Explainer: ટ્રમ્પના ‘બિગ બ્યુટીફૂલ બિલ’થી શું ફેરફારો થશે? મસ્ક તેનો આક્રમક વિરોધ કરી રહ્યા છે
US Senate Passed Big Beautiful Bill: 3 જુલાઈ, 2025ના રોજ અમેરિકાના ઇતિહાસમાં એક મહત્ત્વનું પ્રકરણ ઉમેરાયું. આ દિવસે અમેરિકાની કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના મહત્ત્વાકાંક્ષી 'બિગ બ્યુટીફૂલ બિલ' પર 218–214ના મતથી મંજૂરીની મહોર લગાવી દીધી છે. 4 જુલાઈના રોજ અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ હોવાથી પણ આ સફળતા ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે.
બિલ પસાર થઈ જતાં ટ્રમ્પે શું કહ્યું?
આ મુદ્દે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મોમેન્ટ્સ પર લખ્યું કે, ‘અમારી પાર્ટી અગાઉ ક્યારેય ન થઈ હોય એ રીતે એક થઈ ગઈ છે. અમારી પાર્ટીએ આપેલા વચનો પૂરા કરવા માટે સાથ આપનારા કોંગ્રેસના બધા રિપબ્લિકન સભ્યોનો હું આભાર માનું છું. ટૂંક સમયમાં અમેરિકનો પહેલા કરતાં વધુ સમૃદ્ધ, વધુ સુરક્ષિત અને વધુ ગર્વિત બનશે, કારણ કે અમેરિકા ‘નવા સુવર્ણ યુગ’માં પ્રવેશવા જઈ રહ્યું છે.’
સહભાગી ન થવા બદલ ડેમોક્રેટ્સને આડે હાથે લીધા
લોવા સ્ટેટ ફેરગ્રાઉન્ડ્સમાં એક રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અભિનંદન, અમેરિકા! આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે ‘બિગ બ્યુટીફૂલ બિલ’ કરતાં વધુ સારી ભેટ ન હોઈ શકે. આ બિલ ટ્રમ્પના મજબૂત અર્થતંત્ર માટે રોકેટના ઇંધણ જેવું સાબિત થશે. એક પણ ડેમોક્રેટે આ બિલને મત આપ્યો નથી કારણ કે તેઓ ટ્રમ્પને ધિક્કારે છે.’
શું છે બિગ બ્યુટીફૂલ બિલ?
‘બિગ બ્યુટીફૂલ બિલ’ એ ટ્રમ્પ સરકાર દ્વારા દાખલ કરાયેલો નવો કાયદો છે, જેમાં કરવેરા, ખર્ચ અને સુરક્ષા સંબધિત નીતિમાં કરાયેલા ફેરફાર સામેલ છે. ટ્રમ્પના વર્ષ 2017ના પહેલા કાર્યકાળમાં લાગુ કરાયેલા 4.5 ટ્રિલિયન ડૉલર કરવેરા કાપને આ નવું બિલ કાયમી બનાવે છે. આ ઉપરાંત તેમાં ટિપ્સ પર કર નાબૂદી જેવા અનેક પ્રસ્તાવ પણ છે. ખર્ચની વાત કરીએ તો આ બિલ 1.2 ટ્રિલિયન ડૉલરનો કાપ લાગુ કરે છે, જે મેડિકલ અને ખાદ્ય સહાય જેવા કાર્યક્રમોને અસર કરે છે. આ બિલમાં સરહદ સુરક્ષા અને ઇમિગ્રેશન અમલીકરણ માટે 350 બિલિયન ડૉલર ફાળવાયા છે. નોંધનીય છે કે, અમેરિકામાં વેઇટર સહિતના કામદારોને જે ભેટ મળે છે, તે ટિપ્સ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત, અમેરિકન સંસદના બંને ગૃહોમાં 'વન બિગ બ્યુટીફૂલ બિલ' પસાર
1. કાયમી કર કાપ અને SALT કપાતમાં વધારો
‘બિગ બ્યુટીફૂલ બિલ’ ટ્રમ્પના 2017ના કર કાપને કાયમી બનાવે છે અને ઓવરટાઇમ પગાર અને ટિપ્ડ કામગીરી પર કર નાબૂદ કરે છે. આ બિલમાં ‘રાજ્ય અને સ્થાનિક કર કપાત’ (SALT- સ્ટેટ એન્ડ લોકલ ટેક્સ ડિડક્શન) પરની મર્યાદા પણ પાંચ વર્ષ માટે 10,000 ડૉલરથી વધારીને 40,000 ડૉલર કરાઈ છે. જો કે, આ કરવેરા ઘટાડાથી આગામી 10 વર્ષમાં ફેડરલ ખાધમાં 3.4 ટ્રિલિયન ડૉલરનો વધારો થવાની ધારણા છે.
2. આરોગ્ય સહાયમાં મોટો કાપ મૂકાયો
ઓછી આવક ધરાવતા અને દિવ્યાંગ અમેરિકનો માટેના સરકારી આરોગ્ય કાર્યક્રમમાં આ બિલ મોટો કાપ મૂકે છે. આ યોજનાના લાભાર્થી બનવાના નિયમો બદલાતા દરેક વ્યક્તિની પાત્રતાની વારંવાર તપાસ કરાશે, જેના કારણે લગભગ 1 કરોડ 20 લાખ લોકો તેનાથી વંચિત થશે. નવા કાયદા મુજબ જરૂરી દસ્તાવેજ ન ધરાવતા ઇમિગ્રન્ટ્સને પણ મેડિકલ સહાય નહીં મળે. અલબત્ત, આ કાપથી પ્રભાવિત ગ્રામીણ હૉસ્પિટલોને મદદ કરવા નવા કાયદામાં 50 બિલિયન ડૉલરના ભંડોળની જોગવાઈ કરાઈ છે.
3. ખાદ્ય સહાય પર પણ બ્રેક લગાવાઈ
‘બિગ બ્યુટીફૂલ બિલ’ને લીધે ખાદ્ય સહાય પણ પ્રભાવિત થશે. અમેરિકામાં ગરીબ લોકોના પેટનો ખાડો પૂરવા માટે તેમને ફૂડ સ્ટેમ્પ અપાતા હોય છે. નવા બિલમાં ખાદ્ય સહાય આપવાના નિયમો પણ આકરા કરી દેવાયા છે.
4. સરહદ સુરક્ષા વધારીને ઇમિગ્રેશનના નિયમ કડક બનાવાયા
અમેરિકામાં ઘૂસણખોરી રોકવા માટે સરહદ પર દીવાલ બનાવવી જરૂરી છે. આ માટે આ બિલમાં 46 બિલિયન ડૉલરની જોગવાઈ કરાઈ છે. ગેરકાયદે ઘૂસી ગયેલા લોકોના દેશનિકાલ માટે 45 બિલિયન ડૉલર તથા ઇમિગ્રન્ટ અને કસ્ટમ ખાતામાં કર્મચારીઓની ભરતી અને તાલીમ માટે 30 બિલિયન ડૉલરની જોગવાઈ કરાઈ છે.
5. ગ્રીન ઊર્જા સંવર્ધનમાં રોકાણ ઘટાડાશે
નવા બિલમાં ઇલેક્ટ્રિક વાહનો તેમજ ઘરેલુ ઊર્જા સંબંધિત ગ્રીન પ્રોગ્રામ્સ માટેની કર રાહતો નહીં આપવાની પણ વાત છે. તેમાં ગ્રીનહાઉસ ગેસ રિડક્શન ફંડને પણ બંધ કરી દેવાયું છે. જો કે, હાલ જે કરારો લાગુ છે, એ યથાવત્ રહેશે, પરંતુ આ ક્ષેત્રે નવા કરાર નહીં થાય.
નોંધનીય છે કે, આ જ પ્રસ્તાવના કારણે ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ભારે વિવાદ થયો છે. આ જ કારણસર મસ્કે DOGEમાંથી પણ રાજીનામું આપી દીધું હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક મસ્કની મિત્રતામાં ભંગ કેમ પડ્યો? જાણો પાંચ મુખ્ય કારણો
6. આ સિવાય રજૂ કરાયેલા મહત્ત્વના પ્રસ્તાવ
- સરકારી ડિફોલ્ટ ટાળવા આ બિલમાં દેવાની ટોચ મર્યાદામાં 5 ટ્રિલિયન ડૉલરનો વધારો કરાયો છે.
- વરિષ્ઠ નાગરિકો માટે 6,000 ડૉલર સુધીની કર કપાતને મંજૂરી અપાઈ છે.
- ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટમાં પણ ફેરફાર કરાયો છે. આ ક્રેડિટ 2,000 ડૉલરથી ઘટાડીને 1,000 ડૉલરના બદલે તેને કાયમી ધોરણે વધારીને 2,200 ડૉલર કરાઈ છે.
- ટિપ્ડ કામદારો ફેડરલ ટેક્સમાંથી 25,000 ડૉલર સુધીની ટિપની આવક પર રાહત મેળવી શકશે. જો કે, આ લાભ વધુ આવક ધરાવતા કામદારો માટે તબક્કાવાર રીતે સમાપ્ત થઈ જશે.