Get The App

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયા બાદ ચીન પણ ભારત પર ઓળઘોળ, સાથે કામ કરવા અંગે મોટું નિવેદન

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
India and China Relations


India and China Relations: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદ્યા બાદ વૈશ્વિક રાજનીતિમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સરહદી વિવાદોના કારણે એકબીજાથી દૂર રહેલા ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. ચીન તરફથી આ મામલે કહેવામાં આવ્યું છે કે બંને વિકાસશીલ દેશો ગ્લોબલ સાઉથના મહત્ત્વપૂર્ણ સભ્યો છે. બંને દેશોનું એકબીજાની સફળતામાં મદદ કરવાવાળું સહયોગી પગલું બંને પક્ષો માટે યોગ્ય વિકલ્પ છે.

ચીનના વિદેશ મંત્રાલયે ભારત સાથેના સંબંધો વિશે વાત કરી

ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયે ભારત સાથેના સંબંધો વિશે વાત કરી. મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે બેઇજિંગ નવી દિલ્હી સાથેના દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે વિકસિત થતાં જુએ છે અને શું બંને દેશો વૈશ્વિક મંચ પર સાથે મળીને કામ કરી શકે છે? તો તેના જવાબમાં જીયાને કહ્યું કે, 'ચીન બંને દેશોના નેતાઓ વચ્ચે બનેલી મહત્ત્વપૂર્ણ સામાન્ય સહમતિ પર કામ કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે. બંને દેશો વચ્ચે સતત વાતચીત રાજકીય વિશ્વાસ પણ વધારશે, આ સાથે જ અમે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન જેવા બહુપક્ષીય મંચો પર આદાન-પ્રદાન અને સહયોગનો વિસ્તાર કરીને એકબીજા સાથે સંકલન સ્થાપિત કરીશું જેથી બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ સારા બનાવી શકાય.'

31 ઑગસ્ટે પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત 

ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ વચ્ચે ભારત અને ચીન ફરી એકવાર નજીક આવી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, પીએમ મોદીની શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠક માટે ચીન યાત્રા દરમિયાન આ મહિનામાં ચીન સાથે સીધી ફ્લાઇટ્સ શરુ કરવાની જાહેરાત કરી શકે છે. પીએમ મોદી 31 ઑગસ્ટે તિયાંજિનમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે.

આ પણ વાંચો: '6 કે 7 પ્લેન તૂટી પડ્યા હતા', ટ્રમ્પે ભારત-પાકિસ્તાન મુદ્દે પોતાનું જ નિવેદન ફેરવી તોળ્યું

અમેરિકા લાંબા સમયથી ભૌગોલિક રાજનીતિમાં નવી દિલ્હીને બેઇજિંગના વિરોધી તરીકે ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ટ્રમ્પે તેમના નવા કાર્યકાળમાં ભારત અને ચીનને લગભગ એક જ પક્ષમાં લાવી દીધા છે. ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે પણ અમેરિકાની ટેરિફ ઘોષણા વિરુદ્ધ મોદી સરકારને નૈતિક ટેકો આપ્યો છે. એટલું જ નહીં, ટ્રમ્પની ટેરિફ નીતિઓનો વિરોધ કરવા માટે ઝુએ લખ્યું કે 'જો ધમકી આપનારને એક ઇંચ જમીન પણ આપવામાં આવે તો તે એક માઈલ લઈ લેશે.' આ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનને કારણે ઊભી થયેલી વૈશ્વિક ઉથલપાથલ છે કે ચીન, ભારતની તરફેણમાં આવી વાતો કરી રહ્યું છે. તે પણ જમીન પચાવી પાડવાને લઈને.

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયા બાદ ચીન પણ ભારત પર ઓળઘોળ, સાથે કામ કરવા અંગે મોટું નિવેદન 2 - image

Tags :