કંબોડિયાએ 60 વર્ષ જૂના હથિયારોથી થાઈલેન્ડમાં મચાવી તબાહી, જુઓ કોણે આપ્યા હતા
Cambodia Thailand Clash: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઘણાં વર્ષોથી બોર્ડરને લઈને વિવાદ તો ચાલી રહ્યો જ રહ્યો છે, એવામાં હવે 24 જુલાઈ, 2025થી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. જેમાં કંબોડિયાએ 60 વર્ષ જૂના હથિયાર કાઢીને થાઈલેન્ડમાં તબાહી મચાવી છે. જેને લઈને થાઈલેન્ડે કંબોડિયા પર રશિયન BM-21 રોકેટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. થાઈલેન્ડની સેનાએ કહ્યું કે, 'કંબોડિયાની ફોર્સે ભારે તોપખાના અને રશિયન BM-21 રોકેટ લોન્ચર થકી હુમલો કર્યો, જેની જવાબી કાર્યવાહીમાં અમારા અધિકારીઓએ ગોળીબાર કર્યો હતો.' બંને દેશ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યારસુધીમાં 15 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
કંબોડિયાએ થાઈલેન્ડમાં તબાહી મચાવી
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયન BM-21 રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરવાથી બંને દેશ વચ્ચે સંઘર્ષ વધ્યો છે. રિપોર્ટ મુજબ, BM-21 રોકેટ થાઈલેન્ડમાં ઘણું નુકસાન પહોંચાડ્યું છે. 25 જુલાઈના રોજ ઓડ્ડાર મીંચે પ્રાંતમાં એક રસ્તા પર રશિયન BM-21 રોકેટ લોન્ચર લઈને જતા ટ્રક પર કંબોડિયન સૈનિકો ઊભા હોય તેવા ઘણા ફોટોઝ વાઈરલ થયા છે.
7મી સદીના હિન્દુ મંદિરને લઈને વિવાદ
આમ તો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઘણાં વર્ષોથી બોર્ડરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ બંને દેશો વચ્ચે વિવાદનું કારણ 7મી સદીનું હિન્દુ મંદિર છે, જેના પર બંને દેશ દાવો કારી રહ્યા છે. આ મંદિર અંગે ઈન્ટરનેશનલ કોર્ટે કંબોડિયાના પક્ષમાં નિર્ણય કર્યો હતો, પરંતુ થાઈલેન્ડની સેના મંદિરના આસપાસના વિસ્તારોમાં પોતાનો કબજો વધારી રહી છે. આ હિન્દુ મંદિર બંને દેશ માટે સંવેદનશીલ મુદ્દો છે. તેમજ લોકોએ તેને રાષ્ટ્રવાદ અને દેશની પ્રતિષ્ઠા સાથે જોડી દીધો હોવાથી બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે.
BM-21 ગ્રેડ રોકેટ કેટલું ખતરનાક છે?
BM-21 ગ્રેડ રોકેટ સિસ્ટમ, જેનું રશિયન ભાષામાં નામ 'ઓલે' છે, તે એક ટ્રક-આધારિત મલ્ટીપલ રોકેટ લૉન્ચર સિસ્ટમ (MLRS) છે. આ સિસ્ટમ માત્ર 6 સેકન્ડમાં 40 રોકેટ છોડવાની ક્ષમતા ધરાવે છે, જે તેને અત્યંત વિનાશક બનાવે છે.
BM-21 ગ્રેડ રોકેટની મુખ્ય વિશેષતા
- આ સિસ્ટમ 1960ના દાયકામાં સોવિયેત સંઘ દ્વારા વિકસાવવામાં આવી હતી અને 1969માં પ્રથમ વખત યુદ્ધક્ષેત્રમાં તેનો ઉપયોગ થયો હતો.
- તેનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનના ટેંક, આર્ટિલરી અથવા સૈન્ય અને હથિયારના ઠેકાણાઓને એકસાથે નષ્ટ કરવાનો છે.
- તે 122 mm કેલિબરના રોકેટ ફાયર કરે છે.
- રોકેટ સીધા ટ્રક પરથી અથવા 64 મીટરના અંતરથી પણ ટ્રિગર કરી શકાય છે.
- એકવાર ફાયરિંગ કર્યા પછી, ટ્રકને ફરીથી લોડ કરવામાં લગભગ 10 મિનિટ જ લાગે છે.
ટૂંકમાં કહીએ તો BM-21 ગ્રેડ એ એક સોવિયેત ટ્રક પર લાગેલું 122 mm મલ્ટીપલ રોકેટ લૉન્ચર છે, જે તેની ઝડપી અને મોટા પાયે વિનાશ કરવાની ક્ષમતાને કારણે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
આ પણ વાંચો: મહિલાઓના પહેરવેશ અંગે વિવાદિત નિર્ણય બાદ બાંગ્લાદેશ બેન્કનો યુ-ટર્ન, આદેશ પાછો ખેંચ્યો
BMનો અર્થ બોયેવાયા મશીન થાય છે એટલે કે લડાકુ વાહન. નાટો દેશોમાં આ સિસ્ટમને શરૂઆતમાં M1964 તરીકે ઓળખવામાં આવતી હતી. આર્મી રિકોગ્નિશન વેબસાઇટ અનુસાર, BM-21 122 mm મલ્ટીપલ રોકેટ લોન્ચર (MRL) સિસ્ટમ 1963માં સોવિયેત સેનામાં જૂની 140 mm BM-14 સિસ્ટમની જગ્યા લેવા માટે સેવામાં આવી હતી.
કંબોડિયા ખૂબ આક્રમક રીતે યુદ્ધ લડી રહ્યું છે
નિષ્ણાતોનું કહેવું છે કે BM-21 ગ્રેડ જેવા હથિયારો સામાન્ય રીતે પરંપરાગત સરહદી ઝઘડાઓમાં જોવા મળતા નથી. આ હથિયારોના ઉપયોગનો અર્થ એ હોઈ શકે છે કે કંબોડિયા ખૂબ આક્રમક રીતે યુદ્ધ લડી રહ્યું છે અને તે થાઈલેન્ડને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માંગે છે. નિષ્ણાતોને આશંકા છે કે આ પ્રકારના હથિયારોનો ઉપયોગ સંઘર્ષને ખૂબ ભડકાવી શકે છે.