VIDEO : થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધ અંગે મોટા સમાચાર: UNમાં ઈમરજન્સી બેઠક, સીઝફાયરનો પ્રસ્તાવ ફગાવાયો
Thailand-Cambodia War : દક્ષિણપૂર્વ એશિયાના બે દેશ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સૈન્ય ઘર્ષણ થયા બાદ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટની વિનંતી બાદ યુદ્ધને લઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજીતરફ થાઈલેન્ડના વિદેશમંત્રીના પ્રવક્તાએ કહ્યું છે કે, ‘જ્યાં સુધી કંબોડિયા આક્રમક કાર્યવાહી ન રોકે, ત્યાં સુધી યુદ્ધવિરામની વાતો કરવી અયોગ્ય છે.
થાઈલેન્ડ પર રોકેટ ઝિંકાયા, યુદ્ધના ભણકારા
થાઈલેન્ડના આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે, ‘ઘર્ષણમાં અત્યાર સુધીમાં 12 થાઈ નાગરિકોના મોત થયા છે. બંને દેશોની સરહદ પર ફાઈટર જેટ એલર્ટ પર તહેનાત કરાયા છે. થાઈલેન્ડના એફ-16 ફાઈટર જેટે શુક્રવારે (25 જુલાઈ)એ છ સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતા. તણાવ વધવાના કારણે બંને દેશોએ પોતપોતાના રાજદૂતોને પરત બોલાવી દીધા છે. બંને દેશો વચ્ચે ભયાનક યુદ્ધ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કંબોડિયાએ થાઈલેન્ડ પર અનેક રૉકેટ ઝિંક્યા બાદ દક્ષિણપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
બંને દેશોની ટેંકો અને ભારે હથિયારો તહેનાત
થાઈલેન્ડના હુમલા બાદ કંબોડિયન સેનાએ બીએમ-21 ગ્રેટ મલ્ટીપલ લૉન્ચ રૉકેટ સિસ્ટમથી થાઈ સેના પર હુમલો કર્યો છે. બંને દેશોએ ટેંકો અને ભારે હથિયારો પણ તહેનાત કરી દીધા છે. તણાવ વધવાના કારણે થાઈલેન્ડે પોતાના નાગરિકોને તાત્કાલીક કંબોડિયા છોડવાનો આદેશ આપ્યો છે.
થાઈલેન્ડના રહેવાસી ઠેકાણાઓ ટાર્ગેટ કરાયા
કંબોડિયન સેનાએ રૉકેટ ઝિંકતા થાઈલેન્ડના સુરીન શહેરમાં એક પેટ્રોલ પંપ નષ્ટ થઈ ગયો છે. બીજુ રૉકેટ ફેનમ ડૉન્ગ રાક હોસ્પિટલ પર ઝિંકાયું છે. જોકે હોસ્પિટલ પહેલેથી જ ખાલી કરી દેવાતા મોટી જાનહાની ટળી છે. ત્યારબાદ થાઈલેન્ડે ફાઈટર જેટથી કંબોડિયા પર ધડાધડ હુમલા કર્યા છે. હિંસા બાદ બંને દેશોએ પોતપોતાના રાજદૂતોને પરત બોલાવ્યા છે.
આ પણ વાંચો : થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, ભારતીય દૂતાવાસે જાહેર કર્યું એલર્ટ
થાઈલેન્ડના 8 જિલ્લામાં માર્શલ લૉ જાહેર
શુક્રવારે થાઈલેન્ડે કંબોડિયાની બોર્ડર પર આવેલા 8 જિલ્લાઓમાં માર્શલ લો જાહેર કરી દીધું છે. થાઈલેન્ડના એક આર્મી કમાન્ડરે કહ્યું છે કે, કંબોડિયા દ્વારા બળપ્રયોગ કરી થાઈ વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, યુએનના સિક્યોરિટી કાઉન્સિલમાં આ સંઘર્ષ પર એક ઈમરજન્સી મીટિંગ પણ થઈ છે.
ઘર્ષણમાં અત્યાર સુધીમાં 16ના મોત, યુદ્ધ જેવી સ્થિતિ
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે (24 જુલાઈ) હિંસક અથડામણ શરૂ થઈ હતી, જેમાં એક સૈનિક અને કેટલાક બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. ઘટનાઓમાં 15 સૈનિકો અને 30 સામાન્ય નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ મુજબ, હિંસા વધુ વકર્યા બાદ હજારો લોકોએ પોતાનું ઘર છોડી અન્ય સ્થાને પલાયન કરી રહ્યા છે. થાઇલેન્ડના કાર્યકારી વડાપ્રધાન ફુમથામ વેચયાચાઈએ ચેતવણી આપી છે કે, વર્તમાન સ્થિતિ નિયંત્રણથી બહાર જઈ શકે છે. હવે ઘૂસણખોરી અને આક્રમક કાર્યવાહીની સ્થિતિ ઉભી થઈ છે. સ્થિતિ ગંભીર હોવાના કારણે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ અહીં ભારે હથિયારોથી અથડામણ ચાલી રહી છે.
કેમ વકરી સ્થિતિ?
24મી જુલાઈ બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મોત થયું હતું અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો હતો. ગત મહિને બંને દેશોએ એકબીજા પર કડક પ્રતિબંધો લગાવ્યા અને સરહદ પર સૈનિકોની સ્થિતિ વધારી દીધી.