ક્રૂડની નિકાસ કરતાં રશિયાએ ભારત પાસેથી 10 લાખ બેરલ પેટ્રોલ લેવું પડ્યું! જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Russia Petrol Export : યુક્રેનના ડ્રોન હુમલાની અસર હવે રશિયાના ઈંધણ બજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રશિયાની ઘણી ઓઈલ રિફાઈનરીઓ પર થયેલા હુમલાને કારણે ત્યાં સ્થાનિક સ્તરે પેટ્રોલના ઉત્પાદન પર મોટી અસર પડી છે. આવી સ્થિતિમાં રશિયાને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય દેશો પાસેથી પેટ્રોલ મંગાવવું પડી રહ્યું છે. આ સંજોગોમાં ભારત રશિયા માટે પેટ્રોલના એક મોટા સપ્લાયર તરીકે સામે આવ્યું છે.
ભારતે 2 મહિનામાં રશિયાને 10 લાખ બેરલ પેટ્રોલ મોકલ્યું
ઊર્જા બજાર પર નજર રાખતી કંપની 'વોર્ટેક્સા'ના આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં દરિયાઈ માર્ગે રશિયાની પેટ્રોલ આયાત વધીને દરરોજ આશરે 1.25 લાખ બેરલના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. સમગ્ર ઓગસ્ટ દરમિયાન આ જથ્થો આશરે 4.70 લાખ ટન રહેવાનો અંદાજ છે. મીડિયા અહેવાલો મુજબ, ભારતીય રિફાઈનરીઓએ છેલ્લા 2 મહિનામાં રશિયાને આશરે 10 લાખ બેરલ પેટ્રોલ મોકલ્યું છે. જેમાં સૌથી મોટો ફાળો ગુજરાતની વાડીનાર રિફાઈનરીનો હોવાનું જણાવાયું છે. આ રિફાઈનરી 'નાયરા એનર્જી' ચલાવે છે, જેમાં રશિયાની સરકારી ઓઈલ કંપની 'રોસનેફ્ટ'નો આશરે 50 ટકા હિસ્સો છે.
રશિયાના કાચા તેલમાંથી પેટ્રોલ બનાવ્યું હોવાની શક્યતા
વર્ષ 2022 પછી ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કાચું તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. રશિયા પાસેથી મળતું કાચું તેલ ભારતની રિફાઈનરીઓમાં પહોંચે છે અને તેમાંથી પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણ તૈયાર કરવામાં આવે છે. જૂન અને જુલાઈ મહિનામાં ભારતે રશિયા પાસેથી દરરોજ 26 લાખ બેરલથી વધુ કાચું તેલ ખરીદ્યું હતું, જે ફેબ્રુઆરીના દરરોજ આશરે 10 લાખ બેરલની સરખામણીએ ઘણું વધારે છે. આ આંકડો ભારતના કુલ કાચા તેલની આયાતના અડધાથી પણ વધુ હિસ્સા બરાબર હતો. આવી સ્થિતિમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રશિયા મોકલવામાં આવેલું કેટલુંક પેટ્રોલ પણ રશિયન કાચા તેલમાંથી જ તૈયાર કરવામાં આવ્યું હોઈ શકે છે.
પ્રતિબંધ અને રિફાઈનરીઓ પર હુમલાથી રશિયાનું વધ્યું ટેન્શન
રશિયા વિશ્વના મોટા કાચા તેલ નિકાસકાર દેશોમાં સામેલ છે, તેમ છતાં તેને પેટ્રોલ આયાત કરવું પડી રહ્યું છે. તેનું મુખ્ય કારણ યુક્રેનના ડ્રોન હુમલા છે. આ હુમલાઓથી રશિયાના ઊર્જા મથકોને ભારે નુકસાન થયું છે અને કેટલાક સમયમાં સ્થાનિક પેટ્રોલ ઉત્પાદનમાં 70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આનાથી દેશના ઘણા ભાગોમાં ઈંધણની અછત સર્જાઈ છે. સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે રશિયાએ પેટ્રોલના વેચાણ પર કેટલાક નિયંત્રણો પણ મૂક્યા છે. સાથોસાથ તેણે પેટ્રોલની નિકાસ પરનો પ્રતિબંધ જાન્યુઆરી 2027ના અંત સુધી લંબાવી દીધો છે, જ્યારે ડીઝલની નિકાસ પર પણ પ્રતિબંધ લાગુ છે. ભારત ઉપરાંત તુર્કી અને મોરોક્કો પણ ઓગસ્ટમાં રશિયાને પેટ્રોલ સપ્લાય કરનારા દેશોમાં સામેલ રહ્યા છે.




