Get The App

નેપાળમાં Gen-Zએ બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખી, PM બાદ રાષ્ટ્રપતિનું પણ રાજીનામું; સંસદમાં આગચંપી

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
નેપાળમાં Gen-Zએ બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખી, PM બાદ રાષ્ટ્રપતિનું પણ રાજીનામું; સંસદમાં આગચંપી 1 - image


Nepal Gen Z Protest: નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે  20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાને રાજીનામું આપ્યું છે. 

આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. એવું કહેવાય છે કે, બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી નેપાળમાં પણ અજમાવાઈ છે. નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો. 

નેપાળમાં હિંસક આંદોલનની અપડેટ્સઃ

નેપાળના વધુ એક પૂર્વ પીએમના ઘરમાં આગ ચાંપી

નેપાળના ઉગ્ર આંદોલનકારીઓ રોકાવાનું નામ લઈ રહ્યા નથી. પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનલના ઘરમાં આગ ચાંપી છે. તેમના પત્નીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેના લીધે પત્નીને ગંભીર ઈજા થઈ છે. 

નેપાળમાં Gen-Zએ બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખી, PM બાદ રાષ્ટ્રપતિનું પણ રાજીનામું; સંસદમાં આગચંપી 2 - image

વચગાળાના PMનો ચહેરો બાલેન શાહે કરી અપીલ

વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ કાઠમંડુના મેયર બાલેન શાહે આંદોલનકારીઓને શાંત રહેવા અપીલ કરી છે. તેમણે ઓલીના રાજીનામાને સૌથી મોટી જીત દર્શાવી છે. તેમણે કહ્યું કે, Gen Z તમારા હત્યારાઓએ રાજીનામું આપી દીધુ છે, હવે શાંત થાવ. દેશની સંપત્તિને નુકસાન તેમજ લોકોના જીવને હાનિમાં આપણું જ નુકસાન થઈ રહ્યું છે. હવે તમારે સૌએ શાંત થવાની જરૂર છે. હવે તમારી જનરેશન દેશનું નેતૃત્વ કરશે. તૈયાર રહેજો. ઉલ્લેખનીય છે, ઓલીના રાજીનામા બાદ બાલેન શાહને ભાવિ વચગાળાના વડાપ્રધાન બનાવવાની માગ ઉઠી છે. 

રાષ્ટ્રપતિ પૌડેલએ પણ આપ્યું રાજીનામું

નેપાળના હિંસક આંદોલન વચ્ચે વડાપ્રધાન ઓલીના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ પણ રાજીનામું આપી દીધુ છે. કાઠમંડુ સહિત અનેક શહેરોમાં તણાવ વધ્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ, નાણા મંત્રીને આંદોલનકારીઓએ દોડાવી દોડાવીને માર્યા હતા. નેપાળમાં એરપોર્ટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ભારતે પણ એડવાઈઝરી જાહેર કરી નેપાળમાં રહેતા ભારતીયોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમજ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

નેપાળમાં એક બાદ એક અનેક નેતાઓના રાજીનામાં 

નેપાળમાં વિવિધ સાંસદો, કેબિનેટ મંત્રીઓ અને મુખ્યમંત્રી એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે 

નેપાળની સેનાએ વડાપ્રધાનને રાજીનામું આપવા સલાહ આપી 

સતત વધતી હિંસાના કારણે નેપાળની સેનાના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્દેલે વડાપ્રધાન ઓલીને રાજીનામું આપવા સલાહ આપી છે. સેનાએ કહ્યું છે કે તેઓ સત્તા નહીં છોડે ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે તેમ નથી.  

  • આંદોલનકારીઓએ ગૃહમંત્રી રમેશ લેખકના ઘરમાં તોડફોડ કરી આગચંપી
  • કીર્તિપુર નગરપાલિકા ભવનને આગ ચાંપી
  • નેપાળના કોંગ્રેસ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા શેર બહાદુર દેઉવાના ઘરમાં આગચંપી, અનેક વાહનો તોડ્યા
  • વડાપ્રધાન કેપી શર્મા ઓલી દુબઈ ભાગી જવાની તૈયારીમાં, હિમાલય એરલાઈન્સને સ્ટેન્ડબાય રહેવા આદેશ
  • ઓલીના પક્ષના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન રઘુવીર મહાસેઠના ઘરે પથ્થરમારો
  • લાલિતપુરમાં સીપીએન માઓવાદી અધ્યક્ષ પુષ્પ કમલ દહાલના નિવાસ પર હુમલો અને આગચંપી
  • ગૃહમંત્રી, કૃષિ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી સહિત કુલ નવ મંત્રીઓએ આપ્યા રાજીનામા

રાષ્ટ્રપતિ પૌડેલના ઘર પર કબજો, આગચંપી

યુવાનોએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના અંગત નિવાસ સ્થાન પર કબજો કર્યો હતો. ભીડે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી બાદમાં આગ લગાવી દીધી હતી. પોલીસ અને સુરક્ષા દળ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ આ ભીડ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

નેપાળી કોંગ્રેસ કાર્યાલયમાં આગચંપી

કાઠમંડુમાં દેખાવો સતત ઉગ્ર થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ શાસક પક્ષ નેપાળી કોંગ્રેસના કાર્યાલયમાં આગચંપી હતી. બીજી તરફ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક ધોરણે રાજીનામું આપી દીધું છે. 




PMના નિવાસ સ્થાન નજીક ગોળીબાર, 2 ઘાયલ

PM ઓલીના નિવાસ સ્થાન નજીક ગોળીબારની ઘટના બની છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  વડાપ્રધાનના નિવાસ સ્થાન આસપાસ સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. 

કૃષિ મંત્રીએ આપ્યું રાજીનામું

નેપાળના વડાપ્રધાન કેપી ઓલીની મુશ્કેલી સતત વધી રહી છે. ગૃહમંત્રી બાદ હવે કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ રાજીનામું આપી દીધું છે. આ સિવાય સ્વાસ્થય મંત્રી પ્રદીપ પૌડેલે પણ રાજીનામું આપ્યું છે. સોમવારે હિંસક ઘટનાઓ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા દમનના વિરોધમાં કૃષિ મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. તેમનું રાજીનામું ઓલી સરકાર માટે મોટા ઝટકા સમાન છે. જેનાથી ઓલી પ્રત્યે અવિશ્વાસનું પ્રમાણ વધ્યું છે. 

આ પણ વાંચોઃ નેપાળમાં 20ના મોત બાદ અજંપો: સોશિયલ મીડિયા બેન હટાવાયો, Gen-Z હજુ આ માંગ સાથે રસ્તા પર



વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં એડવાઈઝરી જાહેર કરી છે. નેપાળમાં સ્થિત ભારતીયોને સાવચેતીના પગલાં લેવા તેમજ સરકારના આદેશોનું પાલન કરવા સૂચન કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે નેપાળની પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ. ઘણા યુવાનોએ આ આંદોલનમાં જીવ ગુમાવ્યા છે, તેનું અમને દુઃખ છે. અમને આશા છે કે, તમામ માગનો શાંતિથી ઉકેલ લાવવામાં આવે. ભારતીયોને વર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી રાખવા સલાહ છે.



પ્રતિબંધ પાછો ખેંચ્યો હોવા છતાં આંદોલન ચાલુ

નેપાળમાં હિંસક આંદોલન બાદ સરકારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલો પ્રતિબંધનો નિર્ણય આજે પાછો ખેંચ્યો હતો. તેમ છતાં ચારેકોર આંદોલન ચાલુ છે. ગઈકાલે ઓલી સરકારે જુઓ ત્યાં ઠાર કરોનો આદેશ આપી આંદોલનકારીઓ પર દમન ગુજાર્યો હોવાના આરોપ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે. પરિસ્થિતિને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહેતાં ગૃહ મંત્રીએ રાજીનામું આપ્યું હતું. નેપાળમાં સોશિયલ મીડિયાની તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. યુવાનોએ આ આંદોલન માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધોના કારણે શરૂ કર્યું નથી. પરંતુ તેઓ નેપાળમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, અસમાનતા, બેરોજગારી જેવા મુદ્દાનો વિરોધ કરતાં આંદોલન છેડ્યું છે.

નેપાળમાં Gen-Zએ બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખી, PM બાદ રાષ્ટ્રપતિનું પણ રાજીનામું; સંસદમાં આગચંપી 3 - image

Tags :