Get The App

રશિયાએ અમેરિકાને સંભળાવી ખરી-ખોટી, કહ્યું - દુનિયામાં ફક્ત પોતાનો ફાયદો જુએ છે

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
રશિયાએ અમેરિકાને સંભળાવી ખરી-ખોટી, કહ્યું - દુનિયામાં ફક્ત પોતાનો ફાયદો જુએ છે 1 - image

Russian Foreign Minister Slams USA: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે અમેરિકા પર સીધો અને મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, અમેરિકા વિશ્વના ઘણા દેશોમાં જે હસ્તક્ષેપ કરે છે, તેની પાછળનું મુખ્ય કારણ તેલ અને પોતાનો ફાયદો છે.

 એક ઈન્ટરવ્યુમાં લાવરોવે કહ્યું કે, અમેરિકા પોતે પણ એ વાત સ્વીકારે છે કે તેને અન્ય કોઈની પરવા નથી, તે માત્ર પોતાના હિતોની જ ચિંતા છે. રશિયાનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા અને અમેરિકા વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવને સ્પષ્ટપણે દર્શાવે છે.

આખી ગેમ તેલ માટે રમાઈ રહી છે

લાવરોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વેનેઝુએલા અને ઈરાન જેવા દેશોમાં અમેરિકાનો રસ કોઈનાથી છુપાયેલો નથી. તેમના મતે આ દેશો પાસે તેલના વિપુલ ભંડારો છે અને આ જ મુખ્ય કારણ છે કે અમેરિકા ત્યાં સતત એક્ટિવ રહે છે. અમેરિકા સમગ્ર વિશ્વના એનર્જી માર્કેટ (ઊર્જા બજાર) પર પોતાનું પ્રભુત્વ જમાવવા માગે છે.

અમેરિકા પોતાના ફાયદા માટે કંઈ પણ કરી શકે

રશિયાના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, 'અમેરિકા પોતાના ફાયદા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. લાવરોવે આરોપ લગાવ્યો હતો કે, ખાસ કરીને જે દેશોમાં કુદરતી સંસાધનો પુષ્કળ પ્રમાણમાં છે, ત્યાં જરૂર પડ્યે અમેરિકા તખ્તાપલટ, અપહરણ અથવા નેતાઓની હત્યા જેવા અત્યંત આક્રમક પગલાં ભરતા પણ અચકાતું નથી.'

હવે કાયદો નહીં, તાકાત ચાલે છે

લાવરોવે કહ્યું કે, આ પ્રકારની નીતિઓને કારણે વિશ્વમાં નિયમો અને કાયદાઓ નબળા પડી રહ્યા છે. તેમના મતે હવે સ્થિતિ એવી બની ગઈ છે કે, 'જેની પાસે તાકાત છે, તે જ સાચો છે', એવો માહોલ બનતો જઈ રહ્યો છે. 

અમેરિકાને આપી સીધી સલાહ

સર્ગેઈ લાવરોવે અમેરિકાને સલાહ પણ આપી કે, જો તેને કોઈ દેશની સરકાર પસંદ ન હોય તો સંઘર્ષ કે ટકરાવ કરવાને બદલે વાતચીતનો માર્ગ અપનાવવો જોઈએ. મોટાભાગે સંબંધો એટલે બગડે છે કારણ કે અમેરિકા પોતે જ સમજોતો કરે છે અને પછી પાછળ હટી જાય છે.

આ પણ વાંચો: હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

આ વચ્ચે રશિયા તરફથી એ પણ ચેતવણી આપવામાં આવી છે કે, અમેરિકા અને ઈઝરાયલ શાંતિ વાટાઘાટોના નામ પર ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી શકે છે. જોકે, આ સાથે એ પણ કહેવામાં આવ્યું કે ઈરાન પાસે વળતો જવાબ આપવાની સંપૂર્ણ તાકાત છે.