Russia Threat To Switzerland Defense : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા ભીષણ યુદ્ધે હવે સમગ્ર યુરોપની ચિંતામાં વધારો કર્યો છે. અત્યાર સુધી દુનિયાનો સૌથી સમૃદ્ધ અને શાંત ગણાતો દેશ સ્વિટ્ઝર્લૅન્ડ પણ હવે સુરક્ષાનો ખતરો અનુભવી રહ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડના સશસ્ત્ર દળોના પ્રમુખ થોમસ સુસલીએ સ્વીકાર્યું છે કે, જો સ્વિટ્ઝર્લૅન્ડ પર મોટો લશ્કરી હુમલો થશે, તો દેશ પોતાની સુરક્ષા કરવામાં સક્ષમ નથી.
સ્વિટ્ઝર્લૅ્ડના માત્ર ત્રીજા ભાગના સૈનિકો પાસે જ સંપૂર્ણ હથિયારો
એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં થોમસ સુસલીએ કહ્યું કે, ‘સ્વિટ્ઝર્લૅન્ડ સાયબર હુમલા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના જોખમોનો સામનો કરવા તૈયાર છે, પરંતુ મોટા પાયે થતાં સૈન્ય હુમલા સામે ટકી શકે તેવી ક્ષમતા હાલમાં નથી. કોઈ કટોકટીના સમયે દેશના માત્ર ત્રીજા ભાગના સૈનિકો પાસે જ સંપૂર્ણ લશ્કરી સાધનો ઉપલબ્ધ હશે. બાકીના સૈનિકો આધુનિક શસ્ત્રો અને સાધનોની અછતનો સામનો કરી રહ્યા છે.’
આ પણ વાંચો : VIDEO: પ્લેનની સ્પીડથી દોડી ટ્રેન, ચીને તોડ્યો રેકોર્ડ
‘માત્ર તટસ્થ રહેવું જ નહીં, મજબૂત સૈન્ય શક્તિ પણ હોવી જોઈએ’
થોમસે ઇતિહાસનો હવાલો આપતા કહ્યું કે, ‘જો કોઈ દેશ તટસ્થ હોય પરંતુ શસ્ત્રોથી સજ્જ ન હોય, તો તેને પરાણે યુદ્ધમાં ખેંચી લાવવામાં આવે છે. તટસ્થતા ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તેને મજબૂત સૈન્ય તાકાતથી સુરક્ષિત કરવામાં આવે. યુક્રેન યુદ્ધે સ્વિસ સેનાને આધુનિકીકરણ વિશે વિચારવા મજબૂર કરી છે.’
સ્વિટ્ઝર્લૅન્ડે સુરક્ષા વધારવા માટે લશ્કરી કાર્યવાહી ઝડપી બનાવી
વધતા જતાં જોખમને જોતા સ્વિટ્ઝર્લૅન્ડ હવે તેના સંરક્ષણ પાછળના ખર્ચમાં વધારો કરી રહ્યું છે. હાલમાં દેશ તેના જીડીપીના 0.8 ટકા સંરક્ષણ પાછળ ખર્ચે છે, જેને વધારીને એક ટકા કરવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત, જૂના થઈ ગયેલા લડાયક વિમાનોને આધુનિક એફ-35થી બદલવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ સાથે ગ્રાઉન્ડ સિસ્ટમ અને આર્ટિલરીને પણ અપગ્રેડ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : ભારતે ફરી વધાર્યું પાકિસ્તાનનું ટેન્શન, જાણો શું લીધો મોટો નિર્ણય


