રશિયાએ 600 ડ્રોન અને મિસાઈલો યુક્રેન પર ઝીંકી, ઝેલેન્સ્કીએ કહ્યું- 'ટ્રમ્પને બધી માહિતી આપીશ'
Russia-Ukraine War : રશિયાએ આજે (20 સપ્ટેમ્બર) યુક્રેનના અનેક શહેરો પર ફરી એકવાર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલાઓમાં કિવ, ઓડેસા, સુમી, ખાર્કીવ અને નિપ્રોપેટ્રોવસ્ક સહિતના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. હુમલામાં ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રશિયાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો : ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelenskyy)એ જણાવ્યું કે, રશિયાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રહેણાંક વિસ્તારો અને નાગરિકોના વ્યવસાયો પર હુમલો કર્યો છે. રશિયાએ મિસાઈલો પર ક્લસ્ટર બોમ્બ લગાવીને નિપ્રો શહેરની બહુમાળી ઇમારતને પણ નિશાન બનાવી. આ હુમલાઓમાં મોટી માત્રામાં સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.
રશિયાએ યુક્રેન પર 619 ડ્રોન-મિસાઈલો ઝિંકી
યુક્રેનની સેનાએ કહ્યું કે, રશિયાએ યુક્રેન પર 619 ડ્રોન અને મિસાઈલો ઝિંકી છે. જેમાંથી મોટા ભાગના આકાશમાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. રશિયાના હુમલાને નિષ્ફળ બનાવવા માટે F-16 લડાકુ વિમાનની પણ મદદ લેવામાં આવી હતી.
આ પણ વાંચો : વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત
‘અમે રશિયાની હરકતની ટ્રમ્પને માહિતી આપીશું’
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ યુએન જનરલ એસેમ્બલીની બેઠક સિવાય અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ને મળીને તેમને પરિસ્થિતિ વિશે માહિતી આપશે. એકલા નિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રમાં જ 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
રશિયન ફાઈટેર જેટ એસ્ટોનિયામાં ઘૂસ્યા
તાજેતરમાં જ રશિયાએ એસ્ટોનિયામાં રશિયન ફાઈટેર જેટ મોકલ્યા હોવાનો આક્ષેપ થયો હતો, જોકે રશિયાએ આ આક્ષેપોને ફગાવી દીધા છે. એસ્ટોનિયાએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે, રશિયાના ત્રણ લડાકુ વિમાનો તેમની સરહદમાં ઘૂસ્યા હતા અને 12 મિનિટ સુધી ત્યાં રહ્યા હતા, જે એક ઉલ્લંઘન હતું. છેલ્લા દસ દિવસમાં પોલેન્ડ અને રોમાનિયા બાદ આ ત્રીજા નાટો સભ્ય દેશનો રશિયા પર વાયુસીમાના ઉલ્લંઘનનો આરોપ હતો.