'પહલગામ હુમલાના ગુનેગારોને સજા આપો', આંતકવાદ વિરુદ્ધ QUADની 'એકતા'
QUAD Foreign Minister Meeting: QUAD દેશો એટલે કે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ બુધવારે એક સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. આ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ આ ઘટનાને નિંદનીય ગણાવી હતી.
ક્વાડના વિદેશ મંત્રીઓએ પહલગામ હુમલાની કરી નિંદા
ક્વાડના વિદેશ મંત્રીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ક્વાડ સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાની નિંદા કરે છે. અમે તેના તમામ સ્વરૂપોમાં નિંદા કરીએ છીએ અને આતંકવાદ સામે લડવામાં સહયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. અમે 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ, જેમાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા.'
નિવેદનમાં પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તમામ ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા રાખીએ છીએ. અમે માંગ કરીએ છીએ કે આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો અને નાણાકીય સહાયકોને કોઈપણ વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવવામાં આવે અને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ તેમની જવાબદારીઓ અનુસાર આ સંદર્ભમાં તમામ સંબંધિત અધિકારીઓ સાથે સક્રિયપણે સહયોગ કરવા હાકલ કરીએ છીએ.'
આ પણ વાંચો: દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર
છેલ્લા કેટલાક મહિનામાં આપણે ક્વાડ પહેલમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે: એસ. જયશંકર
વોશિંગ્ટનમાં ક્વાડ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે કહ્યું હતું કે, 'આપણે બધા ખુલ્લા અને સ્વતંત્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને પસંદગીની સ્વતંત્રતા હોવી જોઈએ જેથી તેઓ વિકાસ અને સુરક્ષા અંગે યોગ્ય નિર્ણયો લઈ શકે. છેલ્લા કેટલાક મહિનામાં આપણે ક્વાડ પહેલમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.'
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, 'દુનિયાએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ દાખવવું જોઈએ. આતંકવાદનો ભોગ બનેલા લોકોની સરખામણી ક્યારેય આતંક ફેલાવનારાઓ સાથે ન કરવી જોઈએ. ભારતને તેના લોકોનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને અમે આ અધિકારનો ઉપયોગ કરીશું.'