PM મોદી બ્રિટનથી બે દિવસના પ્રવાસે માલદીવ્સ પહોંચ્યા, સ્વતંત્રતા સમારોહમાં ચીફ ગેસ્ટ બનશે
PM Modi Visit Maldives: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી માલદીવ્સ પહોંચ્યા છે. જ્યાં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન માલદીવ્સના સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી અને નાણાં મંત્રી તેમજ આંતરિક સુરક્ષા મંત્રી પણ પીએમ મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના આમંત્રણ પર વડાપ્રધાન મોદી ચીફ ગેસ્ટ તરીકે માલદીવ્સના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.
ડિફેન્સ કરાર પર હસ્તાક્ષર થવાની આશા
માલદીવ્સમાં ભારતના હાઈ કમિશનર જી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, 'શુક્રવાર (25મી જુલાઈ)થી શરૂ થઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને માલદીવ્સ વચ્ચે ડિફેન્સ કરાર સહિત અનેક કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ મુલાકાત છે.'
ત્રીજી વખત પીએમ મોદી માલદીવ્સની મુલાકાતે
વડાપ્રધાન મોદીની આ મુલાકાત અંગે જી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, 'આ ત્રીજી વખત છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્સની મુલાકાત લેશે. તેમણે પહેલી વાર 2018માં અને પછી 2019માં માલદીવની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના કાર્યકાળ દરમિયાન કોઈ રાજ્યના વડાની આ પહેલી મુલાકાત પણ છે.'
આ પણ વાંચો: બ્રિટિશ પીએમની વાતનું અનુવાદ કરતાં ટ્રાન્સલેટર અટકી, જુઓ પછી વડાપ્રધાન મોદીનું રિએક્શન
ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી
ઉલ્લ્ખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની મુલાકાત દરિમયાન તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને તેમાં મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ જણાવ્યું, કે 'આ ટ્રેડ ડીલના કારણે ભારતના કપડાં ઉદ્યોગ, ચામડા ઉદ્યોગ, રત્ન-આભૂષણ ઉદ્યોગ અને કૃષિ-દરિયાઈ પ્રોડક્ટ્સના ઉદ્યોગને લાભ મળશે. જેના કારણે હજારોની સંખ્યામાં રોજગારી ઊભી થશે અને રોકાણ વધશે. બ્રિટન પોતાની છ યુનિવર્સિટીના કેમ્પસ ભારતમાં ખોલશે.'