Ebo Enock False Flood Prediction : થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનાના એક વ્યક્તિ ‘એબો એનોકે’ પોતાને પયગંબર ગણાવી દાવો કર્યો હતો કે, ‘25 ડિસેમ્બરે ભયાનક પૂર આવશે, જેમાં આખી દુનિયાનો વિનાશ થઈ જશે.’ જોકે હવે તેની ભવિષ્યવાણીનું સૂરસૂરિયું નીકળી ગયું છે અને હવે તેણે નવો દાવો કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, એનોકે ભવિષ્યવાણી સામે આવ્યા બાદ હજારો લોકો તેની પાસે પહોંચી ગયા હતા.
એનોકની ભવિષ્યવાણી ખોટી પડી
એબો એનોકે દુનિયા ખતમ થવાની ભવિષ્યવાણી કરીને કહ્યું હતું કે, સતત ત્રણ વર્ષ સુધી વરસાદ પડશે અને જે લોકો તેમણે બનાવેલી ‘નુહની નાવ જેવા બનાવેલા વહાણ’માં આશરો લેશે, તેઓ જ બચી શકશે. જોકે ક્રિસમસના દિવસે કોઈપણ આવી ઘટના બની નથી.
વિનાશ રદ થયો નથી, માત્ર ટળ્યો છે : એનોકનો નવો દાવો
ત્યારબાદ એનોકે પોતાની ભવિષ્યવાણી બદલી નાખી છે. હવે તેણે નવો દાવો કર્યો છે કે, ‘વિનાશ રદ થયો નથી, માત્ર ટળી ગયો છે.’ તેણે કહ્યું છે કે, ‘ભગવાને બચવાનો સમય આપ્યો છે, જેથી તેઓ મિશન પૂરુ કરી શકે અને વધુમાં વધુ લોકો માટે વિશાળ વહાણ બનાવી શકે.’
ભવિષ્યવાણી હજારો લોકો પહોંચ્યા
એનોકે દાવો કર્યો છે કે, તેણે લાકડાના લગભગ 10 મોટા વહામ બનાવ્યા છે. એનોકની ભવિષ્યવાણીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ તેની વાત પર વિશ્વાસ કરી હજારો લોકોએ ઘાનાના એલમીના વિસ્તારમાં પહોંચી ગયા હતા. પુર આવે અને બચી શકાય તે માટે કેટલાક લોકો તો પોતાનું ઘર-પરિવાર છોડીને ત્યાં આવી ગયા હતા. જોકે હવે પૂર પર આવ્યું નથી અને વિનાશ પણ થયો નથી.
લોકોએ એનોકની વાત પર કેવી રીતે વિશ્વાસ કર્યો?
વાસ્તવમાં ઓગસ્ટમાં યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કરીને એનોકે કહ્યું હતું કે, તેને ભગવાનનો સંદેશ મળ્યો છે. તેણે દાવો કર્યો કે, 25 ડિસેમ્બરે સતત વરસાદ શરૂ થશે અને તેણે આ વરસાદને ઈશ્વરીય દર્શન પણ ગણાવ્યો હતો. એટલું જ નહીં તેણે લોકોને આર્ક (વહાણ) પાસે આવવા પણ કહ્યું હતું. ત્યારબાદ ઘાનાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે લોકો એનોક પર વિશ્વાસ કરવા લાગ્યા હતા. હવે તેની ભવિષ્યવાણીનું સૂરસૂરિયું નીકળી ગયું છે, જેના કારણે તેણે નવો વીડિયો શેર કર્યો છે.
એનોકે વીડિયો જાહેર કરીને નવો દાવો કર્યો
એનોકે નવા વીડિયોમાં કહ્યું છે કે, તેણે પાર્થના કરતા ભગવાને હાલ પુરતો વિનાશ ટાળીને સમય વધારી લીધો છે. તેણે એમ પણ કહ્યું કે, તમામ લોકો બચી શકે તે માટે વધુમાં વધુ વહાણો બનાવામાં આવશે. આ સાથે તેણએ એમ પણ કહ્યું કે, તે કોઈ ટિકિટ વેંચતો નથી અને કોઈની પાસે નાણાં પણ લઈ રહ્યો નથી.
ભવિષ્યવાણી ખોટી પડતા અનેક લોકો ગુસ્સે થયા
ભવિષ્યવાણી ખોટી પડ્યા બાદ અનેક લોકો ગુસ્સે થયા છે. એક વ્યક્તિની પત્ની અને પરિવાર ‘આર્ક’ પાસે રહેવા જતો રહ્યો હતો, જેના કારણે તે વ્યક્તિ નારાજ થઈને આર્કમાં આગ લગાવી દીધી હતી. ત્યારબાદ તેને ખબર પડી કે, તે આર્ક એનોકનું ન હતું.
આ પણ વાંચો : VIDEO: પ્લેનની સ્પીડથી દોડી ટ્રેન, ચીને તોડ્યો રેકોર્ડ
એનોકે લક્ઝરી કાર ખરીદતા વિવાદ
ચોંકનાવનારી વાત એ છે કે, એનોકે અનુયાયીઓના દાનથી લગભગ 89000 ડૉલર (લગભગ 80 લાખ રૂપિયા)ની એક લક્ઝરી મર્સિડીઝ કાર ખરીદી છે, જેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે. તેની તસવીર પણ વાયરલ થઈ છે. જોકે એનોક સતત કહી રહ્યો છે કે, તેણે કોઈની પણ પાસેથી નાણાં લીધા નથી. પરંતુ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો દાન લીધું નથી તો આટલી મોંઘી કાર કેવી રીતે ખરીદી?
આ પણ વાંચો : ભારતે ફરી વધાર્યું પાકિસ્તાનનું ટેન્શન, જાણો શું લીધો મોટો નિર્ણય


