VIDEO: કોનો ફોન ઉઠાવવા ચાલુ કાર્યક્રમ છોડી નીકળ્યા પુતિન, કહ્યું- જવાબ નહીં આપું તો ખોટું લાગી જશે
Vladimir Putin Phone Call: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ગુરુવારે એક મહત્ત્વની લાંબી ટેલિફોનિક વાત થઈ, જેમાં યુક્રેન યુદ્ધ અને ઈરાન સહિત કેટલાક વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થઈ હતી. પરંતુ આ વાતચીત પહેલા એવી એક ઘટના બની જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ટ્ર્મ્પનો ફોન આવ્યો ત્યારે પુતિન એક ખાસ જાહેર કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, પરંતુ તેમણે વાતચીતને અધવચ્ચે રોકીને ટ્રમ્પ સાથે વાત કરવા માટે મંચ પરથી વિદાય લીધી હતી.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી 48 કંપનીઓ ગાઝા નરસંહારમાં ભાગીદાર? UNમાં રજૂ રિપોર્ટથી ખળભળાટ
ટ્રમ્પને રાહ જોવડાવવી યોગ્ય નથી : પુતિન
પુતિને રમૂજી અંદાજમાં કહ્યું કે, ટ્રમ્પને રાહ જોવડાવવી યોગ્ય નથી. બની શકે કે, અમેરિકી રાષ્ટ્રપતિ નારાજ થઈ જાય. પુતિને કાર્યક્રમની વચ્ચે કહ્યું કે, 'મહેરબાની કરીને નારાજ ના થશો, આપણે વધુ વાતચીત કરી શકતા હતા. પરંતુ તેમણે ટ્રમ્પને રાહ જોવડાવવી થોડું અજીબ લાગે છે, તેઓ નારાજ થઈ શકે છે.' આ ટિપ્પણી બાદ દર્શકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો હતો. આ ઘટના મોસ્કોમાં આયોજીત 'સ્ટ્રોન્ગ આઇડિયાઝ ફોર ન્યૂઝ ટાઇમ' ફોરમ દરમિયાન બની હતી. જ્યાં પુતિન એક પેનલ ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પુતિન દર્શકોથી માફી માંગતા અને ટ્રમ્પના કોલ રિસીવ કરવા જવાની વાત કરી રહ્યા છે.
'ઈરાન અને યુક્રેન યુદ્ધ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા'
વાતચીત પછી ટ્રમ્પે પત્રકારોને કહ્યું, 'પુતિન સાથે મારી વાતચીત થઈ. અમે ઈરાન અને યુક્રેન યુદ્ધ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. જોકે, આમ છતાં યુક્રેન પરિસ્થિતિ પર કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી. તેનાથી હું ખુશ નથી. આજે પુતિન સાથે કરેલી વાતમાં કોઈપણ બાબતે કોઈ પ્રગતિ થઈ નથી.'
'રશિયા તેના નિર્ધારિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કરીને રહેશે'
આ ફોન કોલની પુષ્ટિ ક્રેમલિને પણ કરી અને કહ્યું કે, બંને નેતાઓ વચ્ચેની વાતચીત લગભગ એક કલાક સુધી ચર્ચા થઈ હતી. ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યુરી ઉષાકોવે કહ્યું, 'અમારા રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે કહ્યું કે, રશિયા તેના નિર્ધારિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કરીને રહેશે. એટલે કે, વર્તમાન પરિસ્થિતિના કારણે રશિયા તેના લક્ષ્યોથી પાછળ નહીં હટે.'