'રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર સેકન્ડરી ટેરિફ લગાવ્યો', અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખનું નિવેદન
JD Vance Big Statement: અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે રવિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન પર બોમ્બમારો કરતા રોકવા માટે આક્રમક આર્થિક દબાણનો અભિગમ અપનાવ્યો છે, જેમાં ભારત પર સેકન્ડરી ટેરિફ લગાવવાનો પણ સમાવેશ થાય છે.
એનબીસી ન્યૂઝના કાર્યક્રમ 'મીટ ધ પ્રેસ'માં જેડી વેન્સે કહ્યું હતું કે, આ પગલું ભરવા પાછળનો ઉદ્દેશ્ય ઓઇલ ઇકોનોમીથી થતી રશિયાની આવક ઘટાડવાનો છે, જેથી તે યુદ્ધ ચાલુ રાખી શકે નહીં. વેન્સે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની તાજેતરની મુલાકાત પછી સર્જાયેલા સંભવિત અવરોધો છતાં અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.
જો અમેરિકા નવા પ્રતિબંધો લાદી રહ્યું નથી, તો રશિયા પર દબાણ કેવી રીતે લાવવામાં આવશે? તમે તેમને ઝેલેન્સ્કી સાથે વાટાઘાટોના ટેબલ પર કેવી રીતે લાવશો અને તેમને હુમલો રોકવા માટે કેવી રીતે સમજાવશો? આ પ્રશ્ન પર વેન્સે કહ્યું કે, 'ટ્રમ્પે રશિયા પર કડક આર્થિક દબાણ કર્યું છે. ઉદાહરણ તરીકે ભારત પર વધારાના ટેરિફ લાદીને ઓઇલમાંથી રશિયાની કમાણી આકરી બનાવી દેવામાં આવી હતી.'
તેમણે કહ્યું કે, 'ટ્રમ્પે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે જો રશિયા હુમલાઓ બંધ કરે છે, તો તેને વૈશ્વિક ઇકોનોમીમાં ફરીથી સામેલ કરી શકાય છે, પરંતુ જો હુમલાઓ ચાલુ રહેશે, તો તેને અલગ રહેવું પડશે.'
એટલું જ નહીં ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી પર ભારતની સતત ટીકા કરી રહ્યું છે, જ્યારે વોશિંગ્ટને ચીન સામે કોઈ જાહેર વાંધો ઉઠાવ્યો નથી, જે રશિયન ઓઇલનો સૌથી મોટો ખરીદદાર છે. જોકે, ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે તેની ઉર્જા જરૂરિયાતો અને ખરીદી રાષ્ટ્રીય હિત અને બજારની સ્થિતિ પર આધારિત છે.
ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર ડ્યુટી બમણી કરીને 50 ટકા કરવાથી ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વધ્યો છે. અમેરિકાનો આરોપ છે કે ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી મોસ્કોના યુક્રેન યુદ્ધને સમર્થન આપી રહ્યું છે, જ્યારે ભારતે આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે. ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પરના હુમલા પછી, પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા અને તેનો પુરવઠો બંધ કરી દીધો. આ પછી, ભારતે ડિસ્કાઉન્ટેડ ભાવે ઉપલબ્ધ રશિયન ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું.
શનિવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, 'પોતાને વેપાર તરફી ગણાવતું યુએસ વહીવટીતંત્ર બીજાઓ પર વેપાર કરવાનો આરોપ લગાવી રહ્યું છે તે વિચિત્ર છે. જયશંકરે કહ્યું કે, આ ખરેખર વિચિત્ર છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો તમને ભારતમાંથી ઓઇલ કે રિફાઇન્ડ ઉત્પાદનો ખરીદવામાં વાંધો હોય તો ખરીદશો નહીં. કોઈ તમને દબાણ કરતું નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે યુરોપ પણ ખરીદે છે, અમેરિકા પણ ખરીદે છે. તેથી જો તમને તે ગમતું નથી, તો ખરીદશો નહીં.'