PHOTO : રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, કીવ સહિત 12 વિસ્તારોમાં મિસાઈલ-ડ્રોન ઝીંક્યા; 4 બાળકો સહિત 19નાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia-Ukraine War : રશિયાએ બુધવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવ સહિત આશરે એક ડઝન જેટલા વિસ્તારો પર મિસાઈલો અને ડ્રોનનો જોરદાર મારો ચલાવ્યો હતો. આ ભીષણ હુમલામાં 4 બાળકો સહિત ઓછામાં ઓછા 19 સામાન્ય નાગરિકોના મોત થયા છે, જ્યારે 60 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનની ગુપ્તચર એજન્સીઓને અગાઉથી મોટા હુમલાની આશંકા હતી, તેમ છતાં એર ડિફેન્સ મિસાઈલોની તંગીને કારણે તેઓ આ હુમલાને સંપૂર્ણપણે રોકી શક્યા ન હતા. આ ભયાનક હુમલાના વળતા જવાબમાં યુક્રેને પણ રશિયાના તેલ ઠેકાણાઓ પર લાંબા અંતરના ડ્રોન અને મિસાઈલો છોડીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
પ્રિલુકી શહેરમાં રહેણાંક બિલ્ડિંગ જમીનદોસ્ત, કાટમાળ નીચેથી 18 મૃતદેહ મળ્યા
સૌથી મોટો વિનાશ ઉત્તરી ચેર્નિહીવ વિસ્તારના પ્રિલુકી શહેરમાં જોવા મળ્યો હતો, જ્યાં રશિયન મિસાઈલ સીધી એક રહેણાંક એપાર્ટમેન્ટ પર પડી હતી. આ હુમલામાં આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી 18 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે, જેમાં માત્ર 1 વર્ષની વયના ત્રણ બાળકો તેમજ 8 વર્ષના મેક્સિમનો સમાવેશ થાય છે. બચાવ ટીમોએ 15 લોકોને જીવતા બહાર કાઢ્યા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો લાપતા હોવાથી કાટમાળ હટાવવાનું કામ સતત ચાલુ છે.
પુતિનના જન્મદિવસે દર્દનાક હુમલો, ઝેલેન્સ્કીએ વિશ્વ સમક્ષ કરી માંગ
આ હુમલો રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના 74મા જન્મદિવસે કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દુનિયા સમક્ષ દર્દ ઠાલવતા કહ્યું કે, રશિયા સારી રીતે જાણે છે કે તેઓ સામાન્ય શહેરો અને નિર્દોષ બાળકો પર હુમલો કરી રહ્યા છે. આ મોસ્કો દ્વારા શાંતિ પ્રયાસોની સામે જાણીજોઈને પસંદ કરાયેલો આતંકવાદ છે. તેમણે વૈશ્વિક નેતાઓને અપીલ કરી કે હવે ચૂપ બેસી રહેવાનો સમય નથી, રશિયા પર દબાણ વધારવા માટે યુક્રેનને તાત્કાલિક નવા ડિફેન્સ પેકેજ આપવા જરૂરી છે.
યુક્રેનનો વળતો પ્રહાર: રશિયાના બે તેલ ઠેકાણા અને ટ્રેનિંગ ગ્રાઉન્ડ ફૂંકી માર્યા
રશિયાના ઘાતક હુમલાનો જવાબ આપતાં યુક્રેને મોડી રાત્રે રશિયાની અંદર આવેલા પર્મ, સમારા અને અસ્ત્રાખાન વિસ્તારોમાં બે મહત્વપૂર્ણ ઓઈલ ફેસિલિટી અને એક સૈન્ય ટ્રેનિંગ ગ્રાઉન્ડ પર મિસાઈલો અને લાંબા અંતરના ડ્રોનથી ચોક્કસ નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત કાળા સમુદ્રમાં (બ્લેક સી) પણ યુક્રેને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઝેલેન્સ્કીએ સોચી શહેર નજીક સમુદ્રમાં સળગતા તેલ ટેન્કરની તસવીરો પણ શેર કરી હતી, જે નોવોરોસિસ્કથી ભારત તરફ તેલ લઈને જઈ રહ્યું હોવાની ચર્ચા છે.
પોલ્ટાવા સહિત અન્ય શહેરોમાં પણ તારાજી, ક્રેમેનચુકમાં 2ના મોત
પ્રિલુકી ઉપરાંત પોલ્ટાવા વિસ્તારના ક્રેમેનચુકમાં પણ ભારે વિનાશ થયો છે, જ્યાં 2 લોકોના મોત નીપજ્યા છે અને 7 લોકો ઘાયલ થયા છે. ક્રેમેનચુક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે દુશ્મન રશિયા સામાન્ય લોકોમાં ભય ફેલાવવા માંગે છે જેથી લોકો ઊંઘતા પણ ડરે. આ સિવાય રાજધાની કીવ સહિત અન્ય 3 શહેરોમાં પણ નાગરિકોના મોતના અહેવાલ સામે આવ્યા છે.
અમેરિકન પેટ્રિઅટ સિસ્ટમ માટે દારૂગોળાની અછત યુક્રેનની મોટી મજબૂરી
યુક્રેન માટે રશિયાની બેલેસ્ટિક મિસાઈલોને આકાશમાં જ રોકવી એ સૌથી મોટો પડકાર બની ગયો છે. અમેરિકા દ્વારા આપવામાં આવેલી પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ માટે મિસાઈલો ખૂટી પડી છે. મધ્ય પૂર્વ અને ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે પેટ્રિઅટ મિસાઈલોની ભારે અછત સર્જાઈ છે, જેને પગલે યુક્રેન આકાશમાંથી વરસતા બોમ્બ સામે લાચાર બની રહ્યું છે. ઊંચાઈ પર ઊડતા રશિયાના નવા જેટ ડ્રોનને નષ્ટ કરવા માટે યુક્રેન હવે સ્થાનિક સ્તરે નવા ઈન્ટરસેપ્ટર તૈયાર કરવા દોડધામ કરી રહ્યું છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો: લશ્કરી અને ઔદ્યોગિક ઠેકાણાં નિશાના પર હતા
બીજી તરફ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે પોતાના હુમલાનો બચાવ કરતાં દાવો કર્યો છે કે તેમણે રહેણાંક વિસ્તારો નહીં પરંતુ ડ્રોન અને મિસાઈલનું ઉત્પાદન તથા સંગ્રહ કરતા ઔદ્યોગિક એકમોને ટાર્ગેટ કર્યા હતા. આ ઉપરાંત દક્ષિણી ઓડેસા ક્ષેત્રમાં યુક્રેની સેનાનો દારૂગોળો લઈ જતાં જહાજો, પોર્ટ અને શિપ રિપેરિંગ સેન્ટરો પર હુમલો કરવામાં આવ્યો હોવાનું મોસ્કોએ જણાવ્યું હતું.




