PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન: યુરેનિયમ, AI અને ગિફ્ટ સિટી અંગે થઈ ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi Uzbekistan Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયેવ વચ્ચે તાશકંદ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Strategic Partnership) ના સ્તર સુધી લઈ જવા પર સંમતિ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયેવ વચ્ચે તાશકંદમાં પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી. આ દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા સાથે આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, ઊર્જા, ટેકનોલોજી અને શહેરો વચ્ચેના પરસ્પર સહયોગને વધારવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ વિશેષ તકે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓલી દારાજાલી દુસ્તલિક' થી નવાજ્યા હતા.
મુખ્ય નિર્ણય અને સહયોગના મહત્વના ક્ષેત્રો
સમન્વય પરિષદની રચના: બંને દેશો વચ્ચેના તમામ ક્ષેત્રોના સહયોગને યોગ્ય દિશા આપવા માટે વિદેશ મંત્રી સ્તરે એક 'કોઓર્ડિનેશન કાઉન્સિલ' (Coordination Council) ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
યુરેનિયમનો દીર્ઘકાલીન પુરવઠો: વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમની સતત અને લાંબા ગાળાની સપ્લાય માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
GIFT સિટી અને 'ન્યૂ તાશકંદ': ઉઝબેકિસ્તાનમાં ચાલી રહેલા 'ન્યૂ તાશકંદ' પ્રોજેક્ટ સંદર્ભે PM મોદીએ ગુજરાતમાં વિકસિત કરાયેલી GIFT સિટીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉઝબેકિસ્તાનના એક પ્રતિનિધિમંડળને ગુજરાત આવીને GIFT સિટીના ટેકનોલોજીકલ મોડેલનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.
બિઝનેસ સમિટ અને સિસ્ટર-સિટી: બંને દેશો સંયુક્ત રીતે એક મોટા 'બિઝનેસ સમિટ'નું આયોજન કરશે. આ ઉપરાંત ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ત્રણ 'સિસ્ટર-સિટી' અને 'સિસ્ટર-સ્ટેટ' કરારો પણ કરવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે PM મોદીના નેતૃત્વમાં ભારતે ડિજિટલાઇઝેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેસ રિસર્ચમાં સાધેલી અસાધારણ પ્રગતિના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ ઉઝબેકિસ્તાનના આગામી 35મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ત્યાંની જનતાને આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી, અને નોંધ્યું હતું કે બંને દેશો પોતાની વ્યૂહાત્મક ભાગીદારીના 15 વર્ષ પણ પૂર્ણ કરી રહ્યા છે.




