હૉર્મુઝમાં 1500 જહાજો પર ‘બાયોફાઉલિંગ’નું જોખમ : વૈજ્ઞાનિકોએ આપી મોટી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hormuz Crisis Impact On Marine Ecosystems : હૉર્મુઝ જળમાર્ગ બંધ થવાના કારણે માત્ર ઈંધણ કે વેપારને જ નુકસાન નથી થઈ રહ્યું, પરંતુ એક નવી પર્યાવરણીય આફત સર્જાવાની આશંકા ઊભી થઈ છે. ફારસની ખાડીમાં લાંબા સમયથી 1500થી વધુ કોમર્શિયલ જહાજો અટવાયેલા છે. સંશોધકોના મતે આ જહાજો હવે વિશ્વભરની દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે એક અલગ જ પ્રકારનું જોખમ ઊભું કરી રહ્યા છે.
બાયોફાઉલિંગનો નવો ખતરો
દરિયામાં જ્યારે કોઈ જહાજ લાંબા સમય સુધી એક જ જગ્યાએ સ્થિર રહે છે, ત્યારે તેના નીચલા ભાગમાં શૈવાળ, પરજીવી અને અન્ય સૂક્ષ્મજીવો ચોંટી જાય છે, જેને ‘બાયોફાઉલિંગ’ કહેવામાં આવે છે. હૉર્મુઝનો માર્ગ ખુલ્યા પછી આ જહાજો જ્યારે વિશ્વના અલગ-અલગ બંદરો તરફ રવાના થશે, ત્યારે આ સૂક્ષ્મજીવો પણ તેમની સાથે હજાર કિલોમીટર દૂર સુધી પહોંચી જશે.
…તો જહાજો 'સુપર-સ્પ્રેડર' સાબિત થશે
જ્યારે કોઈ ક્ષેત્રની બિન-સ્થાનિક પ્રજાતિ કોઈ નવા દરિયાઈ વિસ્તારમાં પહોંચે છે, ત્યારે ત્યાં તેનો કુદરતી શિકારી ન હોવાના કારણે તે ઝડપથી ફેલાઈ જાય છે. આ સ્થિતિ સ્થાનિક માછલીઓ અને દરિયાઈ વનસ્પતિ માટે ઘાતક નીવડી શકે છે. ફારસની ખાડીનું ગરમ પાણી આવા સૂક્ષ્મજીવોના વિકાસ માટે અનુકૂળ હોવાથી સંશોધકો આ અટકેલા જહાજોને 'સુપર-સ્પ્રેડર' માની રહ્યા છે, જેની અસર માછીમારી અને તટીય ઉદ્યોગો પર પડી શકે છે.
વૈશ્વિક વેપાર અને જૈવ-સુરક્ષા સામે મોટો પડાકાર
હૉર્મુઝ એક મહત્વપૂર્ણ ‘ચોક પોઈન્ટ’ છે, જ્યાં અવરોધ ઊભો થતાં વૈશ્વિક માર્ગો પ્રભાવિત થાય છે. અગાઉ 2021ની સ્વેઝ નહેરની દુર્ઘટના અને પનામા નહેરના દુષ્કાળ વખતે પણ આવી સમસ્યાઓ થઈ હતી, પરંતુ હૉર્મુઝમાં જહાજોનું એક જ જગ્યાએ લાંબો સમય ઊભા રહેવું એ બાયો-સિક્યોરિટી માટે મોટો પડકાર બની ગયું છે. આ જહાજો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા કડક નિયમો ધરાવતા દેશો સુધી પહોંચશે ત્યારે ત્યાંની તપાસ વ્યવસ્થા પર પણ ભારે દબાણ આવશે.
ઉકેલ માટે કડક નિરીક્ષણ જરૂરી
નિષ્ણાતોના મતે હૉર્મુઝમાંથી નીકળતા પહેલા જહાજોની અંડરવોટર સફાઈ અને તપાસ થવી જરૂરી છે. સફાઈ કરતી વખતે પણ સાવચેતી રાખવી પડશે જેથી તે જીવો સીધા દરિયામાં ન ભળે. આ સિવાય, દરિયાના પાણીમાં રહેલા પરજીવીઓની ઓળખ કરવા માટે ‘એન્વાયર્નમેન્ટલ ડીએનએ’ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. જો આ આક્રમક દરિયાઈ પ્રજાતિઓ નવા વિસ્તારોમાં ફેલાઈ જશે તો તેને નિયંત્રિત કરવી અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થશે.









