Get The App

‘ઇતિહાસમાંથી કંઈક શીખો...', બગરામ એરબેઝ મામલે તાલિબાનની ટ્રમ્પને ચેતવણી

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
‘ઇતિહાસમાંથી કંઈક શીખો...', બગરામ એરબેઝ મામલે તાલિબાનની ટ્રમ્પને ચેતવણી 1 - image


America-Taliban Controversy : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ પર કબજો જમાવવા ઇચ્છે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, ‘જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ અમેરિકાને પરત નહીં કરે તો તેના ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે.’ ત્યારે હવે આ ધમકી બાદ તાલિબાન ભડક્યું છે અને અમેરિકાને ચેતવણી આપી છે.

અમેરિકા અમારા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે : તાલિબાન

તાલિબાને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘અમે અમારા દેશના આંતરિક મામલાઓમાં કોઈ પ્રકારનું હસ્તક્ષેપ સ્વીકારશે નહીં, ખાસ કરીને અમેરિકાનો તો બિલકુલ નહીં. આમ તો અમારી વિદેશ નીતિ સંતુલિત અને અર્થવ્યવસ્થાને આધારિત છે. અમે તમામ દેશો સાથે રચનાત્મક સંબંધો ઈચ્છીએ છીએ. જોકે અમે અમારી જમીનમાંથી એક ઇંચ પણ કોઈને નહીં આપીએ.’ તાલિબાને ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘તેમણે અફઘાનિસ્તાનનો જૂનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ.’

તાલિબાનની અમેરિકાને સીધી ધમકી

તાલિબાન સરકારે બગરામ એરબેઝ પર કબજો જમાવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યા બાદ અફઘાનના વિદેશ મંત્રી મુત્તાકીએ પણ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી છે. આ ઉપરાંત તાલિબાનના મુખ્ય પ્રવક્તા જબીહઉલ્લા મુજાહિદે (Zabihullah Mujahid) ટ્રમ્પના નિવેદને રદીયો આપી દીધો છે અને કહ્યું છે કે, કહ્યું છે કે, ‘અમારા માટે અફઘાનિસ્તાનની સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતા સૌથી મહત્ત્વની છે.’

તેમણે દોહા કરારનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ‘કરાર હેઠળ અમેરિકાએ વચન આપ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનની રાજકીય સ્વતંત્રતા અથવા પ્રાદેશિક અખંડિતતા વિરુદ્ધ બળનો ઉપયોગ નહીં કરે અને આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ પણ નહીં કરે.’

તાલિબાનના મતે, જો અમેરિકા રાજદ્વારી સંબંધો હેઠળ ખાણકામ, કૃષિ વગેરેમાં રોકાણ અને દ્વિપક્ષીય વેપાર ઇચ્છે છે, તો તેમનું સ્વાગત છે. પરંતુ જો તેઓ કોઈ લાલચી મહત્ત્વાકાંક્ષા રાખશે તો તેમણે બ્રિટિશ આક્રમણથી લઈને તાજેતરના અમેરિકન કબ્જા સુધીનો અફઘાનિસ્તાનનો ઇતિહાસ ફરીથી જોવો જોઈએ. બધું જ સ્પષ્ટ છે, તેમને ઘણું બધું શીખવા મળશે.’

આ પણ વાંચો : '...નહીંતર ગંભીર પરિણામ ભોગવવા પડશે', પાકિસ્તાન પર કેમ ભડક્યું અફઘાનિસ્તાન?

ટ્રમ્પ કેમ બગરામ એરબેઝ ઇચ્છે છે? 

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) કહ્યું હતું કે, ‘અમે હાલમાં અફઘાનિસ્તાન સાથે વાત કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં બગરામ એરબેઝને અમારા નિયંત્રણ હેઠળ ઇચ્છીએ છીએ. જો અફઘાનિસ્તાન અમારી વાત નહીં માને તો તમને ખબર પડશે કે હું શું કરીશ.’ અગાઉ, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ચીન પર નજર રાખવા માટે કાબુલ નજીક એક મુખ્ય અફઘાન એરબેઝ ફરીથી કબજે કરવાની યોજના બનાવી રહ્યું છે.

શું છે બગરામ એરબેઝનો મુદ્દો?

પરવાન પ્રાંતમાં આવેલું બગરામ એરબેઝ (Bagram Airbase) અફઘાનિસ્તાનનું સૌથી મોટું ઍરપોર્ટ છે, જે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વનું છે. આ ઍરપોર્ટ પરવાન, કાબુલ, કંધાર અને બામિયાન જેવા મોટા શહેરો સાથે જોડાયેલું છે, જેના કારણે ઍરપોર્ટને અફઘાનિસ્તાનની ચાવી માનવામાં આવે છે. આ ઍરપોર્ટ 1950ના દાયકામાં સોવિયત સંઘ દ્વારા બનાવાયું હતું. ત્યારથી અમેરિકા અને સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાં પોતાની અસર વધારવાની લ્હાયમાં લાગ્યા હતા. 11 સપ્ટેમ્બર-2001 બાદ અમેરિકાએ તાલિબાન શાસનને ઉથલાવી દીધું હતું અને આ એરબેઝ પર કબ્જો કરી લીધો હતો. ત્યારથી અમેરિકાએ ઍરપોર્ટને વધુ વિકસિત બનાવી દીધું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અહીં ઉપયોગ ન થતા હેંગર્સમાં કેદીઓને રાખવામાં આવતા હતા, તેથી તેને યાતનાઓનું કેન્દ્ર પણ મનાતું હતું.

આ પણ વાંચો : 'અમેરિકાની શરતો માની લઈશું તો અર્થતંત્ર જ ડૂબી જશે...' દ.કોરિયાના પ્રમુખનું મોટું નિવેદન

Tags :