'યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૂબરૂમાં વાત જરૂરી', યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન
Russia And Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના પ્રમુખે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે બને તેટલી વધુ ઝડપથી આ યુદ્ધનો અંત લાવવો જરૂરી છે. આ યુદ્ધનો અંત લાવવા માટે અમે તૈયાર છીએ, તેના માટે અમે શક્ય તેટલા પ્રયાસો કરવા તૈયાર છીએ, બસ પુતિને પણ સામે એટલા જ પ્રયાસો સાથે સહભાગી થવુ પડશે.
પુતિન સાથે રૂબરૂ વાતચીત થવી જરૂરી
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, અમે રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા તૈયાર છીએ. તેના માટે પુતિન સાથે રૂબરૂ બેઠક કરવા માગીએ છીએ. અમે તેમની સાથે દ્વિપક્ષીય, ત્રિપક્ષીય, તમામ પ્રકારની વાટાઘાટ કરવા તૈયાર છીએ. યુક્રેન બેઠકોથી ડરતુ નથી. બસ, સામે રશિયાએ પણ એટલી જ બહાદૂરી સાથે બેઠકોમાં ભાગ લેવો પડશે.
અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટિવ વિટકોફ સાથે પુતિનની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ આ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે, અમેરિકાએ રશિયાના પ્રમુખ પુતિનને આગામી શુક્રવાર સુધી યુક્રેન સાથે શાંતિ કરાર કરવાની ડેડલાઈન આપી છે. જો પુતિન શાંતિ કરાર નહીં કરે તો રશિયા પર અનેક પ્રતિબંધો લાદવાની ચીમકી પણ આપી છે.
આ પણ વાંચોઃ અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
યુક્રેન યુદ્ધ ખતમ કરવા તૈયાર! પણ...
ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, મેં આજે ફ્રેડરિક મેર્ઝ સાથે વાત કરી. યુક્રેન અને જર્મનીનો એક જ મત છે કે, યુદ્ધનો શક્ય તેટલો વહેલાં અંત લાવો. ગૌરવપૂર્ણ શાંતિ સાથે આ યુદ્ધ સમાપ્ત થાય. આ યુદ્ધને સમાપ્ત કરવાના પરિમાણો આવનારા દાયકાઓ સુધી યુરોપના સુરક્ષા લેન્ડસ્કેપને આકાર આપશે. યુક્રેન એ યુરોપનો એક અભિન્ન ભાગ છે, આ યુદ્ધ રશિયા અને યુરોપ વચ્ચે છે. અમે પહેલાંથી જ ઈયુ જોડાણ પર વાટાઘાટો કરી રહ્યા છીએ. તેથી, યુરોપે સંબંધિત પ્રક્રિયાઓમાં સહભાગી બનવું જોઈએ.
જર્મની યુક્રેનના સમર્થનમાં
ઝેલેન્સ્કીએ કહ્યા મુજબ, જર્મનીએ યુક્રેનની શાંતિ કરારની વાત પર સમર્થન આપ્યું છે. આજે ઈયુના સુરક્ષા સલાહકારો યુક્રેન અને સમગ્ર યુરોપ તથા અમેરિકાના સંયુક્ત વિચારોને સંરેખિત કરવા માટે એક ઓનલાઈન બેઠક યોજશે. ગઈકાલે, શાંતિ લાવવા માટે વડા-સ્તરની બેઠકો માટે વિવિધ સંભવિત સ્વરૂપોની પણ ચર્ચા કરવામાં આવી હતી.