‘શું ઝેલેન્સ્કી ખરેખર રાષ્ટ્રપ્રમુખ છે...?', શાંતિ મંત્રણા વચ્ચે રશિયાના સવાલથી નવો વિવાદ
Russia-Ukraine War : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથે મુલાકાત કરી હતી. પુતિને અલાસ્કામાં તો ઝેલેન્સ્કીએ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કર્યા બાદ રશિયા-યુક્રેન યુદ્ધ શાંત પડવાના સંકેત મળ્યા હતા. જોકે હવે બંને દેશો વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બનવાની સાથે એકબીજા પર ગંભીર આક્ષેપો પણ શરુ કરી દીધા છે. યુક્રેને 24 ઑગસ્ટે રશિયા પર આક્રમક હુમલા કર્યા હતા, ત્યારબાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઝેલેન્સ્કી પર આકરા પ્રહારો કર્યા છે.
યુક્રેનના બંધારણ મુજબ ઝેલેન્સ્કી રાષ્ટ્રપ્રમુખ નથી : રશિયા
રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) શાંતિ સ્થાપવા માટે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખને મળવા માટે તૈયાર છે, જોકે અમને ઝેલેન્સ્કી રાષ્ટ્રપ્રમુખ હોવાના મામલે આશંકા થઈ રહી છે. અમે વાતચીત કરવા માંગીએ છીએ, પરંતુ કોઈપણ વાતચીત શરુ કરતાં પહેલા એ સ્પષ્ટ હોવું જોઈએ કે, આખરે અમે કોની સાથે વાત કરી રહ્યા છીએ. જ્યારે અમે સમજૂતી માટે બેઠક કરીશું, ત્યારે અમારે સમજૂતી પર હસ્તાક્ષર કરવા પડશે. તેથી અમને એ ખબર હોવી જોઈએ કે, જે વ્યક્તિ સમજૂતીના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી રહ્યો છે, તે કાયદેસર રીતે પદ પર છે કે નહીં. કારણ કે યુક્રેનના બંધારણ મુજબ ઝેલેન્સ્કી હવે રાષ્ટ્રપ્રમુખ નથી.’
‘ઝેલેન્સ્કી પોતાના પદની કાયદેસરતા મજબૂત કરવા માંગે છે’
લાવરોવે એવું પણ કહ્યું કે, ‘ઝેલેન્સ્કી યુક્રેનના વાસ્તવિક રાષ્ટ્રપ્રમુખ છે, જોકે તેમ છતાં સવાલ એ જ છે કે, આખરે યુક્રેન તરફથી સમજૂતી પર હસ્તાક્ષર કોણ કરશે? ઝેલેન્સ્કી પુતિન સાથે બેઠક કરવા માટે વારંવાર પ્રયાસો કરી રહ્યા છે, જે તેમની એક ચાલ છે. કારણ કે તેઓ પોતાના પદની કાયદેસરતા મજબૂત કરવા માંગે છે.’
રશિયાના આક્ષેપોને યુક્રેનનો જવાબ
વાસ્તવમાં રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી(Ukraine President Volodymyr Zelenskyy)નો કાર્યકાળ મે મહિનામાં ઔપચારિક રીતે સમાપ્ત થઈ ગયો હતો. ત્યારબાદ રશિયા ઝેલેન્સ્કીના પદને લઈને વારંવાર સવાલો ઉઠાવી રહ્યો છે. આ આક્ષેપોને લઈને યુક્રેન કહે છે કે, યુક્રેનના માર્શલ લૉ નિયમ મુજબ, યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખને અપાયેલી શક્તિઓનો વિસ્તાર વધારાઈ શકાય છે, તેથી ઝેલેન્સ્કી કાયદેસરના રાષ્ટ્રપ્રમુખ છે.