રશિયા અને યુક્રેન વચ્ચે થશે સીઝફાયર? ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પર દુનિયાની નજર
Trump Putin meeting: 15 ઑગસ્ટ, 2025ના રોજ એટલે કે આજે અલાસ્કાના જોઈન્ટ બેઝ એલ્મેનડોર્ફ-રિચાર્ડસનમાં જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન એકબીજાની સામ સામે આવશે. ત્યારે તે માત્ર બે નેતાઓની મુલાકાત નહીં, પરંતુ એક રાજદ્વારી ક્ષણ હશે. જે યુક્રેન-રશિયા યુદ્ધની જ્વાળાઓને ઠંડી કરવાની આશા જગાડશે. બર્ફીલા આર્કટિકના આ જગ્યાએ કે, જ્યાં રશિયા અને અમેરિકા ભૌગોલિક રીતે એકબીજાની સૌથી નજીક છે. વિશ્વની નજર અહીં પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ટકેલી છે. શું ટ્રમ્પ અને પુતિનની આ મુલાકાત રશિયા અને યુક્રેનમાં થઈ રહેલા ખૂનખરાબા બંધ કરીને શાંતિનો સંદેશ આપશે કે, શું તે બીજી રાજદ્વારી ચાલ હશે, જે વણઉકેલાયેલા પ્રશ્નો વચ્ચે યુદ્ધને રોકવાનો પ્રયાસ રહેશે?
આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયા બાદ ચીન પણ ભારત પર ઓળઘોળ, સાથે કામ કરવા અંગે મોટું નિવેદન
પુતિનની મુલાકાત પહેલા શું બોલ્યા ટ્રમ્પે
ટ્રમ્પ અને પુતિનની આ મુલાકાત માત્ર યુદ્ધના મેદાનમાં ગુંજી રહેલા વિસ્ફોટોને શાંત કરવા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શક્તિ સંતુલનને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ પણ છે. બેઠક પહેલા ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પુતિન હવે શાંતિના માર્ગ પર આગળ વધવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે પુતિન હવે કાયમ શાંતિ કરશે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ શાંતિ ઇચ્છશે. અમે જોઈશું કે, શું તેઓ એકબીજા સાથે તાલમેળ કરી શકે છે.' જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકા યુદ્ધનો અંત લાવવા માટે પુતિનને દુર્લભ ખનિજોની ઍક્સેસ આપવાનું વિચારી રહ્યું છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, 'અમે જોઈશું કે, અમારી બેઠકમાં શું થાય છે અને તે રશિયા માટે અને આપણા માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને જ્યારે આપણે હજારો સૈનિકોના જીવ બચાવી શકીએ છીએ. અને તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય દર અઠવાડિયે હજારો સૈનિકોના જીવ બચાવવાનો છે.'
શું માત્ર બે મિનિટમાં નક્કી થશે સોદો
યુએસ પ્રમુખ ટ્રમ્પે પહેલા જ કહી ચૂક્યા છે કે, પુતિન સાથેની બેઠકની પ્રથમ બે મિનિટમાં તેમને અંદાજ આવી જશે કે, મામલો અંતિમ સ્વરૂપ પામશે કે નહીં, કારણ કે તેઓ સોદા કરે છે, એટલે પુતિનને મળતાં જ બે મિનિટમાં ખ્યાલ આવી જશે કે, તેઓ શું ઇચ્છે છે. જો રશિયન રાષ્ટ્રપતિ પુતિન વેપાર તરફ આગળ વધે છે, તો બંને દેશો વચ્ચે સામાન્ય વેપાર સંબંધો પુનઃસ્થાપિત થઈ શકે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આજની બેઠકમાં હાજરી આપશે નહીં, ટ્રમ્પે સંકેત આપ્યો કે ટૂંક સમયમાં બીજી વધુ મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે, જેમાં ઝેલેન્સ્કી તેમજ અન્ય યુરોપિયન નેતાઓનો સમાવેશ થઈ શકે છે.
યુરોપની ચિંતા અને ઝેલેન્સકીની ચેતવણી
તો અહીં પુતિન અને ટ્રમ્પ વચ્ચેની બેઠક પહેલા યુરોપિયન નેતાઓ અને ઝેલેન્સકીએ ચિંતા વ્યક્ત કરી છે કે યુક્રેનની ભાગીદારી વિના કોઈપણ કરાર મૃત કરાર હશે. ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ડોનબાસ ક્ષેત્રમાંથી ખસી જશે નહીં અને કોઈપણ પ્રાદેશિક કરારને ભવિષ્યમાં રશિયન આક્રમણ માટે એક માર્ગ તરીકે માને છે. યુરોપિયન નેતાઓએ ટ્રમ્પને કોઈપણ શાંતિ કરારમાં યુક્રેનની 'પ્રાદેશિક અખંડિતતા'નું રક્ષણ કરવા વિનંતી કરી છે. ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશો યુએસ પાસેથી સુરક્ષા ગેરંટીની માંગ કરી રહ્યા છે, જ્યારે ટ્રમ્પે કહ્યું છે કે, નાટો તેમાં સામેલ થશે નહીં. ટ્રમ્પે સ્વીકાર્યું કે બેઠક નિષ્ફળ જવાની 25% શક્યતા છે, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે તે એક 'મહત્વપૂર્ણ' બેઠક હશે. ઝેલેન્સકીએ કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં ટ્રમ્પ પાસેથી અપડેટની અપેક્ષા રાખે છે અને ત્રિ-માર્ગીય બેઠક માટે તૈયારી કરી રહ્યા છે.