Get The App

પાકિસ્તાને ટ્રમ્પના ગાઝા પ્લાન પર પલ્ટી મારી ! પાક. વિદેશ મંત્રીએ કહ્યું, ‘તેમનો-અમારો પ્રસ્તાવ મેળ નથી ખાતો’

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાને ટ્રમ્પના ગાઝા પ્લાન પર પલ્ટી મારી ! પાક. વિદેશ મંત્રીએ કહ્યું, ‘તેમનો-અમારો પ્રસ્તાવ મેળ નથી ખાતો’ 1 - image


Donald Trump Gaza Peace Plan : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુદ્ધ સમાપ્ત કરવા માટે રજૂ કરાયેલા 20 પોઇન્ટના બ્લૂપ્રિન્ટ પર પાકિસ્તાને સત્તાવાર રીતે યુ-ટર્ન લીધો છે. અનેક વખત પાકિસ્તાનના વખાણ કરનારા ટ્રમ્પ પર હવે પાકિસ્તાને જ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાક ડાર સંસદમાં બોલ્યા છે કે, ‘ગાઝા પ્લાન મુદ્દે અમે આપેલો ડ્રાફ્ટ ટ્રમ્પની યોજનામાં સામેલ જ નથી. ટ્રમ્પ ગાઝામાં ઇઝરાયેલી સેનાની સંપૂર્ણ વાપસી નહીં, પરંતુ આંશિક વાપસી ઇચ્છે છે.

ટ્રમ્પનો પ્રસ્તાવ મુસ્લિમ દેશોના પ્રસ્તાવથી અલગ : પાકિસ્તાન

ડારે કહ્યું કે, ‘ટ્રમ્પે જાહેર કરાયેલો પ્રસ્તાવ મુસ્લિમ દેશોની મૂળ ડ્રાફ્ટ યોજનાથી અલગ છે. 22 સપ્ટેમ્બરે મુસ્લિમ દેશો સાથેની બેઠકમાં ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું હતું કે, ગાઝામાંથી ઇઝરાયેલી સેનાની સંપૂર્ણ વાપસી થવી જોઈએ. જોકે ટ્રમ્પની યોજનામાં માત્ર હમાસના કબજા હેઠળના બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયેલની આંશિક વાપસીનો જ ઉલ્લેખ છે.’

ટ્રમ્પના પ્રસ્તાવ પર આશંકા

તેમણે વધુમાં કહ્યું કે, ‘આઠ દેશોએ ટ્રમ્પ પાસેથી વચન લીધું હતું કે, તેઓ વેસ્ટ બૅંક પર ઇઝરાયેલનો કબજાને વધારવાની મંજૂરી નહીં આપે. મુસ્લિમ દેશોએ ડ્રાફ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ઇઝરાયેલ ગાઝામાંથી સંપૂર્ણ બહાર જતું રહે અને બે રાષ્ટ્ર વચ્ચે સમાધાનના આધારે શાંતિ સ્થાપવી જોઈએ. અમારા દેશની નીતિ છે કે, પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવીને ઇઝરાયલ સાથે શાંતિપૂર્ણ અસ્તિત્વ સુનિશ્ચિત કરવામાં આવે.’ જોકે ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ પેલેસ્ટાઇનને રાજ્ય બનાવવાની સંભાવનાનો ઇન્કાર કરતા રહ્યા છે, જેના કારણે ટ્રમ્પના પ્રસ્તાવ પર શંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નક્શા પર નહીં રહે, આર્મી ચીફ દ્વિવેદીની ચેતવણી

પાકિસ્તાની વિદેશમંત્રીનો યુ-ટર્ન

આ પહેલા ડારે કહ્યું હતું કે, ‘ટ્રમ્પનો 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવ અમેરિકાનો દસ્તાવેજ છે અને તે અમારો દસ્તાવેજ નથી. પાકિસ્તાને મુસ્લિમ દેશ તરીકે ગાઝાના લોકો પ્રત્યે પ્રેમ હોવાથી યુદ્ધવિરામ, હુમલા રોકવા, માનવતાવાદી સહાય ચાલુ રાખવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકાને સૂચનો મોકલ્યા હતા.’ જોકે, ડારએ સ્વીકાર્યું કે પાકિસ્તાન દ્વારા મોકલેલા તમામ સૂચનો અમેરિકાએ માન્યા નથી.

પાકિસ્તાની PMએ પહેલા ટ્રમ્પને ખુશ કર્યા અને પીછેહઠ કરી

ગાઝામાં શાંતિ સ્થાપવા માટે ટ્રમ્પ અનેક પ્રયાસો કરતા રહ્યા છે અને પાકિસ્તાનના વડાપ્રધાન પણ ટ્રમ્પને વારંવાર સમર્થન આપતા અને વખાણ કરતા રહ્યા છે. શરીફે તાજેતરમાં જ અમેરિકાને ખુશ કરવાના માટે ટ્રમ્પના ગાઝા પ્લાનનો યોગ્ય ઠેરવ્યો હતો. ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન ગાઝા પ્લાનનું 100 ટકા સમર્થન કરી રહ્યું છે, જોકે હવે અમેરિકાની ગાઝા પ્લાનની વાતો માનનાર પાકિસ્તાનના વડાપ્રધાન પોતાના જ દેશમાં જ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે, જેના કારણે શરીફ સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરી રહી હોય, તેવું દેખાઈ રહ્યું છે.

ટ્રમ્પનો ગાઝા શાંતિનો પ્રસ્તાવ

ટ્રમ્પે રજૂ કરાયેલા 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવની કેટલીક બાબતોના કારણે વિવાદ સર્જાયો છે. તે સૂત્રોમાં પેલેસ્ટાઇની સંગઠન હમાસને હથિયારો હેઠા મૂકાવી ગાઝામાં તેઓની ભૂમિકા સમાપ્ત કરવી... ગાઝાનું સંચાલન એક સ્વતંત્ર ટેક્નોક્રેટના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરાવવું, જેની દેખરેખ ટ્રમ્પની અધ્યક્ષતાવાળા બોર્ડ ઑફ પીસ નામના આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા કરાવવું... ઇઝરાયેલ ગાઝામાંથી તબક્કાવાર પીછેહઠ કરે... ઇઝરાયેલી બંધકો અને પેલેસ્ટાઇની કેદીઓની અદલા-બદલી કરવી... આરબ દેશોએ ગાઝાના પુનર્નિર્માણનો ખર્ચ ઉઠાવે... પેલેસ્ટાઇનને ભવિષ્યમાં રાજ્યનો અસ્પષ્ટ વચન આપ્યું...

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો...’

Tags :