‘અમેરિકા સાથેના કરારની સમાપ્તિ બાદ પણ રશિયા પરમાણુ હથિયાર મર્યાદાઓનું પાલન કરશે', પુતિનની જાહેરાત
Russia And America Nuclear Pact : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાને રાહત આપતી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘રશિયા અને અમેરિકા વચ્ચેનો પરમાણુ હથિયાર સંબંધીત 'ન્યુ સ્ટાર્ટ કરાર’ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, જોકે તેમ છતાં અમે આ કરાર આગામી એક વર્ષ સુધી ચાલુ રાખીશું.’ આમ રશિયાએ કરારનું પાલન કરવાનો નિર્ણય લીધો છે.
અમેરિકા પણ કરારની મર્યાદાનું પાલન કરશે, પુતિનને આશા
રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને (Russia President Vladimir Putin) આજે સુરક્ષા પરિષદના સભ્યો સાથેની બેઠક યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, જો ન્યુ સ્ટાર્ટ કરાર (New START Treaty) સમાપ્ત થઈ જશે તો વૈશ્વિક સ્થિરતા પર નકારાત્મક અસર પડશે. તેમણે આશા વ્યક્ત કરી કે, અમેરિકા પણ આ કરારની મર્યાદાઓનું પાલન કરશે.
2010માં કરાયો હતો ન્યુ સ્ટાર્ટ કરાર
આ કરાર પર આઠ એપ્રિલ-2010ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ પાંચ ફેબ્રુઆરી-2011ના રોજ અમલમાં આવ્યો હતો. ત્યારબાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવ વચ્ચે બેઠક યોજાયા બાદ કરારને ફેબ્રુઆરી-2021માં પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ મુદત ચોથી ફેબ્રુઆરી-2026ના રોજ સમાપ્ત થવાની છે.
કરારમાં પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરવાની પણ જોગવાઈ
આ કરાર હેઠળ બંને દેશો 1550થી વધુ પરમાણુ હથિયારો અને 700થી વધુ મિસાઇલ તથા બોમ્બર્સ તૈનાત કરી શકતા નથી. આ કરારમાં પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરવાની જોગવાઈ પણ સામેલ છે પરંતુ 2020થી આ પ્રક્રિયા નિષ્ક્રિય પડી છે.
પુતિને 2023માં કરાર સસ્પેન્ડ કર્યો હતો
રાષ્ટ્રપ્રમુખ પુતિને ફેબ્રુઆરી 2023માં કરારમાં રશિયાની ભાગીદારીને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, જ્યારે અમેરિકા અને તેના NATO સહયોગીઓએ યુક્રેન સામે લડી રહેલા રશિયાને હરાવવા માટે ખુલ્લેઆમ લક્ષ્ય જાહેર કર્યું છે, ત્યારે રશિયા અમેરિકાને તેના પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરવા દેશે નહીં. મોસ્કોએ કહ્યું હતું કે, તેઓ કરાર સંપૂર્ણ છોડી દેવાના નથી, પરંતુ તેઓ પરમાણુ હથિયારોની નિર્ધારિત મર્યાદાનું સન્માન કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો : તાલિબાને અફઘાનિસ્તાનના એરબેઝ મામલે ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી આપી, જાણો મામલો