World

VIDEO : હૂથીઓના હુમલા બાદ સાઉદીનો જડબાતોડ જવાબ, યમનના 4 રાજ્યોમાં 32 હુમલાથી હાહાકાર

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
યમનમાં હૂતી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત સેના વચ્ચે સંઘર્ષ ઉગ્ર બન્યો છે. હૂતીઓના મિસાઈલ-ડ્રોન હુમલા બાદ સાઉદી સમર્થિત સેનાએ યમનના 4 રાજ્યોમાં 32 હવાઈ હુમલા કર્યા. તાઈઝ, હોદેદા, જૌફ અને મરીબ રાજ્યોમાં હુમલા થયા, જ્યાં હૂતીઓનું નિયંત્રણ છે. આ સંઘર્ષથી સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધવાની અને વૈશ્વિક વેપાર માર્ગોને અસર થવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : હૂથીઓના હુમલા બાદ સાઉદીનો જડબાતોડ જવાબ, યમનના 4 રાજ્યોમાં 32 હુમલાથી હાહાકાર

Saudi Arabia-Houthi Conflict : યમનમાં હૂતી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત સરકારી સેના વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. હૂતીઓ દ્વારા સાઉદી અરબ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદ સાઉદી સમર્થિત સેનાએ યમનના 4 રાજ્યોમાં 32 હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હૂતી હુમલામાં 73 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

યમનના 4 રાજ્યોમાં 32 હવાઈ હુમલા

બુધવારે સવારે હૂતી પ્રવક્તા નસરુદ્દીન આમેરે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે, સાઉદી સમર્થિત સેનાએ રાતોરાત યમનના તાઈઝ, હોદેદા, જૌફ અને મરીબ રાજ્યોમાં કુલ 32 હવાઈ હુમલા કર્યા છે. આ ચારેય રાજ્યોમાં હૂતી વિદ્રોહીઓનું નિયંત્રણ છે. હુમલાઓમાં તાત્કાલિક કોઈ નુકસાન કે જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી. સાઉદી અધિકારીઓ તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

જમીની અથડામણો પણ વધી

હવાઈ હુમલાઓની સાથે યમનમાં અનેક મોરચે જમીની અથડામણો પણ વધી છે. સાઉદી સમર્થિત યમનની સરકારી સેનાએ દક્ષિણ મરીબમાં મોટા પાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. તાઈઝ અને મરીબ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ હૂતી ઠેકાણાં સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ, આ દરમિયાન ભારે ગોળીબાર અને તોપમારો થયો છે. સરકારી દળોએ કેટલાક વિસ્તારો અને ગામો પર કબજો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે.

સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધવાની આશંકા

યમનમાં વધતો સંઘર્ષ સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધારી શકે છે. ખાસ કરીને બાબ અલ-મંદેબ જળમાર્ગમાંથી પસાર થતા મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ પર તેની અસર થવાની આશંકા છે. આ માર્ગ વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. હાલ બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો થવાના કોઈ સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા નથી.

UNની ચેતવણી

સંયુક્ત રાષ્ટ્ર અને તુર્કીએ હૂતી હુમલાની નિંદા કરી છે. યમન માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત હાન્સ ગ્રુન્ડબર્ગે ચેતવણી આપી છે કે સાઉદી અરબ પર હૂતી મિસાઈલ અને ડ્રોન હુમલાથી સંઘર્ષ વધુ ઉગ્ર બનવાનું, સામાન્ય નાગરિકો માટે ગંભીર જોખમ ઊભું થવાનું અને રાજકીય ઉકેલના પ્રયાસોને નુકસાન પહોંચવાનું જોખમ છે.