World

પાકિસ્તાનમાં 'પ્રેસ-ફ્રીડમ' ખતમ : પત્રકારોએ સેન્સરશિપ અને કાનૂની કનડગત સામે મોર્ચો માંડયો

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં સલામતી સંબંધિત ઘટનાઓના કવરેજ પર પ્રતિબંધ સામે વરિષ્ઠ પત્રકારો, મીડિયા યુનિયન્સ, રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓએ ઇસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શનો કર્યા. એક ગોળમેજી પરિષદમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિક અધિકારોના રક્ષણ માટે સંકલિત પ્રયાસો કરવાનો નિર્ણય લેવાયો. પત્રકારો સામે કાનૂની કનડગત અને ઓનલાઈન હેરેસમેન્ટનો પણ ઉલ્લેખ થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં 'પ્રેસ-ફ્રીડમ' ખતમ : પત્રકારોએ સેન્સરશિપ અને કાનૂની કનડગત સામે મોર્ચો માંડયો
  • પાક.માં સલામતી સંબંધી ઘટનાઓનાં કવરેજ પર પ્રતિબંધ
  • સીનિયર જર્નાલિસ્ટ અને મીડિયા યુનિયન્સની સાથે રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ પણ વિરોધમાં જોડાયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં સેન્સરશિપ, કાનૂની કનડગત, નાણાંકીય અસલામતી અને ડિજીટલ કોમ્યુનિકેશન્સ ઉપર મુકાયેલા સખ્ત પ્રતિબંધો સામે વરિષ્ઠ પત્રકારો, મિડીયા યુનિયન્સની સાથે રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ વિરોધમાં જોડાયા છે.
આ માહિતી આપતાં ''જીયો-ન્યૂઝ'' જણાવે છે કે વરિષ્ઠ પત્રકાર નાસીર ઝૈદીનાં અધ્યક્ષપદ નીચે મુનીઝેઈ જહાંગીરનાં માર્ગદર્શન નીચે એક 'ગોળ-મેજી-પરિષદ' યોજવામાં આવી હતી. તેમાં ઉપસ્થિત રહેનારા સર્વેએ અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા નાગરિક અધિકારોની રક્ષા માટે સંકલિત પ્રયત્નો કરવા નિર્ણય લીધો હતો. તેમાં જાણીતા એન્કર હમીદ મીરે પ્રિવેન્શન ઓફ ઈલેકટ્રોનિક ક્રાઈમ્સ એક્ટ (પીઈસીએ) નીચે કરાયેલા કેસોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે વક્તવ્યની અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે એક શ્વેત-પત્ર ઘડવાની પણ રજૂઆત કરી હતી.
પીઢ પત્રકાર મુજીબ-ઉર્-રહેમાન-શમીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના પ્રશ્નો વાસ્તવમાં કાનૂનોના બિનઅસરકારક અમલમાંથી ઊભા થયા છે. જ્યારે નજમ સેથીએ રાજકીય પક્ષોની ટીકા કરતાં કહ્યું હતું કે, તેઓ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરાવવામાં નિષ્ફળ ગયા છે. સાથે કહ્યું હતું કે, 'સેલ્ફ-સેન્સરશિપ' (પોતે જ પોતાની ઉપર મુકેલી કાતર) અને વ્યાપારી દબાણોને 'પ્રેસ'ને નિર્બળ બનાવ્યું છે.
બીજી તરફ મહિલા પત્રકાર આસ્મા શિરાઝાઈએ કહ્યું ઓન-લાઈન હેરેસમેન્ટ (ઓન-લાઈન કનડગત) મહિલા પત્રકારો માટે ત્રાસદાયક છે. તે જાણી જોઈને મહિલા પત્રકારોને નિશાન બનાવે છે. જ્યારે અન્ય મહિલા પત્રકાર અરિફા નૂરે કહ્યું મિડીયા-વર્કર્સ સામે સુવ્યવસ્થિત રીતે પ્રતિબંધો (સેન્સરશિપ) મુકવામાં આવે છે.
બલુચિસ્તાન, સિંધ, ખૈબર પખ્તુનવા, પંજાબ તથા પાકિસ્તાનના કબજા નીચેનાં જમ્મુ અને કાશ્મીર તથા ગિલિગટ-બાલ્ટીસ્તાન વિસ્તારના પત્રકારોએ તેમની સામેની સલામતીની ધમકીઓ તથા આર્થિક અને નાણાંકીય દબાણોનો ઉલ્લેખ કર્યો હતો. ખેબર-પખ્તુનવાના પત્રકાર નાસીર હુસેને ૯-૧૧થી હજી સુધીમાં ૩૦ પત્રકારોની થયેલી હત્યાઓનો ઉલ્લેખ કરવા સાથે જણાવ્યું હતું કે ૨૦૨૫માં ૨૨ પત્રકારોને ધમકીઓ મળી હતી.
આ મિટીંગમાં ઉપસ્થિત રહેતાં પૂર્વ સેનેટર ફરહતુલ્લાહ બાબરે આ સંગઠનને અનુરોધ કર્યો હતો કે તેણે રાજકીય પક્ષોનો સીધો સંપર્ક સાધવો જોઈએ તેમજ પત્રકારોની કરાતી જાસૂસી તથા તેમના પર્સનલ ડેટાનો દુરૂપયોગ અટકાવવા પગલાં ભરવાં જોઈએ, આંદોલન કરવું જોઈએ, તેમજ બદનક્ષીના કાનૂનમાં ફેરફાર કરાવવો જોઈએ. તેઓએ મોડાં મળતાં વેતનનો પ્રશ્ન પણ ઉકેલવો જોઈએ. કારણ કે તેથી પણ પ્રેસ-ફ્રીડમ નિર્બળ બને છે.
ઉલ્લેખનીય છે કે માનવ અધિકારીઓએ પ્રેસ-ફ્રીડમ ઉપર મુકાયેલા પ્રતિબંધો અંગે શરીફ સરકારની ઉગ્ર ટીકા કરી હતી.