Get The App

રશિયા અંગે NATOના ભડકાઉ નિવેદનથી ભડક્યા પુતિન, કહ્યું- ‘અમારાથી કોઈ ખતરો નહીં’, યુક્રેનને પણ આપી ધમકી

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
રશિયા અંગે NATOના ભડકાઉ નિવેદનથી ભડક્યા પુતિન, કહ્યું- ‘અમારાથી કોઈ ખતરો નહીં’, યુક્રેનને પણ આપી ધમકી 1 - image


Russia’s Stark Warning to NATO and Ukraine : રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા સંઘર્ષે વચ્ચે ભયાનક સ્થિતિ ઉભી થઈ છે. NATOના મહાસચિવ માર્ક રુટ્ટેએ તાજેતરમાં આપેલા એક નિવેદન બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થયા છે અને તેમણે પશ્ચિમી દેશોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રુટ્ટેએ યુરોપિયન દેશોને બીજા વિશ્વ યુદ્ધ જેવા મોટા યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપતા જ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધ્યો છે.

પશ્ચિમ દેશોના નેતાઓ રશિયા વિરુદ્ધ જુઠાણું ફેલાવી રહ્યા છે : પુતિન

નાટો ચીફના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપ્રમુખ પુતિને (Russia President Vladimir Putin) પશ્ચિમી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. પુતિને કહ્યું કે, ‘યુરોપના નાગરિકોના મનમાં રશિયા પ્રત્યે ડર પેદા કરવો તે પશ્ચિમી નેતાઓનો એક ઉન્માદ અને સંપૂર્ણ જુઠ્ઠાણું છે. રશિયા તરફથી યુરોપિયન દેશો પર કોઈ કાલ્પનિક ખતરો હોવાની વાત તદ્દન બકવાસ છે.’ પુતિન મુજબ, પશ્ચિમી નેતાઓ જાણીજોઈને રશિયા વિરુદ્ધ ડર ફેલાવી રહ્યા છે જેથી તેઓ પોતાની જનતાનું ધ્યાન અન્ય મુદ્દાઓ પરથી ભટકાવી શકે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પ્રત્યે પ્રેમ ઉભરાયો, જાણો શું કહ્યું

પુતિનની યુક્રેનને ધમકી, વિસ્તારો કબજે કરી લઈશું

પુતિને પશ્ચિમી દેશોની સાથે સાથે યુક્રેનને પણ આકરી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘જો યુક્રેન અને તેના વિદેશી મિત્રો શાંતિ વાટાઘાટોમાં જોડાવાનો ઈનકાર કરશે અથવા જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો રશિયા તેના સૈન્ય બળનો ઉપયોગ કરીને તે તમામ વિસ્તારોને પોતાના અંકુશમાં લઈ લેશે જેના પર તે દાવો કરે છે.’ નોંધનીય છે કે રશિયા હાલમાં યુક્રેનના 19 ટકાથી વધુ હિસ્સા પર પોતાનું નિયંત્રણ હોવાનો દાવો કરી રહ્યું છે અને તે ડોનબાસ ક્ષેત્રના બાકીના હિસ્સાને પણ છોડવા તૈયાર નથી.

આ પણ વાંચો : ભારત બાદ તાલિબાને વધાર્યું પાકિસ્તાનનું ટેન્શન, જાણો શું લીધો નિર્ણય

નાટો મહાસચિવનું વિવાદાસ્પદ નિવેદન

બર્લિનમાં આપેલા ભાષણમાં માર્ક રુટ્ટેએ કહ્યું હતું કે ‘નાટોના સહયોગી દેશો રશિયાના ખતરાની ગંભીરતાને હજુ પણ સમજી રહ્યા નથી. હવે આગામી સમયમાં આપણે રશિયાના નિશાને છે. મને ડર છે કે, ઘણા લોકો ચુપચા આત્મસંતુષ્ટ છે. ઘણા લોકો સ્થિતિને ગંભીરતાથી લેતા નથી. કેટલાક લોકો માને છે કે, સમય આપણા પક્ષમાં છે, પરંતુ આવું નથી, હવે કાર્યવાહી કરાવનો સમય આવી ગયો છે. સંઘર્ષ આપણા દરવાજે આવી ગયું છે. રશિયાએ યુરોપમાં યુદ્ધ પાછું લાવી દીધું છે, તેથી આપણે તૈયાર રહેવું જોઈએ. યુરોપિયન દેશોએ સંરક્ષણ પાછળનો ખર્ચ વધારવો જોઈએ અને હથિયારોનું ઉત્પાદન પણ ઝડપી વધારવું જોઈએ. નાટોએ તે મોટા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ, જેનો સામનો આપણા દાદા-દાદી અથવા પરદાદા-પરદાદીએ કર્યો હતો.’

રશિયાની ધમકી બાદ મોટા યુદ્ધના ભણકારા

આ નિવેદનબાજી એવા સમયે આવી છે જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ યુદ્ધનો અંત લાવવાની વાતો ચાલી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી પણ અમેરિકા સાથે સંભવિત સમજૂતી અંગે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ જો ચર્ચા નિષ્ફળ જાય અને રશિયા સૈન્ય તાકાતથી નવા વિસ્તારો કબજે કરવા આગળ વધે, તો નાટો અને રશિયા વચ્ચે સીધો સંઘર્ષ થઈ શકે છે. આગામી દિવસોમાં યુરોપની સુરક્ષા વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવી શકે છે અને સંરક્ષણ સ્પર્ધામાં તેજી આવવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો : ભારતે બાંગ્લાદેશના ઢાકામાં વિઝા સેન્ટર બંધ કર્યું, જાણો કારણ