Venezuela Defies USA: વેનેઝુએલાએ હવે અમેરિકા વિરૂદ્ધ ખુલીને બોલવાનું શરૂ કર્યું છે. કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગેઝએ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ પડકાર્યા હતા અને સ્પષ્ઠ કર્યું હતું કે, હવે વોશિંગ્ટનના આદેશો સાંભળવામાં નહીં આવે. પદભ્રષ્ટ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ રોડ્રિગેઝે સત્તાની બાગડોર સંભાળી હતી. ગત 3 જાન્યુઆરીના રોજ અમેરિકન સૈન્ય દ્વારા એક કાર્યવાહીમાં માદુરોની ધરપકડ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ મહિલા નેતાએ પડકાર્યા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, એન્ઝોટેગુઇમાં તેલ કામદારો સાથે વાત કરતા રોડ્રિગેઝે કહ્યું કે, "વેનેઝુએલાના નેતાઓને વોશિંગ્ટન તરફથી બહુ આદેશો થઈ ગયા. વેનેઝુએલાના રાજકારણને તેના આંતરિક મતભેદો જાતે જ ઉકેલવા દો. વિદેશી શક્તિઓની દખલગીરી બહુ થઈ. સરકાર જૂના વિવાદોને ઉકેલવા માટે વોશિંગ્ટન સાથે રૂબરૂ વાતચીત કરશે."
તેમણે વધુમાં કહ્યું કે, "વેનેઝુએલાએ ક્યારેય વિચાર્યુ નહોતુ કે દક્ષિણ અમેરિકન રાજધાની પર કોઈ વિદેશી તાકાત હુમલો કરશે." તેમણે રાષ્ટ્રીય એકતાની અપીલ કરી અને કહ્યું કે, "વેનેઝુએલાના નાગરિકોને વિદેશી તાકાત વગર આંતરિક વિવાદ ઘરેલુ રાજનીતિ દ્વારા વાતચીતથી ઉકેલવા દો."
અમેરિકન વહીવટીતંત્રનું વેનેઝુએલા પર દબાણ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે વેનેઝુએલાના નબળા પડી ગયેલા તેલ ઉદ્યોગમાં અમેરિકન ઊર્જા કંપનીઓ પાસેથી વધુ રોકાણ આમંત્રિત કરવા માટે રોડ્રિગેઝ અને પદભ્રષ્ટ નેતાના અન્ય સાથીઓ પર દબાણ વધાર્યું હોવાના અહેવાલ છે. પ્રસ્તાવિત કાયદાના ડ્રાફ્ટની એક નકલ ધ એસોસિએટેડ પ્રેસ (એપી) દ્વારા જોવામાં આવી છે.
આ પણ વાંચો: ચીનમાં સત્તાપલટાનો પ્રયાસ? હત્યાના ડરથી અડધી રાતે જિનપિંગ ભાગ્યા, અથડામણમાં 9 ઠાર!
વેનેઝુએલાના વિધાનસભાએ ગુરુવારે દેશના વિશાળ તેલ ક્ષેત્ર પર સરકારી નિયંત્રણ ઘટાડવાના હેતુથી એક બિલ પર ચર્ચા શરૂ કરી. વર્ષ 2007માં સ્વર્ગસ્થ સમાજવાદી નેતા હ્યુગો ચાવેઝે ઉદ્યોગના ભાગોનું રાષ્ટ્રીયકરણ કર્યા પછી તેને પ્રથમ મોટા પરિવર્તન તરીકે જોવામાં આવે છે. આ બિલ ખાનગી કંપનીઓ માટે તેલ ઉદ્યોગમાં રોકાણ કરવા અને રોકાણ વિવાદોના સમાધાન માટે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સ્થાપિત કરવા માટે નવી તકો ઊભી કરશે.
આ ડ્રાફ્ટ ચાવેઝના સંસાધન-રાષ્ટ્રવાદથી અલગ દિશા બતાવે છે. ચાવેઝે બહુરાષ્ટ્રીય કંપનીઓ પર વસાહતી શોષણનો આરોપ લગાવ્યો હતો અને તે દેશની તેલ સંપત્તિને સરકારી મિલકત માનતા હતા.


