‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશું તે સ્વદેશી’
PM Modi Letter ON GST 2.0 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખુલ્લો પત્ર લખીને દેશવાસીઓને નવરાત્રિની શુભકામના પાઠવી છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ વર્ષ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આ સાથે તેમણે GST સુધારાઓથી દેશને થનારા ફાયદાઓ વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, નવા GST સુધારાઓથી દરેક ઘરમાં બચત વધશે અને વેપારીઓને પણ ફાયદો થશે. આ તહેવારોના માહોલમાં તેમણે દરેક ભારતીયને ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનોનો વધુ ઉપયોગ કરવાની અપીલ કરી છે.
સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ
તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘જ્યારે તમે દેશના કારીગરો, મજૂરો અને ઉદ્યોગો દ્વારા બનાવેલી ચીજ-વસ્તુઓ ખરીદો છો, ત્યારે તમે રોજગારને પ્રોત્સાહન આપવાની સાથે લાખો પરિવારોની આજીવિકા પણ વધારો છો. હું દુકાનદારો અને વેપારીઓને અપીલ કરું છું કે, તેઓ ‘મેડ ઇન ઈન્ડિયા’ ચીજ-વસ્તુઓ જ વેચે અને ગર્વથી કહે કે, જે ખરીદશે તે સ્વદેશી, જે વેચશે તે સ્વદેશી.’
જીએસટી બચત ઉત્સવની શરૂઆત
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘22 સપ્ટેમ્બરથી GST-2.0 લાગુ થઈ ગયો છે. આનાથી ટેક્સેશન સિસ્ટમ વધુ સરળ બનશે. આ નવા ફેરફારને તેમણે જીએસટી બચત ઉત્સવ નામ આપ્યું છે અને કહ્યું કે, નવા સુધારાઓનો ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, ગરીબો, મધ્યમવર્ગ, વેપારીઓ અને એમએસએમઈને ફાયદો થશે.’
બે સ્લેબ, વધુ બહચત
તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘હવે પાંચ ટકા અને આઠ ટકાના બે મુખ્ય ટેક્સ સ્લેબ હશે. દૈનિક જીવનની વસ્તુઓ જેવી કે ખોરાક, દવાઓ, સાબુ, ટૂથપેસ્ટ અને વીમો ટેક્સ-ફ્રી હશે અથવા પાંચ ટકાના સ્લેબમાં આવશે. અગાઉ જે પ્રોડક્ટ પર 12 ટકા જીએસટી હતો, તેમાંથી મોટાભાગની પ્રોડક્ટ પાંચ ટકા પર આવી ગઈ છે.
2.5 લાખ કરોડની બચત થશે
તેમણે કહ્યું કે, ‘આવકવેરામાં ઘટાડો અને GST સુધારાઓના કારણે લોકોને વાર્ષિક લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની બચત થશે, જેની સીધી અસર તેમના ઘરના ખર્ચમાં થશે. લોકો માટે ઘર બનાવવું, વાહન ખરીદવું, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લેવી અથવા પારિવારિક રજાઓ પર જવું સરળ બનશે. આનાથી લોકોની ખરીદ શક્તિ વધશે.