Major Deals Signed Between India Malaysia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે છ મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુઆલાલંપુરમાં યોજાયેલી આ દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન બંને દેશોએ સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમતિ દર્શાવી હતી.
PM મોદી હાલ મલેશિયાના પ્રવાસે
વડાપ્રધાન મોદીની બે દિવસીય મલેશિયા મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત-મલેશિયાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વાતચીતમાં વેપાર, રોકાણ, સેમિકન્ડક્ટર, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ સહયોગ, ઉર્જા, નવીનીકરણીય સંસાધનો, પ્રવાસન, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, ડિજિટલ અને નવી ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પરંપરાગત અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
કયા-કયા ક્ષેત્રોમાં કરારો થયા?
આ મુલાકાત દરમિયાન અનેક દ્વિપક્ષીય સમજૂતીઓ અને સહમતિ પત્રો (MoU)નું આદાન-પ્રદાન થયું હતું. જેમાં મુખ્યત્વે નીચેના મુદ્દા સામેલ છે.
* સુરક્ષા સહયોગ
* યુએન શાંતિ મિશનમાં ભાગીદારી
* સેમિકન્ડક્ટર વિકાસ
* આરોગ્ય અને તબીબી સેવાઓ
* આપત્તિ વ્યવસ્થાપન
* ભ્રષ્ટાચાર વિરોધી સહયોગ
આ ઉપરાંત ઓડિયો-વિઝ્યુઅલ સહ-નિર્માણ, વ્યાવસાયિક શિક્ષણ અને મલેશિયામાં કામ કરતા ભારતીય કામદારો માટે સામાજિક સુરક્ષા સંબંધિત કરારો પણ કરવામાં આવ્યા હતા.
થિરુવલ્લુવર કેન્દ્ર અને નવું કોન્સ્યુલેટ
વડાપ્રધાન મોદીએ મલેશિયા યુનિવર્સિટી (University Malaya) ખાતે વિશેષ 'થિરુવલ્લુવર કેન્દ્ર' સ્થાપવા અને થિરુવલ્લુવર સ્કોલરશિપ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલનો હેતુ પ્રાચીન તમિલ કવિ અને દાર્શનિક થિરુવલ્લુવરના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનો છે. આ સાથે જ ભારત મલેશિયામાં પોતાનું નવું કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) પણ ખોલશે.
આયુર્વેદ, ડિજિટલ પેમેન્ટ અને કનેક્ટિવિટી
આયુર્વેદ: યુનિવર્સિટી ઓફ સાયબરજયા અને ITRA જામનગર વચ્ચેના સહયોગથી આયુર્વેદ અને પરંપરાગત દવા ક્ષેત્રે સંશોધનને વેગ મળશે.
UPI અને ડિજિટલ પેમેન્ટ: ભારતનું NPCI (NIPL) અને મલેશિયાનું PayNet સાથે મળીને પેમેન્ટ સિસ્ટમ વિકસાવશે, જેમાં UPI ને જોડવાની યોજના છે. આનાથી પ્રવાસીઓ અને વેપારીઓ માટે નાણાંની લેવડદેવડ સરળ બનશે.
પર્યાવરણ અને વ્યાપારિક સહયોગ
મલેશિયાએ 'ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ'માં જોડાવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. જે વન્યજીવ સંરક્ષણ માટે મહત્વની પહેલ છે. આ ઉપરાંત, 10મા ભારત-મલેશિયા CEO ફોરમનો રિપોર્ટ પણ બંને વડાપ્રધાનોને સોંપવામાં આવ્યો હતો. જે આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે દિશા-નિર્દેશ આપશે.
મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ સહયોગ મજબૂત કરીશું
પીએમ મોદી આજે ભારત-મલેશિયાના 10મા CEO ફોરમમાં પણ ભાગ લેશે. આ ફોરમમાં બંને દેશોના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સામેલ થશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં PM એ અનેક મામલાને સ્પર્શ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'સુરક્ષા ક્ષેત્રમાં અમે આતંકવાદ વિરોધી કાર્યવાહી, ગુપ્ત માહિતીની આપ-લે અને દરિયાઈ સુરક્ષામાં સહયોગને વધુ મજબૂત કરીશું. અમે સંરક્ષણ સહયોગને પણ વધુ વ્યાપક બનાવીશું.' આ ઉપરાંત તેમણે કહ્યું કે, આતંકવાદ મામલે બેવડા ધોરણો ચલાવી લેવામાં આવશે નહી.


