કોણ છે 36 વર્ષનો સુદન ગુરુંગ? જેણે નેપાળમાં સત્તાના પાયા હલાવી નાંખ્યા
Nepal Gen Z Revolution: નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ વિરોધ રેલી માટે યુવાનોને સંગઠિત કરવામાં આવ્યા હતા. આઠ સપ્ટેમ્બરની સવારમાં લાખોની સંખ્યામાં નેપાળના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એક કૉલ પર નેપાળના રસ્તાઓ પર ઉમટી પડે છે. તેઓના મનમાં પહેલાંથી જ ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા, અને ગેરવહીવટ વિરૂદ્ધની ચિન્ગારી સળગી રહી હતી. એવામાં નેપાળ સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદતાં આ ચિન્ગારીએ આગનું સ્વરૂપ એક એનજીઓ હામી નેપાળે આપ્યું હતું. ફાટી નીકળેલા હિંસક Gen-Z આંદોલનનું નેતૃત્વ હામી નેપાળ નામના એનજીઓના ફાઉન્ડર સુદન ગુરૂંગ કરી રહ્યા છે. આવો જાણીએ કોણ છે આ યુવા નેતા...
સુદન ગુરંગે નેપાળના યુવાનોને એકઠા કર્યા
હામી નેપાળ એનજીઓના ફાઉન્ડર સુદન ગુરંગે યુવાનોનો ગુસ્સો ઓળખી તેને એક મંચ આપ્યું. સમગ્ર નેપાળમાં જુદા-જુદા નેટવર્ક મારફત આ રોષની જ્વાળા ભડકાવી. આ આંદોલનને વેગ અને દિશા આપનારૂ સંગઠન હામી નેપાળ 2015માં શરૂ થયુ હતું. પરંતુ તેનું રજિસ્ટ્રેશન 2020માં થયુ હતું. 36 વર્ષીય સુદન ગુરંગ એક કાર્યકર તરીકે કુદરતી આફતોમાં સહાયતા પ્રદાન કરતું એનજીઓ ચલાવી રહ્યા છે. જેને આંતરરાષ્ટ્રીય ફંડિંગ મળી રહ્યું છે. સુદન ગુરંગે આઠ સપ્ટેમ્બરના રોજ Gen-Z આંદોલનનો હુંકાર કરતાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી કે, 'ભાઈઓ-બહેનો આઠ સપ્ટેમ્બરના દિવસે આપણે સૌ નેપાળના યુવાનો અવાજ ઉઠાવીશું, અને કહીશુંઃ હવે બહું થયું. આ આપણો સમય છે, આપણી લડાઈ છે, તે યુવાનોથી શરૂ થાય છે. આપણે સૌ અવાજ ઉઠાવીશું, મુઠ્ઠી વાળી એકતાની તાકાત બતાવીશું. આપણી શક્તિ સામે સરકારને ઝુકાવીશું.'
આ પણ વાંચોઃ નેપાળમાં Gen-Z આંદોલન: રાષ્ટ્રપતિના ઘર પર ઉગ્રવાદીઓનો કબજો, ઠેર ઠેર આગચંપી-તોડફોડ
મેસેજ, મેનેજમેન્ટ અને હોબાળો
સુદન ગુરુંગે 8 સપ્ટેમ્બરના આંદોલનને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ તરીકે રજૂ કર્યું, તેને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પરના ગુસ્સા કરતાં પણ મોટો અવકાશ મળ્યો. સુદન ગુરુંગે પહેલા ઇન્સ્ટાગ્રામ, પછી ડિસ્કોર્ડ અને VPN જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી હજારો યુવા વિરોધીઓને એકત્ર કર્યા. 27 ઓગસ્ટ, 2025ના રોજ તેણે પોસ્ટ કરી, 'જો આપણે પોતાને બદલીશું, તો દેશ આપોઆપ બદલાઈ જશે.' જેમાં વિશેષાધિકાર અને ભ્રષ્ટાચાર સામે સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરવામાં આવી હતી. સુદન ગુરુંગે દેશના 'નેપો બેબીઝ' અને રાજકીય વર્ગને નિશાન બનાવ્યા હતા.
સામાજિક કાર્યકર પહેલાં ઈવેન્ટ મેનેજર હતો સુદન
સુદન ગુરુંગ સામાજિક કાર્યકરની પહેલાં ઇવેન્ટ મેનેજમેન્ટમાં સક્રિયપણે કામ કરતો હતો. તે લગ્નપ્રસંગ, કાર્યક્રમો, પાર્ટીઓનું મેનેજમેન્ટ કરતો હતો. 2015નો નેપાળ ભૂકંપ તેના જીવનમાં એક નવો વળાંક લઈ આવ્યો. ત્યારબાદ તેણે માનવતાવાદી કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હામી નેપાળ કરીને એનજીઓની સ્થાપના કરી. તેના નેતૃત્વ હેઠળ કટોકટી, આપત્તિ રાહત અને બચાવ કામગીરી, રક્તદાન ઝુંબેશ જેવા સામાજિક અભિયાનો અને વિદ્યાર્થીઓના સામાજિક કલ્યાણ હેતુ સંબંધિત ઝુંબેશ થઈ રહી હતી.
20 લોકોના મોત, પ્રતિબંધ પાછો ખેંચ્યો પણ...
ગઈકાલે આઠ સપ્ટેમ્બરના રોજ યુવાનોએ ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધના વિરોધમાં મોટાપાયે રેલી યોજી હતી. આંદોલનકારી સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. જેના લીધે પોલીસે અને સુરક્ષા દળોએ ટિયર ગેસના શેલ છોડ્યા હતા. ઓલી સરકારે પણ આંદોલન હિંસક બનતાં દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા હતા. જેમાં 300થી વધુ ઘાયલ થયા હતા, અને 20 વિદ્યાર્થીના મોત થતાં સ્થિતિ વણસી હતી. આજે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો પાછા ખેંચી લીધા હોવા છતાં આંદોલન ઉગ્ર બન્યું છે. આંદોલનકારીઓ સરકારના દમનની વિરૂદ્ધમાં હિંસક બન્યા છે. ઠેરઠેર આગચંપી, મંત્રી-સાંસદોના ઘરમાં તોડફોડ, આગચાંપી રહ્યા છે.