ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતના 'જેમ્સ બોન્ડ' મોસ્કોમાં, રશિયા સાથે આ મહત્ત્વપૂર્ણ ડીલ પર ચર્ચા
India-Russia Defence Deal: ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે વેપારી સંબંધો ધરાવતા દેશો પર ટેરિફ લાદી રહ્યા છે, જેના કારણે ભારત પર પણ કુલ 50% ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટેરિફ વોર વચ્ચે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ રશિયાની મુલાકાતે ગયા છે. આ મુલાકાત વ્યૂહાત્મક રીતે ઘણી મહત્ત્વની છે.
ભારતની રશિયા સાથે મહત્ત્વપૂર્ણ ડીલ પર ચર્ચા
ભારતની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-રશિયા સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાનો છે. ડોભાલની રશિયા મુલાકાત દરમિયાન, S-400 એર ડિફેન્સ સિસ્ટમના વધારાના યુનિટ ખરીદવા અને ભારતમાં તેની જાળવણી સુવિધાઓ સ્થાપિત કરવા અંગે ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત, ભારતે અમેરિકાના F-35 જેટ ખરીદવાનો ઇનકાર કર્યો હોવાથી હવે ભારત પાંચમી જનરેશનના Su-57 ફાઇટર જેટ ખરીદવા અંગે પણ વાતચીત કરે તેવી શક્યતા છે. આ મુલાકાતમાં સંરક્ષણ ઉપરાંત, ઔદ્યોગિક અને ઊર્જા સંબંધોને પણ નવી દિશા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
Su-57 ફાઇટર જેટ પર થઈ શકે છે ડીલ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની રશિયા મુલાકાત દરમિયાન, Su-57 ફાઇટર જેટ અને S-400 મિસાઈલ સિસ્ટમની ખરીદી પર મહત્ત્વની વાતચીત થઈ રહી છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા, ખાસ કરીને ટ્રમ્પ સરકાર, રશિયા સાથેના ભારતના સંબંધોને મર્યાદિત કરવા દબાણ કરી રહી છે અને ભારતીય માલ પર વધારાના ટેરિફ પણ લાદ્યા છે. પાકિસ્તાને તેના મિત્ર ચીન પાસેથી પાંચમી જનરેશનના જેટ ખરીદવાના અહેવાલો પછી, ભારત માટે સ્ટીલ્થ ફાઇટર જેટ મેળવવાનું જરૂરી બની ગયું છે.
'ઓપરેશન સિંદૂર'માં પણ S-400 મિસાઈલ સિસ્ટમની મહત્ત્વની ભૂમિકા
અજિત ડોભાલની આ મુલાકાતનું કારણ 'ઓપરેશન સિંદૂર' પણ છે, જેમાં S-400 મિસાઈલ સિસ્ટમ અને બ્રહ્મોસ મિસાઈલએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સફળતા બાદ ભારત-રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની છે.
મુલાકાતમાં ઊર્જા અને તેલ પુરવઠા પર પણ ચર્ચા
સંરક્ષણ ઉપરાંત, આ મુલાકાતમાં ઊર્જા અને તેલ પુરવઠા પર પણ ચર્ચા થઈ રહી છે, જેના પર અમેરિકાએ યુક્રેન યુદ્ધ બાદ વાંધો ઉઠાવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર આ યાત્રા દરમિયાન ડોભાલની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત પણ થશે, જે આ મુલાકાતનું મહત્ત્વ દર્શાવે છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકાના ખાસ દૂત પણ આ સમયે મોસ્કોમાં હાજર છે, જે ભારત-રશિયા સંબંધોને મર્યાદિત કરવાના અમેરિકાના પ્રયાસો સૂચવે છે.