્થ કેરોલિનાના સૈન્ય મથક પર દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી બીમાર પડેલા ભૂતપૂર્વ સૈનિકોના વળતરના મુદ્દાનો ઉકેલ લાવવાની પણ વાત કરવામાં આવી છે. અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ઘણી વખત પ્રમુખની પાર્ટીને મિડટર્મ ચૂંટણીમાં નુકસાન થયું છે. તેથી આ ચૂંટણી ટ્રમ્પ માટે મહત્ત્વપૂર્ણ રાજકીય કસોટી બની શકે છે.




