- ગેરકાયદે વેપાર કરનારા પાસેથી ચાલતી ટ્રકે કૂદી પડયા
- ઘાયલ સાથીને સુરક્ષિત રાખીને શ્વાનોની આગેવાની લેનાર કોર્ગી તમામને સલામત રીતે દોરી ગયો
નવી દિલ્હી : વફાદારી અને અસ્તિત્વના એક અભૂતપૂર્વ ઉદાહરણમાં ચીનના જિલિન વિસ્તારમાં એક કોર્ગી અને એક જર્મન શેપર્ડ સહિત સાત પાળતુ શ્વાન, કૂતરાના માંસનું ગેરકાયદે પરિવહન કરતી ટ્રકમાંથી છટકી ગયા અને લગભગ ૧૭ કિલોમીટરનો પ્રવાસ કરીને ઘેર પાછા ફર્યા. ત્રણ પડોશી ઘરોમાંથી ઉપાડવામાં આવેલા આ શ્વાન તેમના પાંજરામાંથી છટકી ગયા અને ચાલતા વાહનમાંથી કૂદી પડયા. બે દિવસના તેમના પ્રવાસમાં તેમણે એકબીજાનો સાથ છોડયા વિના સાથે મળીને હાઈવે અને ખેતરો પાર કર્યા. પોતાના એક ઘાયલ સાથીની રક્ષા માટે એક સાથે મળીને આગળ વધતા આ શ્વાનોનો વીડિયો વાયરલ થયો અને સમગ્ર દેશમાં ચર્ચા છેડાઈ છે.
૧૬ માર્ચે લુ નામની વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરાયેલા એક વીડિયોમાં ચાંગચુનમાં વ્યસ્ત હાઈવે પર શ્વાનોને એક વ્યવસ્થિત કતારમાં ચાલતા જોઈ શકાય છે. એક કોર્ગી આગળ ચાલીને તેમની આગેવાની લેતો હોવાનું જણાતું હતું, જે વારંવાર પાછળ વળીને જૂથ પર નજર રાખી રહ્યો હતો, જ્યારે એક ગોલ્ડન રીટ્રીવર કિનારે રહીને તેમની ચોકી કરી રહ્યો હતો. તેમની વચ્ચે એક ઘાયલ જર્મન શેપર્ડ સુરક્ષિતને સુરક્ષિત રાખીને અન્ય શ્વાનો પોતાની ગતિમાં ફેરફાર કરી રહ્યા હતા.
તેમને સલામત સ્થળે લઈ જવાના લુના પ્રયાસો છતાં શ્વાનોએ તેમનો નિર્ધારીત પ્રવાસ ચાલુ જ રાખ્યો. લુએ પછી આ ફૂટેજ ઓનલાઈન શેર કરીને પ્રશાસનને મદદ કરવાની વિનંતી કરી. વીડિયોએ વ્યાપક ધ્યાન ખેંચતા સ્વયંસવેકો ઝડપથી એકત્ર થયા અને શ્વાનોને ટ્રેક કરવા તેમજ તેમની સલામત વાપસી સુનિશ્ચિત કરવા એક ડ્રોનનો પણ ઉપયોગ કરાયો.
લગભગ બે દિવસના પ્રવાસ પછી ૧૯ માર્ચ સુધીમાં તમામ સાત શ્વાન સફળતાપૂર્વક તેમના માલિક પાસે પહોંચી ગયા. માલિકોએ રાહતનો શ્વાસ લઈને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના પાળતુ શ્વાન કેટલી મુસીબતમાં ફસાયા હતા. એક માલિકે અપરિચિત વિસ્તારમાંથી જૂથને ઘરે સલામત પાછા લાવવામાં આગેવાની લઈને મદદ કરવા માટે કોર્ગીની બુદ્ધિમતાને શ્રેય આપ્યું.
આ સમગ્ર ઘટનાના વ્યાપક ઓનલાઈન પ્રતિસાદ પડયા અને વીડિયોને ૨૩ કરોડથી વધુ વ્યુ મળ્યા. અનેકોએ શ્વાનોના ટીમવર્ક, મક્કમતા અને વફાદારીની પ્રશંસા કરી જ્યારે ઘણાએ તેમના તાલમેલની સરખામણી માનવીય વર્તન સાથે કરીને તેને વધુ બહેતર ગણાવ્યા. આ ઘટનાએ કાનૂની અને નૈતિક ચિંતાઓ છતાં જ્યાં આવી પ્રથા ચાલુ રહી છે તેવા ચીનના કેટલાક હિસ્સામાં શ્વાનોની ચોરી તેમજ શ્વાનોના માંસના વિવાદાસ્પદ વેપાર વિશે ચર્ચાઓ ફરી જગાવી છે.


