VIDEO : યુક્રેને ફરી આપ્યો રશિયાને ઝટકો, એક જ ઝાટકે ઉડાવી નાખ્યું ‘રશિયન તોપખાનું’
Russia-Ukraine War : રશિયન સેનાએ ફરી એકવાર ઉત્તરીય સ્લોબોઝાંસ્કે (Northern Slobozhanske) મોરચા પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીની આર્મીએ ફરી રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનની આર્મીને મોટો ઝટકો આપ્યો છે. આ વખતે રશિયન સેના ટ્રકમાં તોપ લઈ જઈ એક પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, યુક્રેનિયન 'શાર્ક' ડ્રોને રશિયન કાફલાને તુરંત શોધી કાઢી ટ્રકનો ખાતમો બોલાવી દીધો છે.
યુક્રેને ડ્રોન હુમલો કરી રશિયન તોપખાનું ઉડાવ્યું
મીડિયા રિપોર્ટ મુજબ ટ્રકમાં રશિયન સેના તોપખાનું કુર્સ્ક વિસ્તારમાં આવેલી સૈયમ નદી પાર કરી રહી હતી, ત્યારે અચાનક યુક્રેનના શાર્ક ડ્રોને હુમલો કરી તેને નષ્ટ કરી નાખ્યો છે. બ્રિગેડની પ્રેસ સર્વિસ મુજબ, આ હુમલો 47મી સેપરેટ મિકેનાઇઝ્ડ બ્રિગેડ માગુરા અને એક પાડોશી યુક્રેનિયન યુનિટના સહયોગથી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સીઝફાયર માટે પુતિન સામે નતમસ્તક થવા તૈયાર ડોનાલ્ડ ટ્રમ્પ, યુક્રેનને થશે ભારે નુકસાન
હુમલાનો વીડિયો વાયરલ
આ હુમલાનો એક વિડીયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, રશિયન સેનાનું એક હથિયાર ભરેલું ટ્રક પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનનું ડ્રોન અચાનક હુમલો કરે છે, જેમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ રશિયન ટ્રકના ફુરચા ઉડી જતા જોવા મળી રહ્યા છે. આમ તૂટેલા પુલ પર ભારે વાહન લઈ જવું રશિયન સૈનિકોને ભારે પડ્યું અને યુક્રેનિયન સેનાએ સચોટ હુમલા કરીને ટ્રકને નષ્ટ કરી દીધો.
આ પહેલાં રશિયન સેનાએ કુપ્યાંસ્ક પાસે એક ભારે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે શહેરના ડાબા કિનારા પર કબજો કરવા માટે ટેન્ક અને બખ્તરબંધ વાહનો તૈનાત કર્યા હતા. રશિયન સેનાના બે ટેન્ક, ત્રણ MT-LB વાહનો અને લગભગ 40 સૈનિકો કુપ્યાંસ્કના પૂર્વ ભાગ તરફ વધ્યા હતા, જે આ ક્ષેત્રમાં ઘણા મહિનાઓ બાદ પહેલું રશિયન અભિયાન હતું. ઓગસ્ટ મહિનામાં યુક્રેનના FPV ડ્રોને રશિયાના બ્રાંસ્ક ક્ષેત્રમાં ત્સાટા નદી પર બનેલા એક પુલને ઉડાવી દીધો હતો.