'6 કે 7 પ્લેન તૂટી પડ્યા હતા', ટ્રમ્પે ભારત-પાકિસ્તાન મુદ્દે પોતાનું જ નિવેદન ફેરવી તોળ્યું
Trump Takes Credit Again on India-Pakistan Ceasefire: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. ટ્રમ્પે ફરી નિવેદન આપ્યું કે, 'આ બંને દેશો વચ્ચેનો તણાવ એક પરમાણુ યુદ્ધમાં તબદીલ થવાનો હતો. તે સમયે પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, 6-7 પ્લેન તોડી પાડવામાં આવ્યા હતાં.' ટ્રમ્પના આ નિવેદનથી તેઓ ફસાયા છે. તેમણે પહેલાં સીઝફાયરમાં મધ્યસ્થીનો દાવો કરતી વખતે પાંચ પ્લેન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હવે તે 6-7 પ્લેનની વાત કરી રહ્યા છે. જેથી ટ્રમ્પના જુઠ્ઠાણાંનો પર્દાફાશ થયો છે.
ઓપરેશન સિંદૂર સંદર્ભે ખુલાસો કરતી વખતે આઇએએફ ચીફ અમરપ્રીત સિંહે બેંગ્લુરૂમાં નવ ઑગસ્ટના રોજ જણાવ્યું હતું કે, ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર્સ સહિત છ પ્લેન તોડી પાડ્યા હતા. આ ખુલાસા બાદ ટ્રમ્પે પોતાના નિવેદન પર ફેરવી તોળ્યું છે.
ટ્રમ્પના સૂર બદલાયા
ગુરુવારે ઓવલ ઑફિસમાં મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રમ્પે પોતાના સૂર બદલ્યા હતા કે, જો તમે પાકિસ્તાન અને ભારતને જુઓ... પ્લેન એક-એક કરીને તોડી પાડવામાં આવ્યા હતા. છથી સાત પ્લેન તોડી પાડ્યા. સ્થિતિ એટલી હદે વણસી હતી કે, પરમાણુ યુદ્ધ થવાની સંભાવના હતી. અમે તેમને રોક્યા. મેં છેલ્લા છ મહિનામાં છ યુદ્ધ ઉકેલ્યા છે. જેમાંથી એક યુદ્ધ તો 37 વર્ષથી ચાલી રહ્યું હતું. અને એક યુદ્ધ આફ્રિકામાં 31 વર્ષથી. મેં માત્ર યુદ્ધ રોક્યું જ નહીં પણ શાંતિ પણ સ્થાપિત કરી. ભારત-પાકિસ્તાનમાં પણ.
આ પણ વાંચોઃ 'ભારત સામે ટેરિફ લગાવ્યો એટલે પુતિન વાતચીત માટે તૈયાર થયા..', ટ્રમ્પનો ફરી મોટો દાવો
આજે અલાસ્કામાં પુતિનને મળશે ટ્રમ્પ
ટ્રમ્પ આવતીકાલે અલાસ્કામાં (ભારતીય સમયાનુસાર આજે રાત્રે 1.00 વાગ્યે) રશિયાના પ્રમુખ પુતિન સાથે યુક્રેન યુદ્ધની શાંતિ મંત્રણા માટે બેઠક કરશે. આ બેઠકમાં તેઓ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને રોકવા મુદ્દે ચર્ચાવિચારણા કરશે. જેના પર ટ્રમ્પે કહ્યું કે, આવતીકાલે રશિયાના પ્રમુખ પુતિન સાથે બેઠક છે. મને લાગે છે તે સકારાત્મક રહેશે. આ બેઠક બાદ તુરંત બીજી મહત્ત્વપૂર્ણની બેઠક કરીશું. જેમાં હું, પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી આમને-સામને બેસીશું. મને વિશ્વાસ છે કે, ઝેલેન્સ્કી શાંતિ સ્થાપિત કરશે.
IAF ચીફે કર્યો હતો ખુલાસો
બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાના વડાએ પહેલી વાર સત્તાવાર રીતે સ્પષ્ટતા આપી હતી કે 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. ભારતીય વાયુસેના સિસ્ટમ S-400 એ ઓછામાં ઓછા 5 પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યા હતા. આ સાથે, એક પાકિસ્તાની એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) જેટ પણ નાશ પામ્યું હતું. આ બધું 300 કિમીના અંતરેથી થયું હતું. IAF ચીફે ઓપરેશન પહેલા અને પછીની સેટેલાઇટ તસવીરો પણ રજૂ કરી હતી. તેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે ટાર્ગેટને સંપૂર્ણ ચોકસાઈથી હીટ કરવામાં આવ્યું હતું. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય નાશ પામ્યું હતું, પરંતુ આસપાસની ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું.