World

કેનેડિયન લેખિકા એન કાર્સનને સાહિત્યનો નોબેલ પુરસ્કાર, ગદ્ય અને પદ્યનો સંગમ કરીને લેખન કરવા માટે છે જાણીતા

By GS Team
8 Oct 20264 mins read
TukuTouch Logo
સાહિત્યનો નોબેલ પુરસ્કાર 2026 કેનેડિયન કવિયત્રી એન કાર્સનને મળ્યો છે. 8 ઑક્ટોબરે સ્વીડિશ એકેડેમીએ આ જાહેરાત કરી. તેમણે પ્રાચીન ગ્રીક પૌરાણિક કથાઓ અને સાહિત્યને આધુનિક પ્રેમ અને જીવન સાથે જોડીને એક નવી શૈલી વિકસાવી છે. કાર્સન કવિતા, નિબંધ અને પૌરાણિક કથાઓનો અદ્ભુત સમન્વય કરે છે. તેમનું કાર્ય સાહસિક અને સંશોધનાત્મક છે, જેણે સમકાલીન સાહિત્યને નવો આયામ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડિયન લેખિકા એન કાર્સનને સાહિત્યનો નોબેલ પુરસ્કાર, ગદ્ય અને પદ્યનો સંગમ કરીને લેખન કરવા માટે છે જાણીતા

Nobel Prize For Literature: સાહિત્યની દુનિયામાં જ્યારે કોઈ સર્જક કવિતા, ગદ્ય અને ઇતિહાસની સરહદો ભૂંસી નાખે છે, ત્યારે એક નવી જ સાહિત્યિક પરંપરાનો જન્મ થાય છે. પ્રાચીન ગ્રીક પૌરાણિક કથાઓને આધુનિક સમયના પ્રેમના રંગે રંગનાર કેનેડિયન કવિયત્રી અને લેખિકા ‘એન કાર્સન’ને સાહિત્યના સૌથી મોટા સન્માન, 2026ના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

કાર્સન કવિતા, નિબંધ અને પૌરાણિક કથાઓનો ગદ્ય-પદ્યમાં અદ્ભુત સમન્વય કરીને લખવા માટે જાણીતા છે. તેમણે 'ઇલેક્ટ્રા' અને 'સેફો' જેવા પ્રાચીન ગ્રીક સાહિત્યનો પણ અનુવાદ કરીને તેને આધુનિક સ્વરૂપ આપ્યું છે. ગ્રીક પૌરાણિક કથાઓ અને પ્રાચીન સાહિત્ય શુષ્ક કે આજના જમાનામાં અઘરું મનાય છે, પરંતુ કાર્સનની ખાસિયત એ છે કે તેઓ 2500 વર્ષ જૂના ગ્રીક પાત્રોને આજના આધુનિક યુગ સાથે જોડી દે છે.

નોબેલ પુરસ્કારની જાહેરાત

8 ઑક્ટોબરના રોજ સ્વીડિશ એકેડેમીએ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે એન કાર્સન(Anne Carson)ના નામની જાહેરાત કરી. સમિતિના જણાવ્યા અનુસાર, કાર્સનને આ પુરસ્કાર તેમના સાહસિક અને સંશોધનાત્મક કાર્ય માટે આપવામાં આવ્યો છે, જેણે શાસ્ત્રીય પરંપરાઓ સાથે રમતિયાળ સંવાદ સાધીને સમકાલીન સાહિત્ય માટે એક નવું સ્વરૂપ અને પરિમાણ ઊભું કર્યું છે.

image.png

પ્રારંભિક જીવન અને શૈક્ષણિક સફર

એન કાર્સનનો જન્મ 1950માં કેનેડાના ટોરોન્ટો શહેરમાં થયો હતો.

  • પ્રાચીન ગ્રીક સાહિત્ય પ્રત્યે ઊંડો રસ ધરાવતા તેમણે ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી ક્લાસિક્સમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. 1981માં તેમણે ક્લાસિક્સ જર્નલમાં પોતાનો ડોક્ટરલ થીસીસ ‘ઓડી એટ એમો એર્ગો સમ’ (Odi et Amo Ergo Sum) પ્રકાશિત કર્યો હતો.
  • પોતાની કારકિર્દી દરમિયાન તેમણે કવિ, નિબંધકાર, અનુવાદક અને વિદ્વાન તરીકેની ભૂમિકાઓ ભજવી અને વિવિધ યુનિવર્સિટીઓમાં શિક્ષણ પણ આપ્યું.

સાહિત્યિક શૈલી અને સીમાચિહ્નરૂપ રચનાઓ

કાર્સનને ક્યારેય પરંપરાગત સાહિત્યિક સીમાઓમાં બાંધવામાં રસ ન હતો. તેમના મતે કવિતા એક નિબંધ બની શકે છે અને પ્રાચીન દંતકથા સમકાલીન પ્રેમકથા બની શકે છે.

  • ઓટોબાયોગ્રાફી ઑફ રેડ (1998): આ પુસ્તક તેમની સૌથી મહાન અને જાણીતી કૃતિ માનવામાં આવે છે. આ એક શ્લોકબદ્ધ નવલકથા(Novel in Verse) છે. પ્રાચીન ગ્રીક પાત્ર 'ગેરિઓન' (લાલ પાંખોવાળો રાક્ષસ) અને 'હેરાકલ્સ'ની વાર્તા પર આધારિત આ પૌરાણિક કથાને કાર્સને કિશોરવયના એક સંવેદનશીલ છોકરાની તીવ્ર પ્રેમકથામાં અદ્ભુત રીતે પરિવર્તિત કરી છે. આ પુસ્તક દર્શાવે છે કે તેઓ પ્રાચીન સામગ્રીને કેવી રીતે આધુનિક બનાવી શકે છે.
  • ગ્લાસ, આયર્ન, એન્ડ ગોડ (1995): આ કવિતાઓનો સંગ્રહ છે. એમાં છપાયેલી એક લાંબી કવિતા ‘ધ ગ્લાસ એસેઝ’ (જે નિબંધના સ્વરૂપમાં લખાયેલી છે) વાચકો અને વિવેચકોને સૌથી વધુ ગમી છે.
  • અનુવાદ: તેમણે 'ઇલેક્ટ્રા' અને 'સેફો' જેવી કૃતિઓનો અનુવાદ કરીને પોતાની શાસ્ત્રીય વિદ્વતાને સીધી જ પોતાના સર્જનાત્મક લેખનમાં ઉતારી છે.

શબ્દો પ્રત્યેનો લગાવ અને કલા સમન્વય

નોબેલ સમિતિએ તેમના કાર્યની વિશેષ નોંધ લેતા કહ્યું છે કે, કાર્સનનું લગભગ તમામ સાહિત્યિક કાર્ય એક ભાષાશાસ્ત્રીના શબ્દો પ્રત્યેના જુસ્સા અને કવિના નવા અર્થો શોધવાના પ્રયાસના સંયોજન પર કેન્દ્રિત છે. તેઓ હંમેશા શબ્દોની વ્યુત્પત્તિ(Etymology)ને પોતાના કાર્યનું પ્રારંભિક બિંદુ માને છે.

લેખિકા તરીકે તેઓ હંમેશા લેખનની નવી શક્યતાઓનો હળવાશથી અભ્યાસ કરે છે. તેઓ માત્ર સાહિત્ય પૂરતા સીમિત નથી રહ્યા. કલાકારો, કોરિયોગ્રાફરો તેમજ ઓપેરા અને થિયેટર દિગ્દર્શકો સાથેના તેમના સહયોગે સાબિત કર્યું છે કે તેઓ સાહિત્યિક નિયમો અને અપેક્ષાઓથી કેટલા સ્વતંત્ર છે. આ જ કારણ છે કે 1990ના દાયકાથી આંતરરાષ્ટ્રીય કલાત્મક અને સાહિત્યિક મંચ પર તેમના કાર્યને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

‘T. S. Eliot Prize’ જીતનાર પ્રથમ મહિલા

વર્ષ 2001માં તેમના કાવ્યસંગ્રહ ‘The Beauty of the Husband’ માટે કાર્સનને બ્રિટનનો અત્યંત પ્રતિષ્ઠિત T. S. Eliot Prize મળ્યો હતો. કવિતાના ક્ષેત્રમાં આ એવોર્ડ જીતનારા તેઓ વિશ્વના પ્રથમ મહિલા કવિ બન્યા હતા. આમ છતાં, તેઓ ભાગ્યે જ જાહેરમાં પર્સનલ લાઈફ વિશે બોલે છે કે ઈન્ટરવ્યૂ આપે છે. તેમના પુસ્તકોના પાછળના કવર પર બાયોગ્રાફીના નામે સામાન્ય રીતે માત્ર એક જ લાઈન લખેલી હોય છે: "Anne Carson was born in Canada and teaches ancient Greek for a living." એટલે કે એન કાર્સનનો જન્મ કેનેડામાં થયો હતો અને તેઓ રોજીરોટી માટે પ્રાચીન ગ્રીક ભણાવે છે.

ભારત સાથે પણ અનોખું કનેક્શન

ગ્રીક સાહિત્ય અને પૌરાણિક કથાઓને આધુનિક સ્વરૂપ આપવા માટે જાણીતા કાર્સનનું એક અનોખું ભારત કનેક્શન પણ છે! કાર્સનના મોટા ભાઈ માઈકલ 1979માં કેનેડા છોડીને ભાગી ગયા હતા, જે બે દાયકાથી વધુ સમય સુધી ખોટા પાસપોર્ટ પર ભારત (ખાસ કરીને કાશ્મીર) અને યુરોપના વિવિધ શહેરોમાં રહ્યા. આ દરમિયાન એન કાર્સનને તેમના ભાઇ માઇકલે ભારતમાંથી મોકલેલા પત્રો, કાશ્મીરની હોટેલના લેટરહેડ અને સ્ટેમ્પ મળ્યા હતા. આ યાદો અને ભાઈની ખોજને તેમણે તેમના પ્રખ્યાત પુસ્તક 'Nox' માં વણી લીધી છે.

માત્ર કાગળ નહીં, સ્ટેજ પર પણ સાહિત્ય!

કાર્સન તેમના લખાણને માત્ર પુસ્તક પૂરતું સીમિત નથી રાખતા. તેઓ 'પોએટ્રી રીડિંગ'ને એક પર્ફોર્મન્સ આર્ટ બનાવે છે. તેઓ ઓપેરા સિંગર્સ, ડાન્સર્સ અને થિયેટર આર્ટિસ્ટ્સ સાથે મળીને પોતાની કવિતાઓ અને ગ્રીક નાટકોના અનુવાદોનું સ્ટેજ પર્ફોર્મન્સ (Live Performance) કરાવે છે.