Secret Israeli Military Base in Iraq: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ઈઝરાયલે ઈરાન પરના હુમલાઓને સરળ બનાવવા માટે ઈરાનના પડોશી દેશ ઈરાકના રણમાં એક ગુપ્ત સૈન્ય અડ્ડો સ્થાપ્યો હતો. ખાસ વાત એ છે કે, આ અંગે અમેરિકાને જાણ હતી, પરંતુ ઈરાકની સરકાર આ ઓપરેશનથી સાવ અજાણ હતી.
ભરવાડની સતર્કતાથી ખુલ્લું પડ્યું ઓપરેશન
ઈરાકના પશ્ચિમી રણના એક નિર્જન વિસ્તારમાં એક સ્થાનિક ભરવાડે હેલિકોપ્ટરોની નીચી ઉડાન અને અસામાન્ય સૈન્ય હિલચાલ જોઈ હતી. તેને અંદાજ પણ નહોતો કે, તે દુનિયાના સૌથી ખતરનાક ગુપ્ત મિશનમાંથી એકનો સાક્ષી બની રહ્યો છે. જ્યારે ઈરાકી સેના આ વિસ્તારની તપાસ કરવા પહોંચી, ત્યારે ઈઝરાયલે પોતાનો બેઝ બચાવવા માટે ઈરાકી સૈનિકો પર હવાઈ હુમલો કર્યો, જેમાં એક સૈનિકનું મોત થયું હતું.
ઈઝરાયલને ઈરાકમાં બેઝની જરૂર કેમ પડી?
તેલ અવીવથી ઈરાનનું અંતર લગભગ 1,000 માઇલ છે. આટલા લાંબા અંતરે સતત હવાઈ હુમલા કરવા પડકારજનક હતા. આ અંતર ઘટાડવા માટે ઈરાકનો આ ગુપ્ત બેઝ અત્યંત મહત્ત્વનો સાબિત થયો હતો. આ અડ્ડો ઈઝરાયલી વાયુસેના માટે ઇંધણ અને અન્ય પુરવઠા માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું. જો દુશ્મન ક્ષેત્રમાં કોઈ ઈઝરાયલી પાયલટનું વિમાન તોડી પાડવામાં આવે, તો અહીં તૈનાત સ્પેશિયલ ફોર્સ તાત્કાલિક બચાવ કામગીરી કરી શકે તે માટે આ બેઝ બનાવાયો હતો.
અમેરિકા અને ઈરાક વચ્ચે તણાવ
આ ઘટના બાદ ઈરાકે સંયુક્ત રાષ્ટ્ર(UN)માં અમેરિકા વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. જોકે, અમેરિકાએ આ હુમલામાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે. ઈરાકના લેફ્ટનન્ટ જનરલ કૈસ અલ-મુહમ્મદાવીએ જણાવ્યું હતું કે, "આ ઓપરેશન કોઈ પણ પ્રકારના સંકલન વગર કરવામાં આવ્યું હતું. પુરાવાઓ સૂચવે છે કે જમીન પર ઈઝરાયલી સ્પેશિયલ ફોર્સ હાજર હતી, જેમને હવાઈ સુરક્ષા મળી રહી હતી."
તપાસમાં મળ્યા ચોંકાવનારા પુરાવા
ઈરાકી સેનાની બે યુનિટોએ જ્યારે ઘટનાસ્થળની તપાસ કરી, ત્યારે તેમને એવા પુરાવા મળ્યા જે સાબિત કરે છે કે ત્યાં આધુનિક સૈન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. ઈરાન વિરુદ્ધના આ યુદ્ધમાં ઈઝરાયલે ઈરાકની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરીને આ વ્યૂહાત્મક ખેલ ખેલ્યો હોવાનું હવે સપાટી પર આવ્યું છે.


