World

બ્લેક સીમાં યુક્રેનના બંદરગાહ પર રશિયાનો મોટો હુમલો: કાર્ગો જહાજમાં લાગી ભયાનક આગ

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
રશિયા-યુક્રેન યુદ્ધમાં સમુદ્રી હુમલા તેજ બન્યા છે. રશિયાએ 'ગેરાન-4' ડ્રોનથી યુક્રેનના ઓડેસા સ્થિત ચોર્નોમોર્સ્ક બંદરગાહ પર હુમલો કર્યો. જેમાં કાર્ગો જહાજ અને માછીમારી બોટને ભારે નુકસાન થયું, આગ લાગી. યુક્રેને પણ વળતો પ્રહાર કરી રશિયાના 14 ગુપ્ત જહાજો, જેમાં 10 ઓઈલ ટેન્કરોનો સમાવેશ થાય છે, તેને નિશાન બનાવ્યાનો દાવો કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્લેક સીમાં યુક્રેનના બંદરગાહ પર રશિયાનો મોટો હુમલો: કાર્ગો જહાજમાં લાગી ભયાનક આગ

Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે સમુદ્રી માર્ગો પર હુમલા તેજ બન્યા છે. રશિયાએ પોતાના અત્યાધુનિક જેટ એન્જિનવાળા 'ગેરાન-4' ડ્રોન વડે યુક્રેનના ઓડેસા સ્થિત ચોર્નોમોર્સ્ક બંદરગાહ પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં યુક્રેનનું એક કાર્ગો જહાજ અને માછીમારી બોટને મોટું નુકસાન થયું છે અને જહાજમાં ભયાનક આગ લાગી ગઈ છે. રશિયન સેનાએ આ સચોટ ડ્રોન હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે.

બીજી તરફ, યુક્રેનના ડ્રોન દળોએ પણ સમુદ્રમાં વળતો પ્રહાર કર્યો છે. યુક્રેનિયન સૈન્યના ડ્રોન ફોર્સ કમાન્ડરે દાવો કર્યો છે કે, 'તેમના સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં રશિયાના 14 ગુપ્ત જહાજો (શેડો ફ્લીટ) ને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં 10 ઓઈલ ટેન્કરોનો પણ સમાવેશ થાય છે.'

રશિયાએ ફિશિંગ બોટને કેમ નિશાન બનાવી?
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુક્રેન આ ફિશિંગ ટ્રોલેરનો ઉપયોગ સામાન્ય માછીમારી માટે નહીં, પરંતુ રશિયન જહાજો પર હુમલો કરવા માટે ડ્રોન બોટ લોન્ચ કરવાના પ્લેટફોર્મ તરીકે કરતું હતું. રશિયાનો દાવો છે કે આ બોટ બ્લેક સીમાં તેમના સૈન્ય માટે મોટો ખતરો બની ગઈ હતી, તેથી તેને ધ્વસ્ત કરવામાં આવી છે. જો કે, યુક્રેન આ વાતને નકારી રહ્યું છે અને તેને નાગરિક જહાજો પર થયેલો હુમલો ગણાવી આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગી રહ્યું છે.

શા માટે ખતરનાક છે 'ગેરાન-4' ડ્રોન?
આ હુમલામાં વપરાયેલા રશિયાના ગેરાન-4 ડ્રોન સામાન્ય ડ્રોન કરતાં વધુ ઘાતક છે. તેમાં જેટ એન્જિન હોવાને કારણે તે ખૂબ જ તેજ ગતિથી લાંબુ અંતર કાપી શકે છે. આ ડ્રોન દુશ્મનના રડારને ચકમો આપીને કોઈપણ સંવેદનશીલ વિસ્તાર કે બંદરગાહ પર એકદમ સચોટ નિશાન લગાવવામાં સક્ષમ છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વેપાર પર અસર
બ્લેક સી (કાળો સમુદ્ર) એ યુક્રેન માટે અનાજ અને હથિયારોની નિકાસ કરવાનો મુખ્ય માર્ગ છે. રશિયા આ બંદરોને નિશાન બનાવીને યુક્રેનની આર્થિક કમર તોડવા માંગે છે. આ સતત થઈ રહેલા હુમલાના કારણે હવે આ સમુદ્રી માર્ગે વેપાર કરવો ખૂબ જ જોખમી બની ગયો છે. વીમા કંપનીઓએ આ રૂટ માટે પ્રીમિયમ દરો વધારી દીધા છે, જેના કારણે ઘણી વૈશ્વિક શિપિંગ કંપનીઓ હવે આ રસ્તેથી પોતાના જહાજો ચલાવવાનું ટાળી રહી છે.