For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પત્રકારોના રક્ષણ માટે યુનોની મહાસભાના પ્રમુખે મહાત્માજીના શબ્દો યાદ કર્યા

Updated: May 6th, 2024

પત્રકારોના રક્ષણ માટે યુનોની મહાસભાના પ્રમુખે મહાત્માજીના શબ્દો યાદ કર્યા

''વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે'' નિમિત્તે 'x' પર કરેલા પોસ્ટમાં ડેનિસ ફ્રાંસીએ લખ્યું : પત્રકારો પરના હુમલાથી લોકશાહી ભયમાં મૂકાઈ જાય છે

યુનો: પ્રેસનાં સ્વાતંત્ર્ય વિષે યુનોની મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાંસીએ યુનોના સભ્ય દેશોને સંદેશો પાઠવતાં મહાત્માજીના શબ્દોને યાદ કર્યા હતા. ''વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે'' નિમિત્તે પોતાનાં 'x' પોસ્ટ ઉપર મોકલેલા સંદેશામાં લખ્યું કે, 'પ્રેસનાં સ્વાતંત્ર્ય ઉપર આક્રમણ કરવાથી લોકશાહી ભયમાં મુકાય છે.'

ખોટી માહિતી, વિકૃત રીતે કરેલી રજૂઆત, ગેરમાર્ગે દોરતી માહિતી, તેમજ પર્યાવરણ કટોકટી જેવા નામે પ્રેસ ઉપર પ્રતિબંધો મુકાય છે. જે સ્વીકાર્ય બની શકે તેમ નથી. યોગ્ય પણ નથી. આથી ફ્રી-મીડીયાનાં કૌશલ્ય અને પ્રતિબદ્ધતા ઉપર અસર થાય છે.

આ સાથે મૂળ દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિ તેવા ડેનિસ ફ્રાંસીએ મહાત્મા ગાંધીજીના શબ્દો યાદ કરતાં લખ્યું, 'પ્રેસનું સ્વાતંત્ર્ય એટલું અમુલ્ય છે કે કોઈ દેશને તે છોડવું પોસાય તેમ નથી.' આથી આપણે સર્વે પત્રકારો અને મીડીયાને દુનિયાભરમાં સલામતી આપવા પ્રતિબદ્ધ બનીએ.

યુનોની ૭૮મી મહાસભાના પ્રમુખપદે રહેલા ફ્રાંસીએ વધુમાં લખ્યું કે, 'દુનિયામાં અનેક સ્થળોએ પત્રકારોને ધાક-ધમકી આપવાના, અપહરણ કરવાના, ત્રાસ આપવાના, મનઘડંત રીતે બંદીવાન બનાવવાની અને હત્યાઓ પણ કરવાની ઘટનાઓ વધી રહી છે, તે ચિંતાજનક છે.' તેથી મહાત્મા ગાંધીએ કહ્યા પ્રમાણે આપણે આ ''ફીફથ-એસ્ટેટ'' (પત્રકારત્વ)ને રક્ષવા પ્રતિબદ્ધ બનીએ. પત્રકારો અને મીડિયાને તથા તેની સાથે સંકળાયેલા તમામને પણ રક્ષવા પ્રતિબદ્ધ બનીએ.

તે સર્વવિદિત છે કે દુનિયાના અનેક દેશોમાં અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્ય ઉપર કાપ મુકાઈ રહ્યો છે, તેના ભાગરૂપે પત્રકારો અને મીડીયામાં તમામ ઉપર તવાઈ ઉતરતી રહે છે.


Gujarat