Get The App

અમેરિકામાં જાસૂસીની શંકા હેઠળ ભારતીય મૂળના એશ્લે ટેલિસની ધરપકડ, જાણો શું છે આરોપ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં જાસૂસીની શંકા હેઠળ ભારતીય મૂળના એશ્લે ટેલિસની ધરપકડ, જાણો શું છે આરોપ 1 - image

Ashley Tellis USA news : ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્લેષક અને દક્ષિણ એશિયા નીતિ અંગે લાંબા સમય સુધી સલાહકાર રહેલા એશ્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવા અને ચીની અધિકારીઓ સાથે ગુપ્ત મુલાકાતો કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. જો તેઓ દોષિત સાબિત થશે, તો તેમને 10 વર્ષ સુધીની જેલ અને 2.5 લાખ (અંદાજે 2 કરોડથી વધુ) ડૉલર સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે.

વર્જિનિયાના ઘરેથી 'ટોપ સિક્રેટ' દસ્તાવેજો મળ્યા

અમેરિકન ન્યાય વિભાગ (US Justice Department) દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, 64 વર્ષીય ટેલિસના વર્જિનિયા સ્થિત ઘરેથી હજારો પાનાના 'ટોપ સિક્રેટ' અને 'સિક્રેટ' શ્રેણીના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એફબીઆઈ (FBI)ના અહેવાલ પ્રમાણે, ટેલિસ અગાઉ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બિન-વેતન સલાહકાર અને પેન્ટાગોનની 'ઑફિસ ઑફ નેટ અસેસમેન્ટ'ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમની ધરપકડ ગયા અઠવાડિયે થઈ હતી અને સોમવારે તેમને ઔપચારિક રીતે આરોપી જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ બંધકો મુક્ત ન થતાં ટ્રમ્પ ભડક્યાં, હમાસને કહ્યું હથિયાર છોડી દો નહીંતર અમે છોડાવી દઈશું

શું છે આરોપ? 

કોર્ટના રેકોર્ડ્સ દર્શાવે છે કે, સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2025માં ટેલિસે સંરક્ષણ (Defense) અને સ્ટેટ ડિપાર્ટમેન્ટની ઇમારતોમાંથી ગુપ્ત દસ્તાવેજો કાઢ્યા, તેની પ્રિન્ટ કાઢી અને તેને ઘરે લઈ ગયા હતા. સર્વેલન્સ ફૂટેજમાં તેમને એક લેધર બ્રીફકેસ સાથે ઇમારતમાંથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા. 11મી ઓક્ટોબરે એફબીઆઈએ જ્યારે તેમના ઘરે દરોડા પાડ્યા, ત્યારે આ ગુપ્ત ફાઇલો લોક્ડ ફાઇલિંગ કેબિનેટ, બેઝમેન્ટ ઑફિસના ટેબલ અને સ્ટોરેજ રૂમમાં રાખેલી કાળા રંગની કચરાપેટી (Trash Bags)માંથી મળી આવી હતી.

ભારત-અમેરિકા નીતિના જાણીતા વિશ્લેષક

એશ્લે ટેલિસ ભારતીય-અમેરિકન નીતિ ક્ષેત્રે એક જાણીતું નામ છે. તેઓ કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં સિનિયર ફેલો તરીકે પણ કાર્યરત છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમણે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ યુનિવર્સિટી ઑફ શિકાગોમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએ અને પીએચડીની ડિગ્રી મેળવી હતી. 2001થી તેઓ અમેરિકન સરકાર સાથે જોડાઈને રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પ્રશાસનને ભારત અને દક્ષિણ એશિયાની નીતિઓ પર સલાહ આપતા રહ્યા છે. તેઓ યુએસ-ઇન્ડિયા-ચાઇના પોલિસીના સૌથી પ્રભાવશાળી વિશ્લેષકોમાં ગણાય છે.

ચીની અધિકારીઓ સાથે ગુપ્ત મુલાકાતોએ મામલો ગૂંચવ્યો

આ કેસ વધુ પેચીદો ત્યારે બન્યો જ્યારે તપાસમાં સામે આવ્યું કે ટેલિસે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એફબીઆઈનો દાવો છે કે, 15મી સપ્ટેમ્બર 2025ના રોજ વર્જિનિયાના ફેયરફેક્સની એક રેસ્ટોરન્ટમાં ટેલિસ ચીની અધિકારીઓને મળ્યા હતા. તેમને એક મનીલા પરબિડીયું (એન્વેલપ) સાથે અંદર પ્રવેશતા અને પરબિડીયા વિના બહાર નીકળતા જોવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમેરિકા બાદ હવે બ્રિટન પણ વિઝા માટેના નિયમો અને અંગ્રેજીની પરીક્ષા આકરી બનાવશે

ચીન સાથે સાંઠગાંઠના આરોપ 

વધુમાં, એપ્રિલ 2023માં વૉશિંગ્ટન ડી.સી.ના ઉપનગરમાં યોજાયેલી ડિનર મીટિંગ દરમિયાન, નજીકમાં બેઠેલા લોકોએ સાંભળ્યું હતું કે ટેલિસ અને ચીની પ્રતિનિધિ ઈરાન-ચીન સંબંધો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તકનીકો પર ચર્ચા કરી રહ્યા હતા. એફબીઆઈના દસ્તાવેજોમાં એવો પણ ઉલ્લેખ છે કે, 2જી સપ્ટેમ્બરે ટેલિસને ચીની અધિકારીઓ તરફથી એક 'ગિફ્ટ બેગ' મળી હતી.

અમેરિકાની સુરક્ષા માટે ગંભીર જોખમ

યુએસ એટર્ની લિન્ડસે હૉલિગને આ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, "અમેરિકાની જનતાને દરેક વિદેશી કે ઘરેલુ ખતરાથી બચાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ કેસમાં લગાવવામાં આવેલા આરોપો આપણા નાગરિકોની સુરક્ષા માટે એક ગંભીર જોખમ દર્શાવે છે." ટેલિસ પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત માહિતીની ગેરકાયદેસર માલિકીનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેણે અમેરિકાના રાજકીય અને સુરક્ષા વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.