Iran Shocking News about War : ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને અત્યારે સંપૂર્ણ રીતે ખોલવાનો તેમનો કોઈ ઈરાદો નથી. સાથે જ તેમણે ખાર્ગ આઈલેન્ડ પર થયેલા હુમલા બાદ ખાડી દેશો પર ભીષણ વળતા પ્રહારની ચેતવણી પણ આપી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને મોટો દાવો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધની આ જંગમાં તેને રશિયા અને ચીન તરફથી સક્રિય લશ્કરી સહાય (Military Support) મળી રહી છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ બંને દેશોને પોતાના 'વ્યૂહાત્મક ભાગીદાર' ગણાવતા કહ્યું કે આ સંઘર્ષમાં તેમને સૈન્ય સ્તરે સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. અરાઘચીએ રવિવારે એક મહત્વના ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, "ચીન અને રશિયા ઈરાનના વ્યૂહાત્મક ભાગીદારો છે અને તેઓ આ સંઘર્ષમાં સહયોગ આપી રહ્યા છે. જેમાં સૈન્ય સહયોગ પણ સામેલ છે. હું આ અંગે વધુ વિગતો આપી શકતો નથી, પરંતુ રાજકીય, આર્થિક અને સૈન્ય સ્તરે અમારો સહયોગ ઘણો મજબૂત છે."
ટ્રમ્પને પણ હતી શંકા
આ અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગત સપ્તાહે શંકા વ્યક્ત કરી હતી કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન કદાચ ઈરાનને મદદ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, "મને લાગે છે કે તેઓ કદાચ થોડી મદદ કરી રહ્યા હશે, કારણ કે અમે યુક્રેનને મદદ કરી રહ્યા છીએ." એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે રશિયા ઈરાનને અમેરિકી સૈન્ય ઠેકાણાઓની ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યું છે.
વાતચીત કે સમજૂતીનો ઇનકાર
અરાઘચીએ હાલમાં કોઈ પણ પ્રકારની શાંતિ મંત્રણાની શક્યતાને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુદ્ધનો અંત ત્યારે જ આવી શકે જ્યારે ફરીથી હુમલા નહીં થાય તેની પુખ્ત ગેરેંટી આપવામાં આવે. આ સાથે જ ઈરાને હુમલામાં થયેલા નુકસાન માટે વળતરની પણ માંગ કરી છે.
ખાડી દેશો પર હુમલાનો બચાવ
ઈરાની વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે તેહરાનની સૈન્ય કાર્યવાહી માત્ર અમેરિકી ઠેકાણાઓ સુધી જ સીમિત છે. તેમણે પડોશી આરબ દેશોના નાગરિક વિસ્તારો પર હુમલા કર્યા હોવાનો ઇનકાર કર્યો હતો. અરાઘચીએ આશંકા વ્યક્ત કરી હતી કે આરબ દેશો પર થયેલા હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ હોઈ શકે છે, જેથી ઈરાન અને આરબ દેશોના સંબંધો બગડે.
અરાઘચીનો સનસનીખેજ દાવો
અરાઘચીએ એવો પણ ચોંકાવનારો દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનના 'શાહિદ' ડ્રોન જેવું જ 'લુકાસ' નામનું નવું ડ્રોન બનાવ્યું છે, જેનો ઉપયોગ આરબ દેશોના ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો છે. તેમણે ચેતવણી આપી કે જો ઈરાનની ઓઈલ ફેસિલિટીઝ પર હુમલો થશે, તો ઈરાન આ ક્ષેત્રમાં સક્રિય અમેરિકી કંપનીઓ પર સીધો હુમલો કરશે.


