તાંઝાનિયામાં બની મોટી દુર્ઘટના, બે બસ વચ્ચે ટક્કર બાદ લાગી આગ, 37 લોકોના મોત
Tanzania Bus Accident: તાંઝાનિયામાં ભયંકર રોડ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 37 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના શનિવાર સાંજે કિલીમંજારો વિસ્તારના મોશી-ટાંગા હાઈવો પર સબસબા વિસ્તારમાં બની, જ્યારે બે બસ એકબીજા સાથે ટકરાઈ ગઈ અને જોતજોતામાં તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ અને રાષ્ટ્રીયતાની માહિતી હજુ સુધી સામે આવી નથી. જ્યારે ઈજાગ્રસ્તોની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ સામિયાએ દુઃખ વ્યક્ત કર્યું
દુર્ઘટના બાદ તાંઝાનિયામાં શોકની લહેર છે. તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુહુલુ હસને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, 'હું કિલીમંજારો વિસ્તારના કમિશનર, પીડિતોના પરિવારો, સંબંધીઓ અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મૃતકોના આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.'
રોડ નિયમોનું પાલન કરવાની અપીલ
રાષ્ટ્રપતિ રોડ સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરવાની અપીલ કરી. સાથે જ કહ્યું કે, આવી દુર્ઘટના સતત તાંઝાનિયાના પરિવારોને હચમચાવી નાખે છે. સરકારી આંકડા અનુસાર, તાંઝાનિયામાં રોડ દુર્ઘટનાઓથી મોતની ઘટનાઓ સતત વધી રહી છે. સરકારે સુરક્ષા જાગરુકતા અભિયાન પણ ચલાવ્યું છે.
આ પણ વાંચો: રશિયાની યુક્રેન પર સૌથી મોટી એરિયલ સ્ટ્રાઈક, ફાઈટર જેટ F-16ના પાયલટનું મોત