Russia Ukraine War Update : રશિયા અને યુક્રેન વચ્ચે 2022થી ચાલી રહેલુ યુદ્ધ ખતમ થવાના હજુ પણ કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. કારણ કે એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી હેઠળ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુધાબીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે ‘શાંતિ વાર્તા બેઠક’ યોજવાની તૈયારી ચાલી રહી છે. તો બીજીતરફ રશિયાએ યુક્રેન પર મિસાઈલોથી હુમલો કર્યો છે. શાંતિ વાર્તા પહેલા યુક્રેને રશિયા પર હુમલા કરવાનો આક્ષેપ કર્યો છે.
યુક્રેન વિદેશ મંત્રીના પુતિન પર ગંભીર આક્ષેપ
યુક્રેનના વિદેશ મંત્રી આંદ્રિય સિબીહાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ લખીને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પર પ્રહારો કર્યાછે. તેમણે કહ્યું કે, ‘અબુધાબીમાં શાંતિ વાર્તા યોજવા માટે રશિયા, યુક્રેન અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ હાજર છે, તેવા સમયે રશિયાએ યુક્રેન પર મિસાઈલોથી હુમલો કર્યો છે. આ બર્બર હુમલો સાબિત કરે છે કે, પુતિનની જગ્યા વાતચીતના ટેબલ પર નહીં, પરંતુ વિશેષ કોર્ટના કઠેડામાં છે.’
આ પણ વાંચો : ભારતની મુલાકાત બાદ UAEના પ્રમુખે પાકિસ્તાનને આપ્યો ઝટકો, જાણો શું થયું
રશિયાએ યુક્રેનના બે શહેર પર 21 મિસાઈલો ઝિંકી
મીડિયા રિપોર્ટ મુજબ અબુધાબીમાં યોજાનાર બેઠક પહેલા શનિવારે સવારે રશિયાએ યુક્રેનના કીવ અને ખારકીવ શહેર પર ભયાનક મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં એકનું મોત અને 23 લોકોને ગંભીર ઈજા થઈ છે. યુક્રેનીયન સેનાએ હુમલાની માહિતી આપતા કહ્યું કે, રશિયાએ 375 ડ્રોનથી હુમલો કર્યો છે તેમજ 21 મિસાઈલો પણ ઝિંકી છે. આ હુમલામાં કીવના એક વિસ્તારની વીજળી પણ ગુલ થઈ ગઈ છે.
પુતિનને નિકોલસની જેમ પણ ઉઠાવી લો : યુક્રેનની માંગ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના આદેશ બાદ અમેરિકન સેનાએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલ માદુરોની ધરપકડ કરી હતી. ત્યારબાદ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ માંગ કરી છે કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ને પણ નિકોલસની જેમ ઉઠાવી લો. અમેરિકાએ માદુરો પર કાર્યવાહી કર્યા બાદ ઝેલેન્સ્કીએ તુરંત કહ્યું હતું કે, ‘જો તાનાશાહી લોકો સાથે આવું વર્તન કરવામાં આવે છે, તો અમેરિકાને ખબર છે કે, પુતિન સાથે શું કરવાનું છે?’ ઝેલેન્સ્કીએ તાજેતરમાં પણ કહ્યું હતું કે, ‘માદુરો ન્યૂયોર્કની કોર્ટમાં ન્યાયનો સામનો કરી રહ્યા છે, જ્યારે પુતિન હજુ પણ આઝાદ છે.’
આ પણ વાંચો : રાતના અંધારામાં સમુદ્રની વચોવચ રશિયાનો મોટો 'ખેલ'! અમેરિકા લાચાર, ભારત-ચીનને ફાયદો


