ઈટાલીમાં હિંસા ભડકતા PM મેલોની એક્શનમાં : હાઈ-લેવલ બેઠક બોલાવી, ભારતીયો માટે એડવાઈઝરી જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Italy Violence : ફ્રાન્સ બાદ હવે ઈટાલીમાં પણ વધતી જતી મોંઘવારી, જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ અને કથળતી જાહેર સેવાઓ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મિલાન સહિત દેશના અનેક મોટા શહેરોમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણો, દુકાનોમાં તોડફોડ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ બાદ વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વડાપ્રધાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે સોમવારે એક હાઈ-લેવલ બેઠક બોલાવી હતી.
મિલાનમાં 271 યુવાનોની અટકાયત, 32 લોકોની ધરપકડ
મિલાન શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનો દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરીને 271 યુવાનોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ અટકાયતમાં લેવાયેલા લોકોમાંથી 32 લોકોની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 23 સગીરો અને 13 વિદેશી નાગરિકો સામેલ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય 28 લોકો સામે કાયદેસરની તપાસ ચલાવવા ન્યાયિક સત્તાવાળાઓને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
શહેરમાં આગચંપી અને લૂંટફાટ: પોલીસે ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા
ટેલિવિઝન અને સોશિયલ મીડિયા ફૂટેજ મુજબ મિલાન શહેરના કેન્દ્રમાં સેંકડો નકાબપોશ દેખાવકારોએ રસ્તા પર ઉતરીને ભારે ઉત્પાત મચાવ્યો હતો. તોફાની તત્વોએ ડસ્ટબિનોમાં આગ લગાવી દીધી હતી અને આસપાસની દુકાનોમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી. અનિયંત્રિત બનેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે દંગા-વિરોધી સાધનોથી સજ્જ સુરક્ષા દળોએ દેખાવકારો પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને વોટર કેનન (પાણીના ફુવારા)નો ઉપયોગ કરીને ભીડને વિખેરી હતી.
ઈટાલી સ્થિત ભારતીય દૂતાવાસે જારી કરી સુરક્ષા એડવાઈઝરી
ઈટાલીમાં વણસતી જતી પરિસ્થિતિ વચ્ચે ત્યાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય મિશન દ્વારા તાત્કાલિક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, ભીડભાડવાળા વિસ્તારો અને વિરોધ પ્રદર્શનના સ્થળોથી દૂર રહેવા તેમજ સ્થાનિક સમાચારો પર સતત નજર રાખવાની કડક સલાહ આપવામાં આવી છે. કટોકટીના સંજોગોમાં ભારતીયો નીચે આપેલા ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકે છે. રોમ સ્થિત ભારતીય દૂતાવાસે +39 331 614 2085 અને મિલાન સ્થિત ભારતનું કોન્સ્યુલેટ જનરલે +39 388 164 7527 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. દૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ મુશ્કેલીના સમયે ભારતીય નાગરિકોએ સ્થાનિક પ્રશાસનના નિયમોનું પાલન કરવું અને સીધો સંપર્ક સાધવો.
ઉત્તરી ઈટાલીના શહેરોમાં સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શનો
ઈટાલીમાં સતત બીજા દિવસે પણ હિંસક વિરોધ જોવા મળ્યો હતો. અગાઉ શનિવારે 17 ઓક્ટોબરે ઉત્તરી ઈટાલીના મિલાન, બોલોન્યા, બ્રેસિયા, બર્ગામો અને ટ્યુરિન સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રવિવારે જારી કરાયેલા પોલીસ રિપોર્ટ અનુસાર શનિવારની હિંસાના સંદર્ભમાં 28 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પ્રદર્શનકારીઓમાં વધતી મોંઘવારી, રહેઠાણ અને દૈનિક જીવનનિર્વાહના ઊંચા ખર્ચ તેમજ નબળી સાર્વજનિક સુવિધાઓ સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
પાડોશી દેશ ફ્રાન્સમાં પણ મોંઘવારી સામે લોકો રસ્તા પર ઉતર્યા
માત્ર ઈટાલી જ નહીં પરંતુ પાડોશી દેશ ફ્રાન્સમાં પણ મોંઘવારી અને જાહેર સેવાઓના કથળતા સ્તર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. શનિવારે ફ્રાન્સના અનેક શહેરોમાં પણ મોટી સંખ્યામાં નાગરિકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં પોલીસ સાથે હિંસક અથડામણો થઈ હતી. સમગ્ર યુરોપના દેશોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવો અને સામાન્ય જનતા પર વધી રહેલા આર્થિક બોજને પગલે સરકારો સામે મોટો જનાક્રોશ જોવા મળી રહ્યો છે.




