Bangladesh Fire news: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ. અહીં એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 16 મજૂરોના કરુણ મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે ફેલાઈ આગ?
ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ કેમિકલ વેરહાઉસમાં લાગી હતી અને ત્યારબાદ તે નજીકની ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. આગની શરૂઆત શાહ આલમ કેમિકલ વેરહાઉસમાં થઈ હતી અને ત્યાર બાદ તે એનર ફેશન ગારમેન્ટ્સ ફેક્ટરી સુધી પહોંચી હતી.
આ પણ વાંચોઃ અમેરિકામાં જાસૂસીની શંકા હેઠળ ભારતીય મૂળના એશ્લે ટેલિસની ધરપકડ, જાણો શું છે આરોપ
ફાયરબ્રિગેડે આપી માહિતી
ફાયર સર્વિસના પ્રવક્તા અનવરુલ ઇસ્લામે જણાવ્યું કે, 'સર્ચ ઓપરેશન દરમિયાન માત્ર ગારમેન્ટ ફેક્ટરીમાંથી જ 16 મૃતદેહો મળી આવ્યા છે. ફેક્ટરીમાંથી આગ ઓલવી દેવામાં આવી છે, પરંતુ કેમિકલ વેરહાઉસમાં આગ હજુ પણ ચાલુ છે.'
ઝેરી ગેસથી મૃત્યુની આશંકા, DNA ટેસ્ટથી ઓળખ થશે
ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના ડિરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ તાજુલ ઇસ્લામ ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતદેહોની હાલત એટલી ભયાનક છે કે તેમની ઓળખ હાલમાં ડીએનએ ટેસ્ટ દ્વારા જ શક્ય બની શકશે. તમામ મૃતદેહોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે સંભવતઃ તમામ મૃતકો ઝેરી ગેસ શ્વાસમાં લેવાના કારણે મૃત્યુ પામ્યા છે. તેમણે અનુમાન વ્યક્ત કર્યું કે, 'આગની શરૂઆત કેમિકલ વિસ્ફોટથી થઈ હશે, જેનાથી ઝેરી ગેસ ફેલાઈ ગયો અને ઘણા લોકોનું તરત જ મૃત્યુ થયું.'
આ પણ વાંચોઃ બંધકો મુક્ત ન થતાં ટ્રમ્પ ભડક્યાં, હમાસને કહ્યું હથિયાર છોડી દો નહીંતર અમે છોડાવી દઈશું
છત પરનો દરવાજો બંધ હતો
મૃતકો બીજા અને ત્રીજા માળ વચ્ચે ફસાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગની છત ટીન અને નળિયાની બનેલી હતી અને છત પર જવાના રસ્તે બે તાળા લાગેલા હોવાથી બંધ હતો. ઝેરી ગેસ અને અચાનક લાગેલી આગને કારણે લોકો બેભાન થઈ ગયા અને તરત જ મૃત્યુ પામ્યા. ચૌધરીએ માહિતી આપી કે કેમિકલ વેરહાઉસમાં 6 થી 7 પ્રકારના રસાયણોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને હાલમાં પણ ત્યાં પ્રવેશ કરવો ખૂબ જોખમી છે. બચાવ કામગીરી માટે ડ્રોન અને લૂપ મોનિટર જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મુખ્ય સલાહકાર યુનુસે તપાસના આદેશ આપ્યા
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. ફાયર સર્વિસને સવારે 11:40 વાગ્યે આગની જાણ થઈ હતી અને 12 ફાયર ફાઇટિંગ યુનિટ્સ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.


