Rare Earth elements: વૈશ્વિક રાજકારણમાં એક નવી અને વિરોધાભાસી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા ચીનના રેર અર્થ મિનરલ્સ (Rare Earth Minerals) પરના નિયંત્રણને રોકવા માટે ભારત અને યુરોપિયન દેશોનો સહયોગ ઈચ્છી રહ્યું છે, પરંતુ બીજી તરફ તેણે ભારત પર જ ભારે ટેરિફ (જકાત) લાદી રાખ્યો છે.
અમેરિકાના નાણાં મંત્રી સ્કૉટ બેસેન્ટે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'અમે ચીનના રેર અર્થ મિનરલ્સ પરના નિયંત્રણથી પોતાને અલગ રાખવા માટે ભારત અને યુરોપિયન દેશો પાસેથી સમર્થનની અપેક્ષા રાખીએ છીએ.' બેસેન્ટનું આ નિવેદન અમેરિકાની વર્તમાન વેપાર નીતિને જોતા વિરોધાભાસી માનવામાં આવી રહ્યું છે, કારણ કે અમેરિકાએ ભારત પર 50 ટકા જેટલો ટેરિફ લગાવેલો છે અને આ પહેલાં બેસેન્ટ પોતે પણ ભારત વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદનો આપી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશના ઢાકામાં કાપડાની ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં ભીષણ આગ
'આ ચીન VS વિશ્વ છે'
બેસેન્ટે ચીન પર યુદ્ધને ફંડિંગ આપવાનો અને આક્રમક પગલાં લેવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે આ મુદ્દાને 'વૈશ્વિક યુદ્ધ' તરીકે રજૂ કરતા કહ્યું હતું કે, 'આ ચીન VS વિશ્વ છે. ચીન કમાન્ડ-એન્ડ-કંટ્રોલ અર્થતંત્ર છે, અમે આવું થવા દઈશું નહીં. અમે અમારા સહયોગીઓ — યુરોપિયન દેશો, ભારત અને એશિયાના લોકશાહી દેશો પાસેથી પૂરતું વૈશ્વિક સમર્થન મળવાની આશા રાખીએ છીએ અને અમે ચીનને નિકાસ પ્રતિબંધો ચાલુ રાખવા દઈશું નહીં.'
તેમણે દાવો કર્યો હતો કે ચીન દ્વારા રેર અર્થ મિનરલ્સની નિકાસ પરનો પ્રતિબંધ માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ ખતરો છે.
ટેરિફ પર વિશ્લેષકોએ ધ્યાન દોર્યું
વાતચીત દરમિયાન વિશ્લેષકોએ બેસેન્ટને વિરોધાભાસ અંગે ધ્યાન દોર્યું હતું કે એક તરફ અમેરિકા ચીન પરના 100 ટકા ટેરિફને ટાળી રહ્યું છે, જ્યારે જે ભારત પાસેથી સહયોગની અપેક્ષા રાખે છે તેના પર ટેરિફ લાગુ છે. આ વિરોધાભાસને અવગણતા બેસેન્ટે કહ્યું કે, અમેરિકા અલગતા નહીં, પરંતુ જોખમ ઓછું કરવા (Risk Mitigation) માંગે છે. 'અમેરિકા ફર્સ્ટ' એજન્ડા હેઠળ મહત્ત્વપૂર્ણ ખનીજો, સેમિકન્ડક્ટર્સ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને દેશમાં પાછા લાવવાનું કામ થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં જાસૂસીની શંકા હેઠળ ભારતીય મૂળના એશ્લે ટેલિસની ધરપકડ, જાણો શું છે આરોપ
રેર અર્થ મિનરલ્સમાં ચીનનું પ્રભુત્વ અને ભારતની ક્ષમતા
મહત્ત્વ:
રેર અર્થ મેગ્નેટ્સ અમેરિકાની સૈન્ય ટેક્નોલોજીનો પાયો છે. તેનો ઉપયોગ F-35 ફાઇટર જેટ, ડ્રોન, મિસાઇલ અને એડવાન્સ રડાર સિસ્ટમ્સમાં થાય છે.
ચીનનો કબજો:
ચીન વિશ્વના લગભગ 60 ટકા ખનન અને 90 ટકા રેર અર્થ મિનરલ્સના રિફાઇનિંગ પર નિયંત્રણ ધરાવે છે. યુએસજીએસ (USGS) મુજબ, અમેરિકાનું લગભગ 70 ટકા રેર અર્થ મિનરલ્સ આયાત ચીનથી થાય છે.
ભારતની સ્થિતિ:
ભારતમાં રેર અર્થ મિનરલ્સનો મોટો ભંડાર ખાસ કરીને મોનાઝાઇટ, પરંતુ તેની પ્રક્રિયા અને શુદ્ધિકરણ ક્ષમતા ચીન કરતા ઘણી પાછળ છે. ભારત સ્વચ્છ ઊર્જા, સંરક્ષણ અને હાઇ-ટેક ઉત્પાદન માટે જરૂરી દુર્લભ પૃથ્વી ખનિજોનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે નેશનલ ક્રિટિકલ મિનરલ સ્ટોકપાઇલ (NCMS) શરૂ કરવાની યોજના ધરાવે છે. સરકારે આ કાર્યક્રમ માટે ₹5 બિલિયન (1.5 બિલિયન US ડૉલર) ફાળવ્યા છે જેથી કોઈપણ પુરવઠાના આંચકાને ઓછો કરી શકાય અને સ્થાનિક ઉદ્યોગોને સામગ્રીનો સતત પુરવઠો સુનિશ્ચિત કરી શકાય.


