India US Trade Deal : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે, ત્યારે હવે તેમની જ રિપબ્લિકન પાર્ટીના સાંસદ ટેડ ક્રૂઝનો ‘ટ્રમ્પ વિરોધી ઓડિયો’ લીક થતાં ખળભળાટ મચી ગયો છે. રિપબ્લિકન પાર્ટીના જ કોઈ આંતરિક સૂત્ર દ્વારા લીક કરવામાં આવેલો આ 10 મિનિટનો ઓડિયો વર્ષ 2025ની શરૂઆતનો હોવાનું મનાય છે. આ વાતચીત દરમિયાન ટેડ ક્રૂઝ કેટલાક પ્રાઈવેટ ડોનર્સ સાથે વાતચીત કરી રહ્યા હતા, જેમાં તેમણે પોતાને મુક્ત વ્યાપારના સમર્થક અને હસ્તક્ષેપ વિરોધી રિપબ્લિકન તરીકે રજૂ કર્યા છે.

...તો ટ્રમ્પ ગુમાવશે પદ ! ક્રૂઝની ચેતવણી
ક્રૂઝે ટ્રમ્પની આર્થિક નીતિઓની આકરી ટીકા કરતા ચેતવણી આપી છે કે, ‘જો ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે અમેરિકી અર્થતંત્ર ખોરવાશે અને મોંઘવારી વધશે, તો ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવી તેમને પદ પરથી હટાવવાની નોબત આવી શકે છે.’

‘ભારત-યુએસ ટ્રેડ ડીલ અટકાવવા માટે ત્રણ લોકો જવાબદાર’
લીક થયેલા ઓડિયો મુજબ, ટેડ ક્રૂઝે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરારમાં વિલંબ માટે ત્રણ મુખ્ય વ્યક્તિઓ જવાબદાર છે. એક ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, બીજા વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ત્રીજા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. હું વ્હાઇટ હાઉસમાં ભારત સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે લડી રહ્યો છું, પરંતુ આ ત્રણેય લોકો ડીલને અટકાવી રહ્યા છે.’

ટ્રમ્પ સાંસદો પર ચિડાયા અને અપશબ્દો કહ્યા
રિપોર્ટ અનુસાર, એપ્રિલ 2025માં જ્યારે ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદવાનું શરૂ કર્યું ત્યારે ટેડ ક્રૂઝ અને અન્ય સાંસદોએ નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ટ્રમ્પ સાંસદો પર ભારે ગુસ્સે થયા હતા અને તેમની સામે અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો. ક્રૂઝે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે, જો 2026 સુધીમાં સામાન્ય જનતાની બચતમાં ઘટાડો થશે અને મોંઘવારી 20 ટકા સુધી વધશે, તો રિપબ્લિકન પાર્ટી હાઉસ અને સીનેટ બંને ગુમાવી દેશે અને દર અઠવાડિયે મહાભિયોગનો સામનો કરવો પડશે.

2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી અને વિરોધ
2028ની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા ટેડ ક્રૂઝે આ ઓડિયોમાં જેડી વેન્સની વિદેશ નીતિની પણ ટીકા કરી છે. તેમણે વેન્સને રૂઢિચુસ્ત પોડકાસ્ટર ટકર કાર્લસનના શિષ્ય ગણાવ્યા છે. આ લીક થયેલા ઓડિયોને કારણે હવે અમેરિકી રાજકારણમાં ટ્રમ્પ વહીવટીતંત્રની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી ગઈ છે.
આ પણ વાંચો : 'ભઈ, તમારા બહુ આદેશો થઈ ગયા...' ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ મહિલા નેતાએ પડકાર્યા
આ પણ વાંચો : ચીનમાં સત્તાપલટાનો પ્રયાસ? હત્યાના ડરથી અડધી રાતે જિનપિંગ ભાગ્યા, અથડામણમાં 9 ઠાર!


