Get The App

દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
Dalai Lama successor


Will the Dalai Lama Announce His Successor on 90th Birthday? : તિબેટના 14મા દલાઈ લામા 6 જુલાઈના રોજ 90 વર્ષના થઈ રહ્યા છે. વિશ્વના સૌથી જાણીતા બૌદ્ધ સાધુ તેમના જન્મદિવસ નિમિત્તે તેમના અનુગામીની પસંદગીની યોજના જાહેર કરે એમ હોવાથી, સમગ્ર વિશ્વનું ધ્યાન આ તિબેટના આધ્યાત્મિક નેતા પર કેન્દ્રિત છે. તિબેટને ગળી ગયેલું ચીન હવે બૌદ્ધ લામાની પસંદગીની સદીઓ જૂની પુનર્જન્મ પ્રક્રિયાને પણ નિયંત્રિત કરવાની મહેચ્છા રાખતું હોવાથી આ મુદ્દો ફક્ત આધ્યાત્મિક નથી રહ્યો, પરંતુ એક જટિલ ભૂરાજકીય સંઘર્ષ બની જાય એમ છે. 

દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર 2 - image

દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર 3 - image

દલાઈ લામાની પસંદગી કેવી રીતે કરાય છે? 

- દલાઈ લામાના અનુગામીની પસંદગીની પ્રક્રિયા આધ્યાત્મિક પરંપરા પ્રમાણે છે. નવા દલાઈ લામાની શોધ માટે તિબેટના બૌદ્ધ સાધુઓ દ્રષ્ટિકોણ, ચિહ્નો અને સપનાંના અર્થઘટનનો આધાર લે છે.

- સૌપ્રથમ વરિષ્ઠ સાધુઓ મૃત દલાઈ લામાના શરીરમાં સંકેત શોધવાનો પ્રયાસ કરે છે. ઉદાહરણ તરીકે 13મા દલાઈ લામાના મૃત્યુ પછી તેમને સૂવડાવ્યા હતા, ત્યારે તેમનું માથું શરૂઆતમાં દક્ષિણ તરફ હતું, પરંતુ પછી માથું પૂર્વ દિશા તરફ ફેરવાઈ ગયું હતું. એ ઘટનાને એક સંકેત તરીકે લઈને તેનું અર્થઘટન એવું કરાયું કે દલાઈ લામાનો પુનર્જન્મ પૂર્વ દિશામાં થશે.

- ત્યાર પછી વરિષ્ઠ સાધુઓ તિબેટમાં આવેલા પવિત્ર ગણાતા 'લામોઈ લાત્સો' તળાવના દર્શન કરવા જાય છે. એવું મનાય છે કે, આ તળાવ દલાઈ લામાના પુનર્જન્મના સ્થાન વિશે સંકેત આપે છે.

- દલાઈ લામાના સંભવિત પુનર્જન્મ લાગતા બાળકે શ્રેણીબદ્ધ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. જેમાં તેને અગાઉના દલાઈ લામા દ્વારા વપરાયેલી ચીજ-વસ્તુઓને ઓળખવાનું કહેવાય છે. જો બાળક એમ કરવામાં સફળ થાય તો તેને નવા દલાઈ લામા તરીકે સ્વીકારી લેવાય છે. વર્તમાન દલાઈ લામા ફક્ત બે વર્ષની વયે આ રીતના પરીક્ષણોમાં પાસ થઈને વરણી પામ્યા હતા.

- આ પ્રક્રિયામાં વર્ષો લાગી શકે છે. યોગ્ય બાળક ન મળતા ઘણીવાર નેતૃત્વ શૂન્યાવકાશ પણ સર્જાય છે.

દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર 4 - image

વર્તમાન દલાઈ લામાએ આજીવન સંઘર્ષ કર્યો 

વર્ષ 1950માં ચીને તિબેટ હડપી લીધું હતું, પરંતુ તિબેટની પ્રજા આજે પણ પોતાને ચીનનો હિસ્સો માનવા તૈયાર નથી. તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ એવા 14મા દલાઈ લામાએ 1959માં ચીનના સામ્યવાદી શાસન સામે બળવો કરવાનો  પ્રયાસ કર્યો હતો. તેમાં નિષ્ફળ જતાં તેઓ ભાગીને ભારત આવી ગયા હતા. ચીનની સ્પષ્ટ નારાજગી છતાં ભારતે તેમને શરણ આપી હતી. ત્યારથી દલાઈ લામા હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રહે છે. તેઓ આજીવન તિબેટિયન સ્વાયત્તતાની હિમાયત કરતા રહ્યા છે. અહિંસા, કરુણા અને ધાર્મિક સહિષ્ણુતાના વૈશ્વિક પ્રતિક બની ગયેલા દલાઈ લામાને 1989માં  નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમણે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા અને માનવ અધિકાર જેવા ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 

દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર 5 - image

દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર 6 - image

આગામી દલાઈ લામા બાબતે વર્તમાન દલાઈ લામાના વિચારો શું છે? 

- ‘વૉઈસ ફોર ધ વૉઈસલેસ’માં 14મા દલાઈ લામાએ લખ્યું છે કે, આગામી દલાઈ લામા ‘મુક્ત વિશ્વ’ એટલે ચીનની સામ્યવાદી સરહદોની બહારના વિશ્વમાં જન્મ લેશે. તેમનું કહેવું છે કે મુક્ત વિશ્વમાં જન્મેલા દલાઈ લામા જ દયા અને સેવાની તિબેટિયન પરંપરા નિષ્પક્ષ રીતે આગળ ધપાવી શકશે. 

- પરંપરાગત રીતે તો વર્તમાન દલાઈ લામાના દેહાંત પછી નવા દલાઈ લામાની શોધ શરૂ થાય છે, પણ ચીનની દખલ રોકવા માટે વર્તમાન દલાઈ લામા તેમના મૃત્યુ પહેલા જ તેમના ઉત્તરાધિકારીની શોધ કરીને એની જાહેરાત કરી દેવાની શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે.

- વર્તમાન દલાઈ લામા એવું પણ કહી ચૂક્યા છે કે, ‘નવા દલાઈ લામા એક મહિલા હોય એવું પણ બની શકે.’ 

- તેઓ એમ પણ કહી ચૂક્યા છે કે, જો તિબેટના લોકો ‘દલાઈ લામા પરંપરા’નો અંત લાવવાનું નક્કી કરે તો પણ કોઈ વાંધો નથી.

દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર 7 - image

ચીન શા માટે દલાઈ લામાની પસંદગીમાં હસ્તક્ષેપ કરે છે?

ચીન વર્તમાન દલાઈ લામાને અલગતાવાદી તરીકે જુએ છે. ચીનને લાગે છે કે પરંપરાગત રીતે પસંદ કરાયેલા દલાઈ લામા પણ વર્તમાન દલાઈ લામાની જેમ તિબેટની સ્વાયત્તતા માટે લડત આપતાં રહેશે. તેથી આગામી દલાઈ લામાની પસંદગી ચીન પોતાની રીતે કરવા માંગે છે. એમ થાય તો નવા દલાઈ લામા ચીનના કહ્યાગરા બની રહે અને ચીન તિબેટને કાબૂમાં રાખી શકે. ચીન દલાઈ લામાની પસંદગીને પોતાના સાર્વભૌમત્વ સાથે જોડી રહ્યું છે. 

ચીને અન્ય બૌદ્ધ સાધુને પંચેન લામા તરીકે પસંદ કરી લીધા છે 

તિબેટિયન બૌદ્ધ ધર્મમાં બીજા ક્રમના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતાને પંચેન લામા કહેવાય છે, જે આગામી દલાઈ લામાને ઓળખવામાં ભાગ ભજવનારી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ પૈકીના એક છે. ચીને પહેલાથી જ પોતાની અનુકૂળતા મુજબના પંચેન લામાની પસંદગી કરી લીધી છે, જેથી નવા દલાઈ લામાની પસંદગી કરતી વખતે ચીન મનમાની કરી શકે. 

દલાઈ લામા 90મા જન્મદિવસે ઉત્તરાધિકારી પસંદ કરશે? સદીઓ જૂની આ પરંપરા ખતમ કરવા ચીન આતુર 8 - image

તિબેટના મઠો પર ચીને લાદેલા નિયમો 

ચીન દાયકાઓથી તિબેટિયન બૌદ્ધ પરંપરા પર નિયંત્રણ વધારતું આવ્યું છે. અમુક ઉદાહરણો જોઈએ.

- 1990ના દાયકાથી ચીને બૌદ્ધ મઠોમાં ‘દેશભક્તિ શિક્ષણ’ ફરજિયાત કર્યું છે. શિષ્યોને આધ્યાત્મિક જ્ઞાન સાથે ચીનની રાષ્ટ્રભક્તિ પણ ફરજિયાત શીખવાય છે. 

- ચીને મઠોમાં દલાઈ લામાની તસવીરોને પ્રતિબંધિત કરી છે. તેમની છબિ રાખવી કાયદાકીય ગુનો ગણાય છે. 

- આ મઠોમાં સાધુઓ, શિષ્યો અને બૌદ્ધ ભક્તો પર ચાંપતી નજર રાખવા માટે ચીને ઠેર ઠેર સીસીટીવી કેમેરા તથા સુરક્ષા દળો તહેનાત કર્યા છે. 

ચીનની મહત્ત્વાકાંક્ષા ભૂરાજકીય સંઘર્ષ સર્જશે?

દલાઈ લામાની પસંદગીમાં ચીનની ચંચુપાત દુનિયાના અન્ય દેશોને ગમતી નથી. જ્યાં બૌદ્ધધર્મીઓની વસ્તી મોટી માત્રામાં છે એવા ભારત અને જાપાન જેવા દેશો તો ચીનના હસ્તક્ષેપ વિરુદ્ધ છે જ, પણ અમેરિકા જેવા અમેરિકાએ પણ આ મુદ્દે અણગમો દર્શાવ્યો છે. ચીનના પ્રયાસો તિબેટિયન સાંસ્કૃતિક પરંપરા અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન હોવાનું માનતું અમેરિકા તો એવી ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યું છે કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયામાં ચીન સરકાર કોઈ પણ દખલગીરી કરશે, તો તેણે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. એટલે લાગી રહ્યું છે કે આ મડાગાંઠ ચીન-તિબેટ પૂરતી ન રહેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર સંઘર્ષનું કારણ બની જશે.

Tags :