World

રશિયા અને યુક્રેનની જાણ બહાર ટ્રમ્પ એનર્જી સીઝફાયરની જાહેરાતથી આશ્ચર્ય

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયરની જાહેરાત કરી, જેનું યુક્રેને સમર્થન કર્યું. ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઈલ પરના પ્રતિબંધો હટાવવાની પણ જાહેરાત કરી હતી. જોકે, રશિયા તરફથી કોઈ ટિપ્પણી આવી નથી. ટ્રમ્પની જાહેરાત બાદ પણ યુક્રેને રશિયન ડેટા સેન્ટર પર ડ્રોન હુમલો કર્યો, જ્યારે રશિયાએ ઝાપોરજ્જિયામાં હવાઈ હુમલો કરતાં 23 લોકોના મોત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા અને યુક્રેનની જાણ બહાર ટ્રમ્પ એનર્જી સીઝફાયરની જાહેરાતથી આશ્ચર્ય

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયાની જાહેરાત કરતાં સતત બીજા દિવસે દુનિયાને ચોંકાવી દીધી છે. જોકે, ટ્રમ્પે બંને દેશ વચ્ચે સીઝફાયર અંગે કોઈ વધુ વિગતો આપી નહોતી. તેમણે બંને દેશોને એનર્જી સીઝફાયર જાળવવા અપીલ કરી હતી. ટ્રમ્પની આ જાહેરાત અંગે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ યુક્રેન ટ્રમ્પની જાહેરાતનું સમર્થન કરે છે. જોકે, રશિયાએ કોઈ ટીપ્પણી કરી નથી. ટ્રમ્પે શનિવારે રશિયન ક્રૂડ ઓઈલ પર છ મહિના માટે પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરીને આશ્ચર્ય ફેલાવ્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, રશિયા અને યુક્રેન તાત્કાલિક અસરથી એનર્જી સીઝફાયર માટે સહમત થઈ ગયા છે. આશા છે, બંને દેશ તેને તોડશે નહીં.
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું, ટ્રમ્પે જાહેર કરેલી એનર્જી સીઝફાયરનું યુક્રેન સમર્થન કરે છે.
રશિયા પણ તેનું સમર્થન કરે તે મહત્વનું છે. અમે અમેરિકા અને રશિયા તરફથી પુષ્ટી થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. જોકે, ટ્રમ્પની જાહેરાત અંગે મોસ્કો તરફથી સત્તાવાર કોઈ નિવેદન કરાયું નથી અને વ્હાઈટ હાઉસે પણ ટ્રમ્પની પોસ્ટ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
ટ્રમ્પે અમેરિકામાં ડીઝલના ભાવ ઘટાડવા રશિયા સાથે કરાર કરતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ભડક્યા હતા અને તેમણે ટ્રમ્પના આ પગલાંની ટીકા કરી હતી.
ઝેલેન્સ્કીની ટીકાથી અકળાયેલા ટ્રમ્પે કહ્યું કે, યુક્રેને નવા પ્રમુખની ચૂંટણી કરવાનો સમય પાકી ગયો છે. યુદ્ધ રોકવા માટે ઝેલેન્સ્કી પર્યાપ્ત પ્રયત્નો કરી રહ્યા નથી. આ મુદ્દે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, રશિયા ૬૦ દિવસના સંપૂર્ણ યુદ્ધવિરામ માટે તૈયાર થાય તો અમે ચૂંટણી યોજીશું. યુક્રેનના પ્રમુખ કોને બનાવવા તે તેની જનતા જ નક્કી કરશે. યુદ્ધ વચ્ચે ચૂંટણી યોજવી ગેરકાયદે છે.
રશિયા સાથે એનર્જી સીઝફાયર માટે તૈયારી દર્શાવનારા યુક્રેને રવિવારે મોસ્કોની પૂર્વે વ્લાદિમિર શહેરમાં યાન્ડેક્સ ડેટા સેન્ટર પર ડ્રોન હુમલો કર્યો હતો, જેના પગલે રશિયાના અનેક શહેરો, કઝાખસ્તાન, બેલારુસ અને આર્મેનિયામાં કંપનીની સેવાઓ ખોરવાઈ ગઈ હતી.
બીજીબાજુ રશિયાએ યુક્રેનના ઝાપોરજ્જિયામાં હવાઈ હુમલો કરતાં ચાર બાળકો સહિત ૨૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૩૦થી વધુને ઈજા પહોંચી હતી. આઠ મહિલા હજુ પણ હોસ્પિટલાઈઝ છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયન હુમલાના સ્થળ પર બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.