'રશિયા પર મોટી પ્રગતિ, તેના પર નજર રાખો', ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરીને સસ્પેન્સ વધાર્યું
Russia-Ukraine War : અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠક યોજ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારી પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, ‘રશિયા મામલે મોટી પ્રગતિ થઈ છે, નજર રાખીને બેસો.’ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા ટ્રુથ પર આ પોસ્ટ કરીને સસ્પેન્સ વધારી દીધું છે. જોકે તેમણે આ મામલે વિગતવાર કશું પણ કહ્યું નથી.
ટ્રમ્પ-પુતિન વચ્ચે ફરી બેઠક યોજાશે
ટ્રમ્પ-પુતિન વચ્ચે અલાસ્કામાં બેઠક યોજાઈ હતી. બેઠક પછી પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ બેઠકને સકારાત્મક ગણાવી હતી. જોકે, યુદ્ધવિરામ થઈ શક્યો ન હતો. ટ્રમ્પ કહે છે કે, ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈ છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર કોઈ નિર્ણય ન લઈ શકાયો. બંને દેશોના નેતાઓ વચ્ચેની આ બેઠક શાંતિનો માર્ગ ખોલી શકે છે. જો આ મુદ્દા પર બીજી બેઠક યોજાશે તો યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જોકે, હજુ સુધી ઔપચારિક રીતે સ્પષ્ટ નથી કે આગામી બેઠક થશે કે નહીં. પરંતુ, પ્રેસ કોન્ફરન્સના અંતે, પુતિને ટ્રમ્પને કહ્યું કે આગામી બેઠક મોસ્કોમાં યોજાવી જોઈએ. જેના પર ટ્રમ્પે કહ્યું કે હવે ભવિષ્યમાં જોઈશું.
પુતિને બેઠક પછી શું કહ્યું
પ્રેસને સંબોધતા પુતિને (Vladimir Putin) કહ્યું કે જો 2022 માં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાના પ્રમુખહોત, તો યુક્રેન સાથે યુદ્ધ ક્યારેય ન થયું હોત. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા અને રશિયા વચ્ચે ખૂબ સારા સંપર્ક નહોતા. પરંતુ હવે ખૂબ સારા સીધા સંપર્ક સ્થાપિત થયા છે, જે અગાઉના 'ખૂબ જ મુશ્કેલ સમયગાળા' પછી જરૂરી હતા. યુક્રેન સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા અને નિષ્ઠાવાન રસ બદલ હું ટ્રમ્પનો આભાર માનું છું. આ યુદ્ધનો અંત લાવવા માટે, બધા મૂળ કારણોને દૂર કરવા અને રશિયાની ચિંતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. હું ટ્રમ્પ સાથે સહમત છું કે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. મને આશા છે કે પરસ્પર સમજણ યુક્રેનમાં શાંતિ લાવશે.’
ટ્રમ્પનો યુક્રેનને પ્રસ્તાવ, ડોનેત્સક રશિયાને આપી દો
ડોનાલ્ડ ટ્રમ્પે ભલે યુક્રેન મુદ્દે અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાતને સકારાત્મક ગણાવી, પરંતુ હાલમાં આ મુદ્દાનો કોઈ ઉકેલ દેખાતો નથી. અહેવાલ મુજબ, પુતિને ટ્રમ્પ સાથેની વાતચીતમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે જો યુક્રેન ડોનેત્સકનું સંપૂર્ણ નિયંત્રણ રશિયાને સોંપી દે તો અમે અમારા સૈન્યને આગળ વધતા અટકાવી દઈશું.
અહેવાલ મુજબ યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકી (Volodymyr Zelenskyy)એ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. અહેવાલ મુજબ અલાસ્કા બેઠક પછી ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ અને અન્ય યુરોપિયન દેશોના નેતાઓને ફોન કરીને પુતિનના પ્રસ્તાવ વિશે માહિતી આપી હતી. અલાસ્કામાં પુતિન સાથેની મુલાકાત પછી મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે યુક્રેનને રશિયા સાથે શાંતિ કરાર માટે સંમત થવું જોઈએ.
યુક્રેનના 20 ટકા પ્રદેશ પર રશિયાનો કબજો
ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા ખૂબ મોટી શક્તિ છે અને તેની સામે યુક્રેન એટલું શક્તિશાળી નથી. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર આક્રમણ શરૂ થયા પછી અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની પહેલી બેઠક અલાસ્કામાં થઈ હતી, જે લગભગ ત્રણ કલાક ચાલી હતી. અહેવાલ મુજબ, ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું કે પુતિનના પ્રસ્તાવમાં એ પણ શામેલ છે કે જો યુક્રેન ડોનેત્સકમાંથી પીછેહઠ કરી લે તો રશિયા યુક્રેનના અન્ય ભાગોમાં તેની કાર્યવાહી બંધ કરી દેશે. 2014થી ડોનેત્સક પ્રદેશ મોટાભાગે રશિયાના નિયંત્રણ હેઠળ છે. રશિયા હાલમાં યુક્રેનિયન પ્રદેશના લગભગ 20% પર કબજો ધરાવે છે, જેમાં મોટાભાગના ડોનેત્સક પ્રાંતનો સમાવેશ થાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે હું અને પુતિન સંમત થયા હતા કે કોઈપણ શાંતિ સોદો યુદ્ધવિરામ વિના આગળ વધારવો જોઇએ વધવો જોઈએ, જે યુક્રેન અને તેના યુરોપિયન સાથીઓની લાંબા સમયથી માંગ છે.
આ પણ વાંચો : યુક્રેને ફરી આપ્યો રશિયાને ઝટકો, એક જ ઝાટકે ઉડાવી નાખ્યું ‘રશિયન તોપખાનું’